યુરો એરિયાનું ઇન્ફ્લેશન વધવાથી ફેડ પર ઇન્ટરેસ્ટ રેટ વધારો ચાલુ રાખવાનું દબાણ વધતાં સોનું ઘટ્યું

19 November, 2022 01:36 PM IST  |  Mumbai | Mayur Mehta

બ્રિટનનું ઇન્ફ્લેશન ૪૧ વર્ષની ઊંચાઈએ અને યુરો એરિયાનું ઇન્ફ્લેશન નવી ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું

પ્રતીકાત્મક તસવીર

બ્રિટન બાદ યુરો એરિયાનું ઇન્ફ્લેશન વધતાં અમેરિકન ફેડ પર ઇન્ટરેસ્ટ રેટ વધારો જાળવી રાખવાનું દબાણ વધતાં સોનું ઘટ્યું હતું. મુંબઈ જ્વેલરી
માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૭ રૂપિયા ઘટી હતી. 
વિદેશી પ્રવાહ 
બ્રિટન અને યુરો એરિયાનું ઇન્ફ્લેશન નવેસરથી વધતાં ફેડના મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિને ધીમી ન પાડવાની અપીલ કરતાં સોનું ઘટ્યું હતુ. સપ્તાહના આરંભે સોનું વધીને ૧૭૮૬ ડૉલરે તેમ જ ગુરુવારે સોનું વધીને ૧૭૮૨.૪૦ ડૉલર થયું હતું. સોનામાં શુક્રવાર સુધી સાપ્તાહિક ૦.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સૅન ફ્રાન્સિસ્કોના ફેડના ચૅરમૅન જેમ્સ બુલાર્ડે ઇન્ફ્લેશનના વધારાના કાબૂમાં લેવા ઇન્ટરેસ્ટ રેટ પાંચથી સાત ટકાના લેવલે પહોંચાડવાની અપીલ કરતાં ડૉલર સુધર્યો હતો
અને સોનું ઘટ્યું હતું. સોનું ઘટતાં
ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
જપાનનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વધીને ૩૨ વર્ષની ઊંચાઈએ ૩.૭ ટકાએ પહોંચ્યું હતું, જે સપ્ટેમ્બરમાં ત્રણ ટકા હતું. ફૂડ પ્રાઇસનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વધીને ૬.૪ ટકાએ પહોંચ્યું હતું, જે સપ્ટેમ્બરમાં ૪.૨ ટકા હતું અને હાઉસિંગ પ્રાઇસ ઑક્ટોબરમાં ૧.૧ ટકા વધ્યા હતા, જે સપ્ટેમ્બરમાં ૦.૬ ટકા વધ્યા હતા. ગેસ પ્રાઇસ ૨૦ ટકા (સપ્ટેમ્બરમાં ૧૯.૪ ટકા), ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન ૨.૦ ટકા (સપ્ટેમ્બરમાં ૦.૬ ટકા) વધ્યા હતા. મન્થ્લી બેઝ પર ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં ૦.૬ ટકા વધ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૦.૩ ટકા વધ્યો હતો. કોર ઇન્ફ્લેશન જપાનનું ઑક્ટોબરમાં ૩.૬ ટકા વધીને ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું જે સપ્ટેમ્બરમાં ત્રણ ટકા હતું અને માર્કેટની ધારણા ૩.૫ ટકાની હતી. બૅન્ક ઑફ જપાને અન્ય સેન્ટ્રલ બૅન્કોની પૉલિસીને અવગણીને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખી છે, પણ હવે ઇન્ફ્લેશન કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે અને જૅપનીઝ કરન્સી યેનનું મૂલ્ય મલ્ટિ યર હાઈ સાડાત્રણ દાયકાની નીચી સપાટીએ પહોંચ્યું હોવાથી બૅન્ક ઑફ જપાને પૉલિસીમાં ફેરફાર કરવો પડશે. બૅન્ક ઑફ જપાન પર અલ્ટા લો મૉનેટરી પૉલિસીનું સ્ટૅન્ડ બદલવા દિવસે-દિવસે દબાણ વધી રહ્યું છે. 
યુરો એરિયાનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૧૦.૬ ટકાએ પહોંચ્યું હતું, જે પ્રિલિમિનરી એસ્ટ‌િમેટમાં ૧૦.૭ ટકા હતું અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં પાંચ ગણું હતું. યુરોપ‌િયન દેશોમાં એનર્જી પ્રાઇસ ઑક્ટોબરમાં ૪૧.૫ ટકા વધ્યા હતા, જે સપ્ટેમ્બરમાં ૪૦.૭ ટકા વધ્યા હતા. ફૂડ, આલ્કોહૉલ અને ટબૅકો પ્રાઇસ ઑક્ટોબરમાં ૧૩.૧ ટકા વધ્યા હતા, જે સપ્ટેમ્બરમાં ૧૧.૮ ટકા વધ્યા હતા. મન્થ્લી બેઝ પર ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં ૧.૫ ટકા વધ્યું હતું. 
અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૧૨ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૪૦૦૦ ઘટીને ૨.૨૨ લાખ પર પહોંચી હતી, જેની ધારણા ૨.૨૫ લાખની હતી. અમેરિકાની અનેક ટેક્નૉલૉજી કંપનીઓ અગ્રેસિવ લે-ઑફ કરી રહી હોવા છતાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ઘટી રહી છે. છેલ્લાં ચાર સપ્તાહની ઍવરેજ પ્રમાણે બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૨૦૦૦ વધી હતી. 
અમેરિકાનો હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં મન્થ્લી ૪.૨ ટકા ઘટ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧.૩ ટકા ઘટ્યો હતો. ખાસ કરીને સિંગલ ફૅમિલી હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ ૬.૧ ટકા અને મલ્ટિ ફૅમિલી હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટ્યો હતો. છેલ્લા એક વર્ષમાં હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ ૮.૮ ટકા ઘટ્યો હતો. અમેરિકમાં બિલ્ડિંગ પરમિટ ઑક્ટોબરમાં ૨.૪ ટકા ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૧૫.૨૬ લાખ પર પહોંચી હતી, જે માર્કેટની ૧૫.૧૨ લાખની ધારણા કરતાં થોડી વધી હતી. સિંગલ ફૅમિલી હાઉસિંગ પરમિટ ૩.૬ ટકા અને મલ્ટિ ફૅમિલી હાઉસિંગ પરમિટ ૧.૦ ટકા ઘટી હતી. 
ચીનનું ડાયરેક્ટ ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ જાન્યુઆરીથી ઑક્ટોબર દરમ્યાન ૧૪.૪ ટકા વધીને ૧.૦૯ ટ્રિલ્યન ડૉલરે પહોંચ્યું હતું, જે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમ્યાન ૧૫.૬ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૧૦ ટકા વધવાની હતી. ચીનમાં ડાયરેક્ટ ફૉરેન ઇન્વેસ્ટમેન્ટનો વધારો સતત ત્રીજે મહિને ઘટ્યો હતો. જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૧૫.૬ ટકા વધ્યું હતું, જ્યારે જાન્યુઆરીથી ઑગસ્ટ ૧૬.૪ ટકા વધ્યું હતું. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  
અમેરિકામાં ઇન્ફ્લેશનના વધારાને રોકવા માટે ફેડના અનેક મેમ્બર્સ દ્વારા આક્રમક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, કારણ કે બ્રિટનનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વધીને ૪૧ વર્ષની ઊંચાઈએ ૧૧.૧ ટકા અને યુરો એરિયાનું ઇન્ફ્લેશન ફરી એક વખત નવી ઊંચાઈએ ૧૦.૬ ટકાએ પહોંચ્યું હતું. વેસ્ટર્ન દેશોમાં ઠંડી વધી રહી હોવાથી નૅચરલ ગૅસના ભાવ સતત વધી રહ્યા છે અને રશિયા-યુક્રેન યુદ્ધ ચાલુ હોવાથી ફેડના મેમ્બરોને નવેમ્બરનું ઇન્ફ્લેશન વધીને આવવાનો ડર છે. સોનામાં હાલના સંજોગોમાં હવે લાંબી તેજી થવાની શક્યતા નથી.

business news