યુઆનમાં તેજી : ડૉલર અને રૂપિયામાં નરમાઈ

16 November, 2020 01:26 PM IST  |  Mumbai | Biren Vakil

યુઆનમાં તેજી : ડૉલર અને રૂપિયામાં નરમાઈ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં રાજકીય ઘમસાણ મચ્યું છે. રોમાંચક રસાકસીથી ભરપૂર ચૂંટણીમાં ડેમોક્રૅટ ઉમેદવાર જો બાઇડન ૫૦ લાખથી વધુ મતોથી જીત્યા છે. ઇલેકટોરલ મત મુજબ બાઇડને ૨૯૦ મતો મેળવ્યા છે, જે વિજય માટે પૂરતા છે. જોકે ટ્રમ્પે પોતાની હાર માનવાનો ઇનકાર કર્યો છે. ખુરશી છોડવાનું તો દૂર રહ્યું, પણ બીજી ટર્મ માટેના શપથ સમારોહની તૈયારી શરૂ કરી છે. જો આ વાત સાચી હોય તો વિજેતા અને પરાજિત બન્ને પોતપોતાની રીતે શપથ સમારોહની તૈયારી કરતા હોય તો એક રીતે આગામી દિવસો અરાજકતાના છે. ઘણા પંડિતો ડરતાં-ડરતાં કહે છે કે અમેરિકામાં નાગરિક યુદ્ધ જેવી સામાજિક પરિસ્થિતિ છે. આગામી ૧૪ ડિસેમ્બરે ઇલેકટોરલ કૉલેજ સત્તાવાર વિજેતા જાહેર કરશે. એ ઉપરાંત જ્યૉર્જિયામાં પાંચ જાન્યુઆરીએ બે સેનેટરની ચૂંટણી છે, એ સેનેટના કબજા માટે ગેમ-ચેન્જર બને એમ છે. નવા પ્રમુખે ૨૦ જાન્યુઆરીએ શપથ લેવાના હોય છે. ટ્રમ્પે અનેક કેસ દાખલ કર્યા છે. ડાબેરી અને જમણેરી બેઉ વિચારધારાની લડાઈ આત્યંતિક બની રહી છે. આ ઘમસાણનો સીધો ફાયદો ચીનને થયો છે. ચૂંટણી પરિણામો પછી ચીની યુઆનમાં જોરદાર તેજી થઈ છે. યુઆન ડૉલર સામે ૨૮ માસની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. ડૉલર ઇન્ડેક્સ ઘટતો-ઘટતો ૯૨.૫૦ થયો છે. રાજકીય રીતે લેમ-ડક સરકારમાં સ્ટિમ્યુલસ અને ઘણા ખરા સુધારા અટકી ગયા છે.
શૅરબજારોમાં તેજીનો વંટોળ છે. યુરોપ અને અમેરિકામાં કોરોના કેસનો સેકન્ડ વેવ વકર્યો છે. જોકે વૅક્સિનના આશાવાદને કારણે શૅરબજારો ઘટ્યાં નથી. ફાઇઝરની વૅક્સિનનાં પરિણામો ઘણાં સારાં છે. એસ્ટેરઝેનેકાની વૅક્સિન પણ કદાચ વરસના અંત પહેલાં આવી જાય. જો બે વૅક્સિન ઑથોરાઇઝ થઈ જાય તો કદાચ અમેરિકામાં સેકન્ડ લૉકડાઉન ટાળી શકાય. અત્યારે તો અમેરિકામાં રોજિંદા કેસ ૧.૭૦-૧.૮૦ લાખ જેવા થઈ ગયા છે. ડાઉ એક તબક્કે ૩૦૦૦૦ થઈ ગયો હતો. મુંબઈ સેન્સેક્સમાં પણ મુરત ટ્રેડિંગમાં નવા ઊંચા ભાવ જોવાયા હતા.
કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયામાં ધીમી નરમાઈ રહી છે. વપરાશી ફુગાવો યાને મોંઘવારી માઝા મૂકી રહી છે. વેપારજગતમાં રોકડની અછત નિવારવા સરકાર દ્વારા સ્ટિમ્યુલસ અપાવાને કારણે નાણાપુરવઠામાં વધારો થયો છે. એપ્રિલ-ઑગસ્ટમાં લૉકડાઉનને કારણે ઉત્પાદન ક્ષમતામાં હજી પીકઅપ નથી. વૈશ્વિક અનાજ અને તેલીબિયામાં આગઝરતી તેજી હોવાથી અને સ્થાનિક બજારમાં શાકભાજી, કઠોળ, ડુંગળી જેવી આવશ્યક વસ્તુના ભાવ આસમાને હોવાથી ગ્રાઉન્ડ લેવલે ફુગાવો ઘણો વધુ મહેસૂસ થઈ રહ્યો છે. સરકારી આંકડાઓની માયાજાળ આમ આદમીને સમજાય નહીં, આમ આદમીને માટે ફુગાવો એટલે માસિક ઘરખર્ચનું બજેટ. જો ગઈ દિવાળી કરતાં હાલની દિવાળીમાં ઍવરેજ ઘરખર્ચમાં જે વધારો થયો હોય એનું નામ ફુગાવો!
રૂપિયાની વાત કરીએ તો ૭૨.૬૦ના સ્તરેથી ઘટીને રૂપિયો ૭૪.૮૮ થઈ ૭૪.૬૦ બંધ રહ્યો છે. અમેરિકી રાજકારણની અચોક્કસતા, વૅક્સિનની આશા અને કોરોના વધતાં સેકન્ડ લૉકડાઉનની ભીતિ, લિક્વિડિટીની છાકમછોળથી ઍસેટ બજારોમાં તેજી, આમ અનેક વિરોધાભાસી પરિબળો વચ્ચે જમીની અર્થતંત્ર અને પેપર ઇકૉનૉમી યાને બજાર અર્થતંત્ર વચ્ચે ડિસકનેક્ટ છે. વપરાશી માગમાં ઘટાડો છે, પણ શૅરબજારમાં તેજી છે. રૂપિયાનાં ફંડામેન્ટલ્સ નબળાં છે. ૩૧ ડિસેમ્બર પછી બજેટ નજીક આવતું દેખાશે, એ સમયે સરકારે રાજકોષિય ખાધ અને ફુગાવો એમ બેવડા પડકારો સામે લડવાનું છે. વપરાશી માગનો વધારો ધીમો છે. જાન્યુ-માર્ચ ક્વૉર્ટર માટે રૂપિયો ૭૭-૭૮ થાય તો નવાઈ નહીં.
યુરોપમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. કોરોના કેસ વધતા જાય છે. આર્થિક મંદી રોકવા બૅન્કોએ મોટા પાયે બૉન્ડ બાઇંગ કરવા પડશે. બાઇડન અર્થતંત્ર સાથે વેપારી સંબંધો સુધારવા યુરોપ આતુર છે. જો યુરોપની સાથે અમેરિકામાં પણ લૉકડાઉન આવે તો શૅરબજાર અને કરન્સી બજારો તેમ જ કૉમોડિટી બજારોમાં ફરી એક વાર મોટો ઝટકો આવી શકે છે. અમેરિકાના શૅરબજારનું માર્કેટ કૅપ જીડીપીના ૧૦૨ ટકા એટલે કે ૨૦૦૭ પછી ઊંચામાં ઊંચું છે અને બફેટ ઇન્ડિકેટર મુજબ આ બબલ ટૉપની નિશાની છે.

business news