રિઝર્વ બૅન્કે રેપો રેટ ૪ ટકાના સ્તરે યથાવત્ રાખવાનો નિર્ણય લીધો

08 April, 2021 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જરૂર પડ્યે વ્યાજદરમાં ઘટાડો કરવાનો વિકલ્પ ખુલ્લો રખાયો

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્કે ધિરાણનો નીતિવિષયક દર ૪ ટકાના સ્તરે યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે અર્થતંત્રની જરૂરિયાત પૂરી કરવા માટે જરૂર પડ્યે આ દરમાં ઘટાડો કરાવાનો વિકલ્પ ખુલ્લો રાખનારું વલણ અપનાવવામાં આવ્યું છે. આ સાથે જ કેન્દ્રીય બૅન્કે કોરોના-૧૯ રોગચાળાના બીજા મોજા બાબતે અને ખાદ્યાન્નના વધી રહેલા ભાવ બાબતે ચિંતા વ્યક્ત કરી છે.

રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી કમિટી (એમપીસી)એ લીધેલા નિર્ણયોની જાહેરાત કરતાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે અર્થતંત્રનો વૃદ્ધિદર ટકાવી રાખવા માટે અને અર્થતંત્ર પર કોરોનાને કારણે થયેલી અસર ઘટાડવા માટે લવચીક વલણ અપનાવવામાં આવ્યું છે.

બૅન્કોએ રિઝર્વ બૅન્ક પાસે રાખેલાં નાણાં પર મળતું વ્યાજ એટલે કે રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા રાખવાનું નક્કી થયું છે.

વર્તમાન નાણાકીય વર્ષની એમપીસીની પહેલી બેઠક બાદ દાસે જણાવ્યું હતું કે નવા નાણાકીય વર્ષના પૂર્વાર્ધમાં ફુગાવો વધીને ૫.૨ ટકા રહેવાની ધારણા છે. ગયા જાન્યુઆરીથી માર્ચમાં ૫ ટકાનો ફુગાવો અપેક્ષિત છે. નવા વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ફુગાવાનો દર ઘટીને ૪.૪ ટકા રહેશે એવું પણ અનુમાન રાખવામાં આવ્યું છે.

કેન્દ્રીય બૅન્કે સતત પાંચમી વાર ધિરાણનો વ્યાજદર યથાવત્ રાખવાનું નક્કી કર્યું છે. ગવર્નરે જણાવ્યું હતું કે અર્થતંત્રમાં પૂરતા પ્રમાણમાં નાણાંની પ્રવાહિતા ટકાવી રાખવા માટે રિઝર્વ બૅન્ક પ્રતિબદ્ધ છે. નાણાકીય બજારનાં તમામ સેગમેન્ટ તથા અર્થતંત્રનાં તમામ ઉત્પાદક ક્ષેત્રોની જરૂરિયાતો પૂરી કર્યા બાદ પણ નાણાં ઉપલબ્ધ રહે એટલી પ્રવાહિતા રાખવાનું ધોરણ કેન્દ્રીય બૅન્કે અપનાવ્યું છે.

દાસે જણાવ્યા મુજબ વર્તમાન નાણાકીય વર્ષમાં અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓને ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની પ્રવાહિતા પૂરી પાડવામાં આવશે. નાબાર્ડને ૨૫,૦૦૦ કરોડ, નૅશનલ હાઉસિંગ બૅન્કને ૧૦,૦૦૦ કરોડ અને સિડબીને ૧૫,૦૦૦ કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવશે.

 

મૉનિટરી પૉલિસી કમિટીની મી​ટિંગ: મહત્ત્વપૂર્ણ જાહેરાતો

- રિઝર્વ બૅન્કે સતત પાંચમી વખત રેપો રેટ યથાવત્ રાખ્યો. હાલ ૪ ટકાનો દર છે

- વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિદર ૧૦.૫ ટકા રહેવાનો અંદાજ

- કેન્દ્રીય બૅન્ક વૃદ્ધિને પોષક ઠરે અને ફુગાવાને નિયંત્રિત રાખે એ માટે વ્યાજદરમાં ઘટાડો કરવા તૈયાર

- હાલમાં કોરોનાનો ફેલાવો રોકવા પર વિશેષ લક્ષ

- ગયા જાન્યુઆરી-માર્ચનો રીટેલ ફુગાવાનો દર પાંચ ટકા રહેવાની ધારણા. જૂન અને સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં રીટેલ ફુગાવો વધીને ૫.૨ ટકા થઈ શકે છે

- દેશમાં સર્વત્ર પૂરતી નાણાકીય પ્રવાહિતા ટકાવી રાખવામાં આવશે

 

જીડીપીનો વૃદ્ધિદર નવા નાણાકીય વર્ષમાં ૧૦.૫ ટકા રહેશે: રિઝર્વ બૅન્ક

ભારતની વર્તમાન નાણાકીય વર્ષની કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)નો વૃદ્ધિદર ૧૦.૫ ટકા રહેવાની ધારણા રિઝર્વ બૅન્કે અકબંધ રાખી છે સાથે-સાથે કેન્દ્રીય બૅન્કે ચેતવણી પણ આપી છે કે કોરોનાના દરદીઓની સંખ્યામાં હાલમાં થયેલા વધારાને કારણે આર્થિક વૃદ્ધિ બાબતે અનિશ્ચિતતા સર્જાઈ છે. રિઝર્વ બૅન્કે આની પહેલાંની મૉનિટરી પૉલિસી કમિટી (એમપીસી)ની બેઠક બાદ નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ના જીડીપીના વૃદ્ધિદરનો ૧૦.૫ ટકાનો અંદાજ આપ્યો હતો.  એમપીસીની બેઠક બાદ રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કેટલાંક રાજ્યોમાં કોરોનાને પગલે નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવાથી અનિશ્ચિતતા સર્જાઈ છે. જોકે, મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓને આશા છે કે માગમાં વૃદ્ધિ થશે. કોરોનાના દરદીઓની સંખ્યા વધવાને લીધે ગ્રાહકોનો વિશ્વાસ ઘટ્યો હોવાની નોંધ પણ ગવર્નરે લીધી હતી.

અર્થતંત્ર સામેનાં પરિબળો

અન્ય જોખમી પરિબળો વિશે તેમણે કહ્યું હતું કે ગયા ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે કૉમોડિટીના ભાવ વધી રહ્યા છે અને વૈશ્વિક નાણાકીય બજારમાં વૉલેટિલિટી વધી છે. એને લીધે આર્થિક વૃદ્ધિ ઘટવાનું જોખમ છે. સકારાત્મક પરિબળો બાબતે તેમણે કહ્યું હતું કે રસીકરણની ઝડપ વધારવામાં આવી રહી છે અને વધુ ને વધુ નાગરિકોને એમાં આવરી લેવાની શરૂઆત કરાઈ છે. ગ્રાહકોની માગ ધીરે-ધીરે વધી રહી છે અને સરકાર રોકાણને તથા વિકાસને પ્રોત્સાહન આપનારાં પગલાં ભરી રહી છે. કોરોનાના વધતા પ્રમાણને નાથવા માટે દેશ વધુ સારી રીતે સજ્જ છે.

business news