કઠોળના રીટેલ ભાવ ચાલુ નાણાકીય વર્ષમાં હવે સ્ટેબલ રહેશે : ઇન્ડિયા રેટિંગ

27 November, 2021 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કઠોળનો રીટેલ ફુગાવાનો દર ૯.૯ ટકા હતો, જે વધીને વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૬.૪ ટકાની સપાટી પર પહોંચી ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના સંકટ સમયે કઠોળના ભાવ ઊંચકાયા બાદ હવે ભાવ નીચા છે ત્યારે આગામી ચાર-પાંચ મહિના દરમ્યાન પણ કઠોળના ભાવ સરેરાશ સ્ટેબલ રહે તેવી સંભાવના અગ્રણી રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગે પોતાના રીસર્ચના આધારે આગાહી કરી હતી. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે દેશમાં કઠોળની માગ અને પુરવઠાની અસમતુલાને કારણે કઠોળના ભાવમાં તેજી આવી હતી, પરંતુ હવે પુરવઠો પૂરતો છે.
દેશમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કઠોળનો રીટેલ ફુગાવાનો દર ૯.૯ ટકા હતો, જે વધીને વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૬.૪ ટકાની સપાટી પર પહોંચી ગયો હતો. કોરોના સંકટ-લૉકડાઉન દરમ્યાન લોકોએ કઠોળનો વપરાશ પણ રોગપ્રતિકારક શક્તિ વધારાના હેતુસર વધાર્યો હતો, જેને પગલે પણ માગ વધી હતી. વળી આ સમયગાળામાં હોલસેલ કઠોળનો ફુગાવાનો દર ૧૫.૯ ટકાથી ઘટીને ૧૧.૬ ટકા રહ્યો હતો. દેશમાં રીટેલ ફુગાવાનો દર ડબલ ડિજિટમાં જળવાઈ રહ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે કઠોળમાં ઊંચા ભાવને રોકવા માટે કેન્દ્ર સરકારે કડક પગલાં લીધાં હતાં અને કઠોળની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવાની સાથે સ્ટૉક-લિમિટ પણ લાદવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે કઠોળ પરની આયાત ડ્યુટી ફ્રીની મુદત પણ ૩૧ ડિસેમ્બર સુધી લંબાવી છે. આ બધાં કારણોને પગલે કઠોળના ભાવ સ્થિર છે અને એપ્રિલ મહિના સુધી પણ સ્થિર રહેવાની સંભાવના છે.

business news