દેશમાં રૂફટૉપ સોલર ક્ષમતામાં ત્રણ મહિનામાં ૫૨૧ મેગાવૉટનો વધારો

22 September, 2021 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે અત્યાર સુધીનો સૌથી અધિક ત્રિમાસિક વધારો છે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં આ વર્ષના એપ્રિલથી જૂન દરમ્યાન રૂફટાપ સોલરની વીજઉત્પાદન ક્ષમતામાં ૫૨૧ મેગાવૉટનો વધારો થયો છે, એમ મર્કોમ ઇન્ડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

કૅલેન્ડર વર્ષ ૨૦૨૧ના બીજા ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક ધોરણે ચાલુ વર્ષના આગલા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ)ની તુલનાએ ક્ષમતામાં ૫૩ ટકાનો વધારો થયો છે. આગલા ત્રિમાસિક ગાળામાં ૩૪૧ મેગાવૉટ ક્ષમતા સ્થાપવામાં આવી હતી, એમ અહેવાલમાં જણાવાયું હતું.

ગયા વર્ષે આ જ સમયગાળા (એપ્રિલ-જૂન ૨૦૨૦)માં ૮૫ મેગાવૉટની ક્ષમતા સ્થાપવામાં આવી હતી એની તુલનાએ આ વર્ષના એપ્રિલથી જૂન સમયગાળામાં સોલર ક્ષમતામાં ૫૧૭ ટકાનો વધારો થયો છે, જે અત્યાર સુધીનો સૌથી અધિક ત્રિમાસિક વધારો છે.

કોવિડ-19ના પગલે લૉકડાઉન છતાં આટલો વધારો થયો છે, કારણ કે આ વખતે ઉદ્યોગ અધિક સજ્જ હતો. સૌથી વધુ ક્ષમતા ગુજરાતમાં કાર્યરત થઈ છે.

જાન્યુઆરીથી જૂન દરમ્યાન રૂફટૉપ સોલર ક્ષમતા આગલા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૨૧૦ ટકા વધીને ૮૬૨ મેગાવૉટ થઈ હતી.

business news