14મી ડિસેમ્બરથી શરૂ થશે દેશમાં 24*7 RTGSની સુવિધા

05 December, 2020 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

14મી ડિસેમ્બરથી શરૂ થશે દેશમાં 24*7 RTGSની સુવિધા

ફાઈલ ફોટો

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ આગામી 14મી ડિસેમ્બરથી આરટીજીએસની સિસ્ટમથી સાતેય દિવસ અને ચોવીસ કલાક નાણાં ટ્રાન્સફર કરી આપવાની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે.

હાલમાં દરેક બૅન્ક પોતાની રીતે સવારે આઠથી સાંજના છ કે સવારના દસથી રાતના આઠ વાગ્યા સુધી આર.ટી.જી.એસ.થી પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. પરિણામે બિઝનેસ પ્રક્રિયા ઝડપી થઈ જશે. આર.ટી.જી.એસ.માં મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. ડિસેમ્બર 2019થી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની સિસ્ટમ ચોવીસ કલાક, 365 દિવસ માટે ચાલુ કરાઈ હતી. હવે આર.ટી.જી.એસ.ની સિસ્ટમ પણ આ જ રીતે ચાલુ કરવામાં આવશે.

રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની વ્યવસ્થાનો લાભ ઇન્ટરબૅન્ક મની ટ્રાન્સફર કરાવતા ગ્રાહકોને ચોવીસ કલાક મળે તે માટે તૈયારી રાખવા રિઝર્વ બૅન્કે બૅન્કોને જણાવી દીધું છે. બૅન્ક ચાલુ થવાના સમયને અંદાજે અડધો કલાક અને બૅન્ક બંધ થવાના સમયે અંદાજે અડધા કલાક માટે આ સેવા અટકાવવામાં આવશે. આ માટેના ચોક્કસ સમયની આગામી દિવસોમાં જાહેરાત કરી દેવામાં આવશે. રિઝર્વ બૅન્કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટના ટ્રાન્ઝેક્શન પર જુલાઈ 2019થી કોઈપણ પ્રકારના ચાર્જ લેવાનું બંધ કરી દીધું છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધે તેવા ધ્યેય સાથે આ ચાર્જ લેવાનું બંધ કરવામાં આવ્યું છે.

રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટની સિસ્ટમથી મોટી રકમના પેમેન્ટ કરી શકાય છે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર-નેફ્ટની સિસ્ટમનો ઉપયોગ રૂા. 2 લાખ સુધીની રોકડ રકમ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

અગાઉ અઠવાડિયાના પાંચ દિવસ આ સુવિધા ઉપલબ્ધ હતી. હવે ચોવીસ કલાક અને સાતેય દિવસ આ સિસ્ટમ ચાલુ કરવામાં આવતા ડિફોલ્ટ થવાની શક્યતા ઘટી જશે. બિઝનેસ ટ્રાન્ઝેક્શન અત્યંત ઝડપી થશે. મની ટ્રાન્ઝેક્શન ઝડપી થતાં બિઝનેસ સાઈકલ ટૂંકી થશે. તેથી ઓછા નાણાંનો વધુ વાર હાથબદલો થતાં વેપાર વધશે. બૅન્કની પેમેન્ટ સિસ્ટમ આ સાથે જ સંગીન બનશે.

રિઝર્વ બૅન્કના ગવર્નરે જણાવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સલામત બનાવવા માટે કાર્ડ અને યુપીઆઈ મારફતે કરવામાં આવતા આર્થિક વહેવારો માટેની રકમ રૂા. 2000થી વધારીને 5000 કરવામાં આવી છે. પહેલી જાન્યુઆરી 2021થી આ વ્યવસ્થાને અમલમાં મૂકવામાં આવશે. કોન્ટેક્ટલૅસ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરવાને કારણે તથા ઈ-મેન્ડેટ્સથી કરવામાં આવતા આર્થિક વહેવારોની રકમની મર્યાદામં વધારો કરવામાં આવ્યો છે.

RTGSથી સરળતાથી પૈસા ટ્રાન્સફર કરી શકાય તે માટે દિવસ દરમિયાન અને સાંજે કામકાજનો સમય પૂરો થઈ ગયા પછી બૅન્કોએ વધારાની લિક્વિડીટી એટલે કે રોકડ રકમ રાખવી પડશે.

આ લિક્વિડિટી - રોકડની વ્યવસ્થા હશે તો જ વહેવારો સરળતાથી થઈ શકશે. નાની બૅન્કોએ પણ આ માટે મોટી રકમ રાખવી પડસે. દિવસ દરમિયાન કોઈ પાસે રોકડ લેવામાં આવશે તો દે રોકડ રકમ દિવસ પૂરો થાય તે પૂર્વે જ એક બૅન્કે બીજી બૅન્કને આપી દેવાની રહેશે.બૅન્કોને આરટીજીએસની 24 કલાક સેવા આપવા માટેની માળખાકીય સુવિધા ઊભી કરી દેવાની સૂચના આપી દેવાઈ છે.

business news reserve bank of india