અંબાણીની તબિયત ખરાબ હોવાના સમાચાર મળતા RILનો શેર એક કલાકમાં 6% તૂટ્યો

02 November, 2020 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અંબાણીની તબિયત ખરાબ હોવાના સમાચાર મળતા RILનો શેર એક કલાકમાં 6% તૂટ્યો

મુકેશ અંબાણી (ફાઈલ તસવીર)

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના શેરમાં આજે 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ કારણે એક કલાકમાં જ માર્કેટ કેપિટલાઈઝેશન 70,000 કરોડ રૂપિયા ઘટી ગઈ. કંપનીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ની તબિયત ખરાબ હોવાના સમાચારના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ મામલામાં RILએ કોઈપણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. આ પહેલાં આ વર્ષે જુલાઈમાં જ એક દિવસમાં શેર 6.2 ટકા તૂટ્યો હતો. એ સમયે એ 1978થી ઘટીને 1798 રૂપિયા પર આવી ગયો હતો.

છેલ્લા પખવાડિયાથી સોશ્યલ મીડિયા પર એવા સમાચાર વાયરલ થયા છે કે, મુકેશ અંબાણીની તબિયત ખરાબ છે. લંડનમાં ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેમનું વજન 30 કિલો ઘટી ગયું છે. સોશ્યલ મીડિયા પર એવી પણ ચર્ચા છે કે, આ જ કારણથી અંબાણી પરિવાર IPLમાં જોવા નથી મળી રહ્યો. જોકે ગત સપ્તાહમાં જાણીતા વકીલ હરીશ સાલ્વેના લગ્નમાં મુકેશ અંબાણીએ વેબિનાર દ્વારા હાજરી નોંધાવી હતી.

કેટલાક બ્રોકરેજ હાઉસનું માનવું છે કે આ સામાચર અત્યારસુધીમાં બહાર આવ્યા નથી અને જ્યાં સુધીમાં આ અંગે સંપૂર્ણ માહિતી ન આવે ત્યાં સુધી એ કહેવું ખોટું છે. જોકે શેર પર એની અસર આજે સવારે જોવા મળી છે. કેટલાક બ્રોકરેજ હાઉસ કહે છે કે ફ્યુચર રિટેલની ડીલ અને શનિવારે કંપનીનાં ખરાબ રિઝલ્ટને કારણે શેર પર દબાણ છે. કેટલાક બ્રોકરેજ હાઉસ કહે છે કે રિઝલ્ટ એટલું ખરાબ નથી કે શેર 6 ટકા તૂટી જાય. એની પાછળ બીજાં કારણો છે.

સોમવારે સવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 6 ટકા ઘટીને 1940 રૂપિયા સુધી પહોંચ્યો હતો. એ છેલ્લા 4 મહિનાનું સૌથી નીચેનું સ્તર છે. આ કારણે આજે એક કલાકમાં એમકેપ 70 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ. જ્યારે 23 ઓક્ટોબરથી લઈને આજસુધીમાં કંપનીની માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે.

business news reliance mukesh ambani