એક્સાઈઝ ડ્યુટી અને ક્રૂડના ઊંચા ભાવથી પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો

27 June, 2020 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક્સાઈઝ ડ્યુટી અને ક્રૂડના ઊંચા ભાવથી પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો

ફાઈલ તસવીર

છેલ્લા અઢાર દિવસથી દેશમાં પેટ્રોલ પમ્પ ખાતે ટેન્ક ફૂલ કરાવતી વખતે ચૂકવવી પડતી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. પેટ્રોલ કરતાં ડીઝલના ભાવ વધી ગયા છે અને બન્નેના ભાવ વિક્રમી ઊંચી સપાટીએ છે. ગ્રાહકોને આશા હોય કે ભાવ ઘટશે અને થોડી રાહત મળશે પણ એવી શક્યતા નહીંવત છે, ઉલટું ભાવ હજુ પણ વધે તેવી તૈયારી રાખવી જરૂરી છે.

મુંબઈમાં પેટ્રોલના ભાવ ૧૦.૬ અને ડીઝલના ભાવ ૧૦.૩ રૂપિયા વધ્યા છે. ઇતિહાસમાં પેટ્રોલના સૌથી ઊંચા ભાવ ૯૧.૩૦ હતા અને ડીઝલના ભાવ ૮૦.૧ રૂપિયા હતા. એવું લાગી રહ્યું છે કે ક્રૂડ ઑઈલના ભાવ જે રીતે વધી રહ્યા છે અને કેન્દ્ર સરકાર પોતાની આવક બચાવવા માટે કોઈ રાહત આપવાના મૂળમાં નથી એટલે જુલાઈ દરમ્યાન આ બન્ને ઇંધણના ભાવ સૌથી ઊંચી સપાટીએ પહોંચી જશે.

કેન્દ્ર સરકારે પોતાની કરની આવક સાચવી રાખવા માટે બન્ને ફ્યુઅલ ઉપરના ટૅક્સમાં ઐતિહાસિક વધારો કર્યો હતો અને તેના કારણે ઑઈલ માર્કેટિંગ કંપનીઓ ઉપર બોજ આવી પડ્યો છે. કંપનીઓ પાસે પોતાનો હિસ્સો કે નફો જાળવી રાખવા માટે ભાવ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

ભારતમાં ફ્યુઅલના ભાવ નક્કી કરવા માટે બ્રેન્ટ, દુબઈ ક્રૂડ અને અમેરિકન નાયમેકસ મળીને ઇન્ડિયન બાસ્કેટ ક્રૂડ ઑઈલ નક્કી કરવામાં આવે છે અને તેના આધારે ભાવ નક્કી થાય છે. જાન્યુઆરી તા. ૬ના રોજ આ ઇન્ડિયન બાસ્કેટનો ભાવ ૬૯.૯૫ ડૉલર હતો જે તા. ૨૮ એપ્રિલના રોજ જ્યારે નાયમેક્સમાં ક્રૂડ વાયદો નેગેટિવ થઈ ગયો ત્યારે ૧૬.૧૯ ડૉલર પ્રતિ બેરલ હતો. વિશ્વની બજારમાં ક્રૂડ ઑઈલનું ઉત્પાદન વધી ગયું હતું અને હાજરમાં માગના અભાવના કારણે ભાવ ઘટી ગયા હતા, પણ નીચા ભાવનો ભારતના ગ્રાહકોને કોઈ લાભ મળ્યો નથી.

લૉકડાઉન અમલમાં આવ્યું ત્યાં સુધી ભારતમાં ક્રૂડના દૈનિક ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સમયાંતરે વધારો કે ઘટાડો થતો હતો, પણ લૉકડાઉન શરૂ થયું ત્યારથી ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં. ક્રૂડ ઑઈલના ભાવ સતત ઘટી રહ્યા હતા, ઇન્ડિયન બાસ્કેટનો ભાવ પણ ઘટી રહ્યો હતો છતાં ભાવમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં.

કેન્દ્ર સરકારે તા. ૧૪ માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલ ઉપર ૩ રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝમાં વધારો કર્યો હતો અને મે તા. ૬ ના રોજ ફરી પેટ્રોલ ઉપર ૧૦ અને ડીઝલ ઉપર ૧૩ રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં સુધી ઇન્ડિયન ક્રૂડ ઑઈલ બાસ્કેટનો ભાવ ૩૩ ડૉલર પ્રતિ બેરલ આસપાસ રહ્યો ત્યાં સુધી એક્સાઈઝ ડ્યુટીની અસર થઈ નહીં, કારણ કે વાસ્તવિક રીતે ક્રૂડ સસ્તું હતું અને કિંમતમાં વધારો કર્યા વગર નફો કરી ઑઈલ માર્કેટિંગ કંપનીઓ તે વેચી રહી હતી, પણ હવે ભાવ વધી રહ્યા છે અને એટલે ગ્રાહકો ઉપર બોજ પણ વધી રહ્યો છે.

પેટ્રોલનો ભાવ મુંબઈમાં તા. ૩૧ મેના રોજ ૭૬.૩૧ પ્રતિ લીટર હતો જે આજે ૮૬.૯૧ રૂપિયા છે. ડીઝલના ભાવ ૬૮.૨૧ની સામે ૭૮.૫૧ રૂપિયા થઈ ગયા છે. પેટ્રોલના ભાવમાં ૧૩.૮૯ ટકા અને ડીઝલના ભાવમાં ૧૫ ટકાની વૃદ્ધિ થઈ છે. સામે ઇન્ડિયન બાસ્કેટ ઑફ ક્રૂડ ઑઈલના ભાવ ૩૦ ટકા જેટલા વધ્યા છે. એટલે કે ક્રૂડ ઑઈલના ભાવમાં વધારો ફ્યુઅલના રીટેલ ભાવ કરતાં હજી ઓછો છે. આ કિસ્સામાં ભાવમાં કોઈ રાહત મળવી શક્ય નથી જણાતી.

business news