રશિયામાં વ્યાજદર વધતાં રૂબલમાં તેજી : બીટકૉઇન ૬૭૦૦૦

25 October, 2021 04:25 PM IST  |  Mumbai | Biren Vakil

રૂપિયામાં વૉલેટિલિટી વધી : વિશ્વભરમાં ફુગાવો ચિંતાનું કારણ : યેનમાં કડાકો

પ્રતીકાત્મક તસવીર

ફુગાવો હવે વૈશ્વિક ધોરણે મોટી ચિંતા બની ચૂકયો છે. કોરોનાકાળમાં રોજગારી બચાવવા અને શૅરબજારોમાં સંપ‌ત્ત‌િનું ધોવાણ રોકવા અમેરિકામાં ફેડે બેસુમાર લિક્વિડિટી ઠાલવતાં અને સુખી દેશોમાં ઝડપી વૅક્સિનેશન પછી કોરોના કાબૂમાં આવતાં વપરાશકારો, ઉદ્યોગોની વપરાશી માગમાં ઉછાળો આવતાં મોંઘવારીએ માઝા મૂકી છે. ન્યુટનનો નિયમ કહે છે કે દરેક ક્રિયાની સાથે પ્રતિક્રિયા હોય છે. અમેરિકા જ્યારે વ્યાજદર ઘટાડે અને વધુપડતી લિક્વિડિટી રિલીઝ કરી પોતાનાં બજારોને ટેકો કરે ત્યારે પ્રતિક્રિયા રૂપે ચીપ મની બહારની જાય. અમેરિકા પોતાના બજારોને મજબૂત કરે ત્યારે દુનિયામાં ફુગાવાની નિકાસ કરે છે. કોલસો, ગૅસ, મેટલ્સ સહિત કાચા માલોના ભાવમાં તોતિંગ વધારો, વીજકટોકટીથી ફિનિશ ગુડ્ઝનાં ઉત્પાદનમાં કાપ જેવાં કારણોસર ફુગાવો બેકાબૂ બન્યો છે. ચીનમાં ફુગાવો ૨૫ વરસની ઊંચી સપાટી ૧૦.૫ ટકા થઈ ગયો છે. રશિયામાં ફુગાવો ૭.૭૮ ટકા છે. રશિયાએ ફુગાવા સામે બહુ વહેલા યુદ્ધ શરૂ કરી દીધું છે. રશિયાની રાજનીતિ કેવી છે એ આપણો વિષય નથી, પણ એની આર્થિક નીતિ બેસ્ટ છે. રૂબલની તેજી એનો જવલંત પુરાવો છે. રશિયાએ વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઇન્ટનો છઠ્ઠો વધારો કર્યો છે. બ્રાઝિલમાં ફુગાવો બેકાબૂ થતાં વ્યાજદર વધારાઈ રહ્યા છે, પણ રાજકોષીય પરિસ્થિતિ કથળતાં રિયાલ સતત તૂટતો જાય છે. ટર્કીમાં લીરા ઑલટાઇમ લો થઈ ગયો છે. આર્જેન્ટિનામાં ડૉલરના કાળાબજાર થતાં પેસો સામે એક ડૉલર ૨૦૧ પર પહોંચ્યો છે.

વૈશ્વિક પરિપેક્ષ્યમાં જોઈએ તો અમેરિકામાં ૧૦ વરસના બૉન્ડ યિલ્ડ ૧.૬૦-૧.૭૦ના લેવલે બૉટમ આઉટ થઈ ગયા છે. જાન્યુઆરી-જૂન ૨૦૨૨માં યિલ્ડ ૨.૦-૨.૫૦ થઈ શકે છે. જો ઝડપી ટેપરિંગ, અપેક્ષા કરતાં વહેલો વ્યાજદર વધારો આવે તો યિલ્ડ ૨.૭૫ પણ થઈ શકે. મોટાં હેજ ફંડોને હવે બિગ ટેકમાં વૅલ્યુએશન મોંઘા લાગી રહ્યા છે. ફાંગ (ઍપલ, ઍમેઝૉન, ગૂગલ, નેટફલિક્સ) શૅરોમાં હેજ ફંડોનું એકસપોઝર બે વરસની નીચી સપાટીએ છે. લાંબા સમય સુધી બજારમાં ગ્રોથનો બદબદો રહ્યો, પણ હવે વૅલ્યુ કમબૅક કરી રહી હોવાનું મને લાગે છે.

રૂપિયાની વાત કરીએ તો ડૉલર ઇન્ડેક્સની ધીમી પણ સંગીન તેજી અને કોલસો-ક્રૂડ જેવા કાચા માલોની તેજીથી આયાતબિલ વધતાં રૂપિયાની માગ વધી છે. શૅરબજારમાં તેજી હોય ત્યાં સુધી તો ડૉલર આવશે, માગ-પુરવઠો સચવાશે, પણ જો કોઈ અગમ્ય કારણસર કૅપિટલ ઇન્ફલો તૂટે કે આઉટફલો થાય તો રૂપિયો તૂટી શકે. ફ્રેજાઇલ ફાઇવ તરીકે ઓળખાતી પાંચ કરન્સીમાં રૂપિયો, બ્રાઝિલ રિઅલ, આફ્રિકી રેન્ડ, ટર્કી લીરા અને ઇન્ડો રૂપિયા પૈકી રિયાલ અને લીરામાં ઘણા તૂટ્યા છે. રેન્ડ પણ કમજોર થયો છે. રૂપિયો વીતેલા સપ્તાહમાં ૭૪.૬૬-૭૫.૧૫ વચ્ચે રહ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૧માં ૭૨.૧૭નું બૉટમ બન્યા પછી ડૉલર ધીમે-ધીમે ૭૫ સુધી આવ્યો છે. આગામી ૩ નવેમ્બરે ફેડની બેઠકમાં ટેપરિંગ રોડમેપ અંગે કોઈ નક્કર સંકેતો મળશે. ફેડ ચૅરમૅન પોવેલ લગાતાર કહી રહ્યા છે કે ફુગાવો કામચલાઉ છે, પણ જમીની હકીકતો ઘણી જુદી છે. લિક્વિડિટી ઓવરહેંગને કારણે ઇનકલુઝિવ ગ્રોથને બદલે ઍસેટ બબલનું ટ્યુમર સિસ્ટેમિક રિસ્ક દેખાઈ રહ્યું છે. ફેડ જો ફાસ્ટ ટેપરિંગ કરે તો ઇમર્જિંગ કરન્સીમાં દબાણ આવશે. વૈશ્વિક વ્યાજદરોમાં પણ નેક્સ્ટ લેગ કદાચ ઝડપી બૅક ટુ બૅક વધારાનો છે. ભારતીય વ્યાજદરો ક્રિટિકલી લો અને રિયલ ઇન્ફલેશન ક્રિટિકલી હાઈ છે. પંડિતો સ્ટેગફલેશન રિસ્કની ચર્ચા કરતા થઈ ગયા છે. રૂપિયાની રેન્જ ૭૪.૪૦-૭૫.૫૫ ગણાય. ડૉલેક્સની રેન્જ ૯૨.૮૦-૯૪.૨૦ છે. મુખ્ય કરન્સીમાં જપાની યેનમાં કડાકો હતો. રાજકીય અસ્થિરતા અને ચીનમાં ફરી કોરોના દેખાતાં યેનમાં નરમાઈ હતી. યેન ૧૧૪ થઈ ગયો હતો. પાઉન્ડ અને યુરો ટકેલા હતા. ડિજિટલ કરન્સીમાં બીટકૉઇને ૬૭૫૦૦ની  સર્વોચ્ચ સપાટી હાંસલ કરી છેલ્લે ૬૦૦૦૦ હતો. બીટકૉઇન ઈટીએફ લૉન્ચ થતાની સાથે જ રોકાણકારોનો ધસારો થતાં માર્કેટ કૅપ ૧ અબજ ડૉલરને પાર થઈ ગયું છે. યુથને ડિજિટલ કરન્સીમાં રિસ્ક અને રિટર્ન બન્ને ઊઠચા હોવાથી રસ વધતો જાય છે. વૉલટિલિટી-બેન્ડવીથ-સ્પિડ અને અલ્ગોના કવોન્ટ મૉડલના ટેકી ટ્રેડરો માટે ક્રિપ્ટો હૉટ ઍસેટ ક્લાસ છે.

business news