13 October, 2026 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં રીટેલ ફુગાવો ૫.૫૪ ટકા નોંધાયો હતો. ઑગસ્ટના ૪.૮૩ ટકાની સરખામણીમાં આ સતત છઠ્ઠો માસિક વધારો છે. નવા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) સિરીઝમાં પ્રથમ વખત ફુગાવાએ પાંચ ટકાની સપાટી વટાવી હતી. ૧૨ ઑક્ટોબરે જાહેર થયેલા આંકડા મુજબ આ ઉછાળો મુખ્યત્વે ખાદ્ય ચીજોના ભાવમાં થયેલા તીવ્ર વધારાને કારણે છે. આ આંકડો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ૪ ટકાના લક્ષ્યાંકથી ઘણો ઉપર છે, પરંતુ ૨-૬ ટકાની મર્યાદામાં છે.
કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) દ્વારા માપવામાં આવતો ખાદ્ય ફુગાવો ઑગસ્ટના ૫.૯૭ ટકાથી વધીને સપ્ટેમ્બરમાં ૭.૭૪ ટકા થયો હતો જેમાં ખાસ કરીને ડુંગળીના ભાવમાં સૌથી વધુ ૧૦૮.૦૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત લસણ અને લીંબુના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જોકે બટાટા અને ટમેટાંના ભાવમાં ૮થી ૧૧ ટકા જેટલો ઘટાડો થતાં થોડી રાહત મળી હતી.
શહેરોની સરખામણીમાં ગ્રામીણ ભારતમાં ફુગાવાની અસર વધુ તીવ્ર જોવા મળી હતી જ્યાં ગ્રામીણ ફુગાવો ૬.૦૮ ટકા થયો હતો. અન્ય રાજ્યોમાં તામિલનાડુ ૬.૮૧ ટકા સાથે સૌથી વધુ ફુગાવો ધરાવતું રાજ્ય બન્યું હતું. ડિસેમ્બરમાં મળનારી રિઝર્વ બૅન્કની આગામી બેઠકમાં આ વિશે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાય એવી શક્યતા છે.