૨૦૧૮-’૧૯માં બૅન્ક ફ્રૉડનો આંકડો ૭૧,૫૪૩ કરોડ પર પહોંચ્યોઃ રિઝર્વ બૅન્ક

30 August, 2019 12:16 PM IST  |  મુંબઈ

૨૦૧૮-’૧૯માં બૅન્ક ફ્રૉડનો આંકડો ૭૧,૫૪૩ કરોડ પર પહોંચ્યોઃ રિઝર્વ બૅન્ક

રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા

રિઝર્વ બૅન્કના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યા પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૧૮-’૧૯ના વર્ષમાં બૅન્કો સાથે છેતરપિંડીનું પ્રમાણ ૧૫ ટકા અને એ ફ્રૉડ્સમાં સંડોવાયેલી રકમનું પ્રમાણ ૭૩.૮ ટકા વધ્યું હતું. અહેવાલમાં જણાવવામાં આવ્યા પ્રમાણે બૅન્કિંગ સેક્ટરમાં ૬૮૦૧ ફ્રૉડ્સ નોંધાયાં હતાં અને એમાં સંડોવાયેલી રકમનો આંકડો ૭૧,૫૪૨.૯૩ કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૮માં ૫૯૧૬ બૅન્કિંગ ફ્રૉડ્સમાં સંડોવાયેલી રકમનો આંકડો ૪૧,૧૬૭.૦૪ કરોડ રૂપિયા હતો.
અહેવાલમાં જણાવવામાં આવ્યા મુજબ ૨૦૧૮-’૧૯ના વર્ષ દરમ્યાન મોટા ભાગનાં ફ્રૉડ્સ ધિરાણોમાં સૌથી વધારે હિસ્સો ધરાવતી સાર્વજનિક ક્ષેત્રની બૅન્કોમાં નોંધાયાં હતાં અને ત્યાર પછી પ્રાઇવેટ સેક્ટરની તથા વિદેશી બૅન્કોમાં ફ્રૉડ્સનું પ્રમાણ નોંધાયું છે. સાર્વજનિક ક્ષેત્રની બૅન્કોમાં છેતરપિંડીના ૩૭૬૬ કેસમાં ૬૪,૫૦૯.૪૩ કરોડ રૂપિયાની રકમ સંડોવાયેલી હતી અને પ્રાઇવેટ સેક્ટરની બૅન્કોમાં ૨૮૮૫ કેસિસમાં ૩૮,૨૬૦ કરોડ રૂપિયાની રકમ સંડોવાયેલી હતી.
અહેવાલમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ફ્રૉડ્સ થવા અને પકડાવા વચ્ચે સરેરાશ બાવીસ મહિનાનો ગાળો રહ્યો છે. બૅન્કો સાથે છેતરપિંડીનાં મોટાં કૌભાંડો (૧૦૦ કરોડ રૂપિયાથી વધારે)માં ૫૨,૦૦૦ કરોડ રૂપિયાની રકમ સંડોવાયેલી હતી અને એ કૌભાંડો થવા અને પકડાવા વચ્ચે પંચાવન મહિનાનો ગાળો રહ્યો હતો.

reserve bank of india