રિસેશન સામે સરકારી ઇકૉનૉમિક રિફોર્મ્સ બાદ રિઝર્વ બૅન્કની રાહત

25 May, 2020 09:47 AM IST  |  Mumbai | Jayesh Chitalia

રિસેશન સામે સરકારી ઇકૉનૉમિક રિફોર્મ્સ બાદ રિઝર્વ બૅન્કની રાહત

રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા

કોરોના સામેની લડતની સાથે-સાથે મોદી સરકારે આર્થિક મહામંદી સામે પણ જોરપૂર્વક લડાઈ શરૂ કરી દીધી છે. જેના એક પછી એક પૅકેજ બાદ ગયા શુક્રવારે રિઝર્વ બૅન્કે પણ એક વધુ રાહત પૅકેજ જાહેર કરી આર્થિક ગતિવિધિને વેગ આપવાનો નક્કર પ્રયાસ કર્યો છે. જો કે બજારે રિઝર્વ બૅન્કનાં પગલાં કરતાં તેના નકારાત્મક સંકેત પર વધુ ધ્યાન આપ્યું, પરિણામે માર્કેટ ઘટયું. જો કે આ પગલાંથી આગામી સમયમાં સારી અસર જોવા મળી શકે.

સામાન્ય રીતે વ્યાજદર ઘટે કે બજાર ઊછળે એવો સિલસિલો રહેતો હોય છે, કિંતુ આ વખતે રિઝર્વ બૅન્કે  વધુ એક વાર વ્યાજદરમાં કાપ મૂકવા ઉપરાંત ધિરાણમાં નોંધપાત્ર છૂટછાટ આપ્યા પછી પણ બજાર મહદ્ અંશે નિરુત્સાહ રહ્યું હતું, કારણ કે રિઝર્વ બૅન્કે  ઉદારતા દાખવ્યા બાદ પણ જીડીપી  વૃદ્ધિદર નેગેટિવ રહેવાની ધારણાએ ઘોર નિરાશા ફેલાવી હતી. ઇન શોર્ટ, બજારમાં પ્રવાહિતા વધી છે, પણ સેન્ટિમેન્ટના નામે ઉદાસીનતા વધુ છે, કેમ કે ભાવિ અનિશ્ચિતતા તરફ વધુ જઈ રહ્યું છે. અર્થાત ભાવિમાં પડકાર વધવાના એંધાણ છે.

પાંચ પૅકેજનું બજારમાં પંકચર

મોદી સરકારના પાંચ દિવસના રાહત પૅકેજને જાણે બજારે ગણતરીમાં જ ન લીધું હોય એમ સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીએ નિરાશા બતાવી હતી. પ્રજામાં તો એક પ્રકારનો અસંતોષ રહ્યો છે, કિંતુ વેપાર-ઉદ્યોગ વર્ગમાં પણ હાલપૂરતી કોઈ મોટી ઉમ્મીદ આ પૅકેજથી જાગી નથી. તેથી જ બજારે સપ્તાહના પ્રથમ દિવસે જ ઉદાસીનતા સાથે કડાકો દર્શાવ્યો હતો. સતત ઘટતા રહેલાં બજારમાં અંતમાં સેન્સેક્સ ૧૦૬૮ પૉઇન્ટ તૂટવા સાથે ૩૧૦૦૦ની નીચે ઊતરી ૩૦૦૨૮ બંધ રહ્યો હતો અને નિફ્ટી ૩૧૩ પૉઇન્ટના જબ્બર ઘટાડા સાથે ૯૦૦૦ની નીચે ઊતરી ૮૮૨૩ બંધ રહ્યો હતો. આમાં યુએસ ઇકૉનૉમીના નબળા સંકેતોને લીધે પણ અસર થઈ હતી. વિદેશી રોકાણકારો સતત વેચવાલ રહ્યા હોવાથી પણ ભારતીય માર્કેટ તૂટ્યાં હતાં. એક જ દિવસમાં રોકાણકારોની સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાની મૂડીનું ધોવાણ થયું હતું.

થોડું-થોડું પૉઝિટિવ

મંગળવારે બજારે સવારથી જ પૉઝિટિવ ટર્ન લીધો હતો, જેમાં મુખ્ય કારણ યુએસમાં કોરોનાની વેક્સિનના પ્રયોગમાં સફળતા મળી હોવાના સંકેત અને તેના સકારાત્મક સેન્ટિમેન્ટ જવાબદાર હતાં. પરિણામે છેલ્લા ત્રણ દિવસથી સતત વેચનારા નીચા ભાવે ખરીદી માટે સક્રિય બન્યા હતા. સવારે બજારે ખૂલતાની સાથે જ ૫૦૦ પૉઇન્ટની રિકવરી નોંધાવી હતી. જો કે ધીમેધીમે આ રિકવરી કરેકશનમાં પરિવર્તિત થતી ગઈ, વિદેશી રોકાણકારોનો વેચવાલી અને કંઈક અંશે બજારમાં પ્રોફિટ બુકિંગને પગલે  સેન્સેક્સ અંતમાં માત્ર ૧૬૭ પૉઇન્ટ પ્લસ અને નિફ્ટી ૫૫ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. બુધવારે બજારની ગતિ પુનઃ પૉઝિટિવ રહી હતી. સેન્સેક્સ ૬૨૨ પૉઇન્ટ વધીને અને નિફ્ટી ૧૮૭ પૉઇન્ટ પ્લસ થઈને બંધ રહેતા નિફ્ટી ફરી ૯૦૦૦ ઉપર બંધ આવ્યો હતો. જો કે સેન્સેક્સ હજી ૩૧૦૦૦ની નીચે જ રહ્યો હતો. નાણાપ્રધાને વધુ એક પૅકેજ  આવવાના સંકેત આપતા બજારનું સેન્ટિમેન્ટ થોડું સુધર્યું હતું. સ્થાનિક ફંડસની ઊંચી લેવાલી રહી હતી. ગુરુવારે સાધારણ વધઘટ સાથે બજાર એકંદરે પૉઝિટિવ રહ્યું હતું, સેન્સેક્સ ૩૧૦૦૦ની ઉપર જઈ પાછો ફર્યો હતો અને ૧૧૪ પૉઇન્ટના વધારા સાથે ૩૦૯૩૨ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૪૦ પૉઇન્ટ વધીને ૯૧૦૬ બંધ રહ્યો હતો.

હવે રિઝર્વ બૅન્કનું રાહત પૅકેજ

શુક્રવારે રિઝર્વ બૅન્કે બજાર ખૂલ્યા પછીની અમુક મિનિટમાં જ બિગ પૅકેજની જાહેરાત કરી હતી. આ પૅકેજ નોંધપાત્ર પૉઝિટિવ હતું તેમ છતાં બજારે તેમાંથી પૉઝિટિવ પગલાંની ઉપેક્ષા કરી અને નેગેટિવ મુદ્દાને પકડી ઘટાડો નોંધાવ્યો હતો. પૅકેજની જાહેરાત બાદ માર્કેટ ૪૦૦ પૉઇન્ટ નીચે ઊતરી ગયું હતું. જો કે એ પછી રિકવરી થતાં અંતમાં સેન્સેક્સ ૨૬૦ પૉઇન્ટ માઈનસ થઈ  ૩૦૬૭૨ બંધ રહ્યો અને નિફ્ટી ૬૭ પૉઇન્ટ માઈનસ સાથે ૯૦૩૯ બંધ રહ્યો હતો. રિઝર્વ બૅન્કે નવાં પગલાં મારફત  ઇકૉનૉમિને વેગ મળે એવા કદમ ભર્યા હતા.  રેપો રેટમાં ૪૦ બેસિસ પૉઇન્ટ અને રિવર્સ રેપો રેટમાં પણ કાપ મૂકવા ઉપરાંત આયાત-નિકાસમાં સહાયરૂપ થાય એવા પગલાં ભરાયાં હતાં. લોનની પરત ચુકવણી માટે વધુ ત્રણ મહિનાનો સમય આપી દીધો. ફાઇનૅન્શિયલ માર્કેટને ટેકો મળી રહે તેવી જોગવાઈ કરી. તેમ છતાં બજારનો પ્રતિભાવ નિરાશાજનક જ રહ્યો હતો. જે માટે જીડીપીની અવદશા કારણ બની હતી. આ ઉપરાંત રિઝર્વ બૅન્કે લોન માટે કોઈ રિસ્ટ્રકચરિંગ પ્લાન નહીં આપતા વેપાર-ઉદ્યોગમાં નિરાશા હતી.

રિઝર્વ બૅન્કની સજાગતા-ખાતરી

કોવિડ-૧૯ની ગંભીર અસર રૂપે રિઝર્વ બૅન્કે આ પૅકેજની જાહેરાતમાં કહ્યું કે ફુગાવો સતત અનિશ્ચિતતા દર્શાવશે. રિઝર્વ બૅન્કે વિદેશ વેપારની, ઉત્પાદન અને આર્થિક પ્રવૃત્તિની દશા પણ ચિંતા સાથે વર્ણવી હતી. ખાનગી વપરાશને મોટો ફટકો પડ્યો હોવાનું જણાવતા ગવર્નરે બુરામાં બૂરી દશા વચ્ચે રિઝર્વ બૅન્કે રાહત આપવાનો નોંધનીય પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતું. જો કે તેને કેટલી સફળતા મળે છે એ જોવાનું રહેશે. અલબત્ત, રિઝર્વ બૅન્કે એક નવી ઉમ્મીદ જગાવી છે. કોવિડ-૧૯ની અસર પામનારા બિઝનેસને લોનની ચુકવણીમાં સમયની રાહત આપી છે.

વિદેશી રોકાણકારોનો વેચવાલીનો અભિગમ

માર્ચ ક્વૉર્ટરમાં ફોરેન ઇન્વેસ્ટરોએ ૬.૭ અબજ ડૉલરનું નેટ વેચાણ કર્યું હતું,  કોવિડ-૧૯ના કારણે આ રોકાણકારો નેટ સૅલર બન્યા હતા. એપ્રિલમાં પણ ફોરેન ઇન્વેસ્ટરો નેટ વેચવાલ જ હતા. એપ્રિલમાં એકંદરે માર્કેટ ૧૪ ટકા સૂધર્યું હોવા છતાં ફોરેન ઇન્વેસ્ટરોએ ૨૪ સેક્ટરના ૫૨૦૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના શૅર વેચ્યા હતા. જેનું એક કારણ એક્સચેન્જ રેટમાં રૂપિયાની ડૉલર સામેની નબળાઈ હતી. માર્ચની તુલનાએ એપ્રિલ મહિનો સુધારાતરફી હતો, જેમાં રોકાણકારોની મૂડીમાં ૧૬ લાખ કરોડ રૂપિયા જેટલી વૃદ્ધિ થઈ હતી, જેનું માર્ચમાં ૩૩ લાખ કરોડ રૂપિયા જેટલું ધોવાણ થયું હતું. 

લડાઈ મોટી અને લાંબી છે

અલબત્ત, સરકારના આર્થિક સુધારા એકંદરે ઘણા સારા કહી શકાય એવા છે, કિંતુ આ સારા સુધારાથી વર્તમાન સમસ્યાનો ઉપાય થતો નથી, આ સુધારાના અમલમાં અને તેના પરિણામમાં લાંબો સમય લાગશે, કમ સે કમ એકથી બે વરસ તો પાક્કા સમજી લેવા પડે. આવામાં માર્કેટ સેન્ટિમેન્ટ કયાંથી સુધરી શકે. હાલ તો કોઈ સીધી સહાય નહીં હોવાથી ડિમાંડ જનરેટ થવાની શક્યતા નહિવત છે. સરકાર તરફથી કોઈ નક્કર ખર્ચયોજના પણ નથી. આ સંજોગોમાં મંદી વધુ આકરી બનવા સિવાય કોઈ અણસાર દેખાતા નથી. વરસ ૨૦૨૦-૨૧ તો સૌથી ખરાબ વરસ રહેશે એવું  માનવામાં આવે છે. અલબત્ત, મોદી સરકારે હાથ ધરેલા માળખાંકીય સુધારા (સ્ટ્રકચરલ રિફૉર્મ્સ)ને નિષ્ણાતોએ આવકાર્યા છે તેની અસર પણ સારી થશે, કિંતુ હાલને તબક્કે આનો લાભ ઇકૉનૉમિને થશે નહીં. વાસ્તવમાં સરકારે કોરોના સામે જેમ શારીરિક ઇમ્યુનિટી મજબૂત કરવી પડે તેમ આર્થિક મંદીનો સામનો કરવા માટે લોકોની ઇકૉનૉમિક ઇમ્યુનિટી મજબૂત બનાવવાનાં પગલાં લેવા જોઈએ. રિઝર્વ બૅન્કે એક પહેલ કરી છે. મોદી સરકાર હજી વધુ પૅકેજ લઈને આવી શકે છે,  લડાઈ મોટી, આકરી અને લાંબી છે. રોકાણકારોએ આ સત્યને ધ્યાનમાં રાખીને પોતાના રોકાણ પ્લાન કરવામાં ડહાપણ રહેશે.

reserve bank of india business news jayesh chitalia