રિઝર્વ બૅન્કની પૉલિસી : વ્યાજદરમાં ઘટાડો નહીં, પણ લોન રિસ્ટ્રક્ચર થશે

07 August, 2020 09:34 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

રિઝર્વ બૅન્કની પૉલિસી : વ્યાજદરમાં ઘટાડો નહીં, પણ લોન રિસ્ટ્રક્ચર થશે

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા

આજથી ૩૧ ડિસેમ્બર સુધીમાં નાણાસંસ્થાને આ રિસ્ટ્રક્ચર કરવાની છૂટ આપવામાં આવી છે અને એનો અમલ ૧૮૦ દિવસમાં ફરજિયાત કરવાનો રહેશે. જે લોન રિસ્ટ્રક્ચર થાય એમાં બૅન્કોએ વધારાના ૧૦ ટકાની જોગવાઈ કરવાની રહેશે. આ ઉપરાંત આઇસીઆઇસીઆઇ બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન કે. વી. કામથના અધ્યક્ષપદ હેઠળ એક કમિટીની રચના કરીને રિસ્ટ્રક્ચરના પ્લાન વિશે માર્ગદર્શિકા ઘડી કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પર્સનલ લોન માટે રિસ્ટ્રક્ચર કરવાની જોગવાઈઓ વિશે પણ અલગથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.
કોરોના મહામારીને કારણે દેશનો આર્થિક વિકાસ અટકી ગયો છે અને જીડીપી વૃદ્ધિ નેગેટિવ રહેશે એવું મે મહિનામાં જણાવી દીધા પછી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આજે ધિરાણનીતિની સમીક્ષા વખતે વ્યાજના દરમાં કોઈ ઘટાડો કર્યો નથી. આની સાથે રેપો રેટ ૪ ટકા અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા જ રહેશે. જોકે રિઝર્વ બૅન્કે વ્યાજદરમાં ઘટાડો કર્યા વગર પરોક્ષ પગલાં લઈ નાણાકીય સિસ્ટમમાં રાહત લાવવાનો ચોક્કસ પ્રયત્ન કર્યો છે.
જોકે આજે સૌથી મોટી જાહેરત લોન રિસ્ટ્રક્ચરની છે. કોરોના મહામારીને કારણે બિઝનેસ, વ્યક્તિઓ અને કૉર્પોરેટ ક્ષેત્રની કામગીરીને મોટો ધક્કો લાગ્યો છે અને બૅન્કની લોનની શરતો, વ્યાજના દર અન અન્ય રાહતો માટેના પૅકેજની માગણી કરવામાં આવી હતી જેથી આ બિઝનેસ ટકી રહે અને માત્ર નાણાંની ભીડને કારણે અટકી પડે કે બંધ થાય નહીં. આજે થયેલી જાહેરાત અનુસાર રિસ્ટ્રક્ચરનો લાભ ૨૦૨૦ની ૧ માર્ચે જે પર્સનલ લોન સિવાયની લોનનાં ખાતાં સ્ટાન્ડર્ડ હોય, એમાં ડિફૉલ્ટર હોય નહીં તેમને જ આ લાભ મળશે.
વ્યાજદર કેમ ઘટ્યા નહીં?
દેશનો આર્થિક વિકાસદર કોરોના મહામારી ત્રાટકી એ પહેલાં જ ઘટી રહ્યો હતો અને પછી લૉકડાઉન અને વૈશ્વિક અસરો વચ્ચે એ વધારે ઘટશે એવા અંદાજ વચ્ચે વ્યાજદર ઘટવો જોઈએ, ધિરાણ સસ્તું થાય તો માગ વધે એવી આશા હતી, પણ દેશમાં વધી રહેલા ફુગાવાને કારણે અને ફુગાવો હજી પણ ઊંચો રહે એવા આંકલન સાથે વ્યાજદરમાં ઘટાડો કરવાનું મુલતવી રાખ્યું છે.
માર્ચ ૨૦૨૦માં ગ્રાહક ભાવાંક એટલે કે ગ્રાહકોને જે અસર કરે છે એ ફુગાવો ૫.૮ ટકા હતો જે જૂનમાં વધીને ૬.૧ ટકા ઘટી ગયો છે. ખાદ્ય ચીજોમાં ફુગાવો ઊંચો રહે એવી શક્યતા છે. કોરોનાને કારણે બજારમાં પુરવઠો અનિયમિત છે. કઠોળના ભાવ પણ ઊંચા છે. આ ઉપરાંત ક્રૂડ ઑઇલના ઘટેલા ભાવ સામે પેટ્રોલ અને ડીઝલમાં ટૅક્સ વધારવામાં આવ્યો છે અને એને કારણે રીટેલ ભાવ ઊંચા છે. આ બધી ચીજો ધ્યાનમાં લેતાં દેશમાં ફુગાવો સપ્ટેમ્બર સુધી ઊંચો રહે એવી શક્યતા લાગી રહી છે.
કોરોનાની મહામારીમાં લોન રિસ્ટ્રક્ચર થશે
૨૦૨૦ની ૧ માર્ચના દિવસે જે પર્સનલ લોન સિવાયની લોનનાં ખાતાં સ્ટાન્ડર્ડ હોય એમાં ડિફૉલ્ટ હોય નહીં, પણ કોરોના મહામારીને કારણે તેમની નાણાકીય સ્થિતિ બગડી હોય, બિઝનેસ કરવો હવે અશક્ય બન્યો હોય તેમને માટે લોન રિસ્ટ્રક્ચરની યોજના રિઝર્વ બૅન્કે જાહેર કરી છે. આજથી ૩૧ ડિસેમ્બર સુધીમાં નાણાસંસ્થાને આ રિસ્ટ્રક્ચર કરવાની છૂટ આપવામાં આવી છે અને એનો અમલ ૧૮૦ દિવસમાં ફરજિયાત કરવાનો રહેશે. જે લોન રિસ્ટ્રક્ચર થાય એમાં બૅન્કોએ વધારાના ૧૦ ટકાની જોગવાઈ કરવાની રહેશે.
સોના સામે ૯૦ ટકા સુધીની લોન
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આજે સોના સામે લોન લેવા માટે ગ્રાહકોને વધુ એક આકર્ષણ ઊભું કર્યું છે. અત્યારસુધી સોનું ગીરવી મૂકીને લોન લેવા માટે સોનાના મૂલ્યના ૭૫ ટકા સુધીની જ લોન મળતી હતી, હવેથી લોન ટુ વૅલ્યુ રેશિયો વધારી દેવામાં આવતાં ૯૦ ટકા સુધીની લોન મળશે. કોરોના વાઇરસને કારણે કુટુંબો, નાના સાહસિકો અને ધંધાર્થીઓ પર અસર પડી છે. આ અસર જોતાં સોના સામે લોન આપવા માટે હવે ધિરાણ કરતી બૅન્કો કે નાણાકીય કંપનીને સોનાના મૂલ્યના ૯૦ ટકા સુધીની લોન આપવાની છૂટ આપવામાં આવશે એવી જાહેરાત ગવર્નર દાસે કરી હતી.

business news reserve bank of india