મોંઘવારી આસમાને : એપ્રિલમાં રીટેલ ઇન્ફ્લેશનનો દર આઠ વર્ષની ટોચે

13 May, 2022 02:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાદ્ય ચીજોના ભાવ વધતાં મોંઘવારીનો દર ૭.૭૯ ટકાએ પહોંચ્યો

પ્રતીકાત્મક તસવીર

મોંઘવારી સતત ઊંચી સપાટીએ આગેકૂચ કરી રહી છે. દેશમાં રીટેલ ફુગાવો વાર્ષિક ધોરણે એપ્રિલમાં ૭.૭૯ ટકાની આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, મુખ્યત્વે ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવને કારણે આ દર વધ્યો છે. મોંઘવારીનો દર રિઝર્વ બૅન્કના અંદાજ કરતાં સતત ચોથા મહિને ઊંચો રહ્યો છે.

કન્ઝ્‍યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવો આ વર્ષે માર્ચમાં ૬.૯૫ ટકા અને એપ્રિલ ૨૦૨૧માં ૪.૨૩ ટકા નોંધાયો હતો.

ખાદ્ય ચીજોનો ફુગાવો એપ્રિલમાં વધીને ૮.૩૮ ટકા થયો હતો, જે અગાઉના મહિનામાં ૭.૬૮ ટકા અને એક વર્ષ અગાઉના મહિનામાં ૧.૯૬ ટકા હતો.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને કેન્દ્ર સરકારે એવો આદેશ આપ્યો છે કે ફુગાવાનો દર બે ટકાની વધ-ઘટ સાથે ચાર ટકાના દરે જળવાઈ રહે એ જરૂરી છે. જોકે જાન્યુઆરી ૨૦૨૨થી રીટેલ ફુગાવાનો દર ૬ ટકાની ઉપર જ રહ્યો છે. પરિણામે આગામી દિવસોમાં વ્યાજદર ફરી વધે એવી પૂરી સંભાવના છે.

ગયા અઠવાડિયે આરબીઆઇની ઑફ-સાઇકલ મૉનેટરી પૉલિસી કમિટી (એમપીસી) મીટિંગ પછી આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે વર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે અભૂતપૂર્વ વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવની પ્રતિકૂળ અસર સ્થાનિક બજારમાં પણ પ્રતિબિંબિત થઈ રહી છે અને આગળ ઉપર મોંઘવારી દરમાં વધારો થવાનો ચાલુ રહેશે.

ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ માર્ચમાં ૧.૯ ટકા વધ્યો

દેશમાં માર્ચ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનના દરમાં ૧.૯ ટકાનો વધારો નોંધાયો છે. નૅશનલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા ઇન્ડેક્સ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઇઆઇપી)ના ડેટા મુજબ મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન માર્ચ ૨૦૨૨માં ૦.૯ ટકા વધ્યું હતું. માઇનિંગનું ચાર ટકા, વીજ ઉત્પાદન ૬.૧ ટકા વધ્યું છે. માર્ચ ૨૦૨૧માં ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ રેટ ૨૪.૨ ટકા વધ્યો હતો. વીતેલા સમગ્ર નાણાકીય વર્ષનો ગ્રોથરેટ ૧૧.૩ ટકા નોંધાયો છે, જે અગાઉના વર્ષ દરમ્યાન ૮.૪ ટકા રહ્યો હતો.

રિઝર્વ બૅન્ક જૂનમાં વ્યાજદર અને મોંઘવારીનો લક્ષ્યાંક વધારશે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા જૂન મહિનામાં મળનાર મૉનિટરી પૉલિસી કમિટીની બેઠકમાં મોંઘવારી દરના લક્ષ્યાંકમાં વધારો કરી શકે છે અને મુખ્ય વ્યાજદર રેપો રેટના દરમાં પણ વધારો કરે એવી સંભાવના છે. હાલમાં મોંઘવારી દર એના લક્ષ્યાંકથી ઉપર હોવાથી મધ્યસ્થ બૅન્ક આવું પગલું લઈ શકે છે. બૅન્કની બેઠક ૬થી ૮ જૂન મળશે. ગયા મહિને બેઠકમાં મોંઘવારીનો દર ૪.૫ ટકાથી વધારીને ૫.૭ ટકાનો રહેવાનો અંદાજ મૂક્યો હતો.

business news