ક્રૂડ તેલમાં વધતી તેજી અને ચીનમાં કોરોનાના કેસ ઘટતાં સોનું ઘટ્યા મથાળેથી વધ્યું

18 May, 2022 01:33 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનમાં ૧ જૂનથી નૉર્મલ લાઇફ શરૂ થવાની ગવર્નમેન્ટની જાહેરાતથી સોનામાં ખરીદી વધી

ફાઇલ તસવીર

ક્રૂડ તેલના ભાવ સતત પાંચમા દિવસે વધતાં અને ચીનમાં કોરોનાની અસર ઘટતાં સોનામાં ઘટ્યા ભાવથી સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૮૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૨૬૦ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહ 
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૮૮ દિવસથી ચાલી રહેલું યુદ્ધ સતત લંબાતું જતું હોવાથી યુરોપિયન દેશો પર રશિયન એનર્જી પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવાનું દબાણ સતત વધી રહ્યું છે, જેને કારણે ક્રૂડ તેલમાં મંગળવારે સતત પાંચમા દિવસે તેજી જોવા મળી હતી. વળી ચીનમાં કોરોનાના કેસ ઘટવા લાગતાં ક્રૂડ તેલનો વપરાશ વધવાની શક્યતા વધી હતી. ક્રૂડ તેલના ભાવ વધતાં અમેરિકન ડૉલર પર દબાણ વધ્યું હતું અને ડૉલર ઘટ્યો હતો, એની સાથે અમેરિકન ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ પણ ઘટીને ત્રણ ટકાની નીચે ગયા હતા. ડૉલર અને યીલ્ડ ઘટતાં સોનું સુધરીને ૧૮૫૦ ડૉલરની રાહે આગળ વધ્યું હતું. સોનું સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
યુરો એરિયાનો ગ્રોથ રેટ ૨૦૨૨ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૦.૩ ટકા વધ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૨ ટકા રહ્યો હતો. યુરો એરિયાના ઇકૉનૉમિક ગ્રોથમાં મોટો ફાળો આપતાં જર્મનીનો ગ્રોથ રેટ ૦.૨ ટકા વધ્યો હતો જ્યારે સ્પેનનો ગ્રોથ પણ ૦.૩ ટકા વધ્યા હતો, પણ ફ્રાન્સ અને ઇટલીનો ગ્રોથ રેટ ૦.૨ ટકા ઘટ્યો હતો. યુરો એરિયાનો ગ્રોથ રેટ ૨૦૨૧ના ફોર્થ ક્વૉર્ટરમાં ૪.૭ ટકા હતો.
ભારતનું હોલસેલ ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૨૩ વર્ષની ઊંચાઈએ ૧૫.૦૮ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૧૪.૫૫ ટકા હતું અને માર્કેટની ધારણા ૧૪.૪૮ ટકા હતી. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાની અગાઉ યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં તમામ મેમ્બર્સે ઇન્ટરેસ્ટ રેટ વધારવા બાબતે સમર્થન આપ્યું છે. ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન
સતત વધી રહ્યું હોવાથી આગામી પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય આવી શકે છે. યુરો એરિયાના નબળા ગ્રોથ ડેટા અને ચાઇનીઝ સ્ટૉક માર્કેટની તેજીને પગલે સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ચીનમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. શાંઘાઈમાં છેલ્લા ત્રણ દિવસથી એક પણ કેસ નીકળ્યો નથી. શાંઘાઈમાં છેલ્લાં છ સપ્તાહથી કડક લૉકડાઉન લાદવામાં આવ્યં હતું. હવે નવા કેસ ત્રણ દિવસથી નીકળ્યા ન હોવાથી ગવર્નમેન્ટ ઑથોરિટીએ આગામી સોમવારથી ધીમે-ધીમે રીઓપન પ્રોસેસ ચાલુ કરવાની જાહેરાત કરી છે તેમ જ ૧ જૂનથી નૉર્મલ લાઇફ ચાલુ થાય એવા પ્રયત્ન ચાલુ કર્યા હોવાની જાહેરાત કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે સતત લંબાઈ રહેલા યુદ્ધ અને અમેરિકાના સતત વધી રહેલા દબાણથી યુરોપિયન દેશો રશિયન એનર્જી પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવા સતત પ્રયત્ન કરી રહ્યા હોવાથી ક્રૂડ તેલના ભાવ સતત પાંચમા દિવસે વધ્યા હતા. અમેરિકા સહિત વિશ્વની અનેક સેન્ટ્રલ બૅન્કો દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારાને પગલે સોનામાં ભારે વેચવાલી જોવા મળી હતી, પણ ક્રૂડ તેલના ભાવ સતત પાંચમા દિવસે વધતાં સોનામાં ઘટ્યા ભાવે નવેસરથી લેવાલી નીકળી હતી.
ક્રૂડ તેલના ભાવ વધતાં ઇન્ફ્લેશન વધવાનો ડર હજી ખતમ થયો નથી એવો અહેસાસ થતાં સોનામાં વધુ તેજી થવાના ચાન્સિસ બધાને દેખાવા લાગ્યા છે. સોનાનો ભાવ ઘટીને સોમવારે ૧૭૮૬.૬૦ ડૉલર થયો હતો. ઇન્ફ્લેશન વધવાની શક્યતા દેખાવા લાગતાં આ મથાળે સોનામાં મોટા પ્રમાણમાં લેવાલી નીકળી હતી અને ભાવ વધીને
ફરી ૧૮૫૦ ડૉલરના લેવલ તરફ આગળ વધ્યા હતા. ચીનમાં કોરોનાની અસર આગામી સમયમાં ઝડપથી ઘટશે અને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ હજી લંબાતું જશે તો સોનું ફરી તેજીની રાહે આગળ વધશે એવા સ્પષ્ટ સંકેત મળવાના શરૂ થયા છે.

business news