નવા વર્ષમાં આ સાત વાત યાદ રાખજો

04 January, 2021 12:39 PM IST  |  Mumbai | Jayesh Chitalia

નવા વર્ષમાં આ સાત વાત યાદ રાખજો

પ્રતીકાત્મક તસવીર

શૅરબજારનું વીતેલું વર્ષ અદ્ભુત રહ્યું કહી શકાય. અર્થતંત્રની અવદશા વચ્ચે માત્ર એક વર્ષથી પણ ઓછા સમયમાં બજાર આટલું બધું (૨૧,૦૦૦ પૉઇન્ટ જેટલું) વધ્યું હોવાની આ પહેલી ઘટના છે. ૨૦૨૧નો પ્રથમ દિવસ તેજીના ટોન સાથે શરૂ થયો, પરંતુ ૨૦૨૦ના અનુભવને આધારે નવા વર્ષ ૨૦૨૧માં શું બની શકે અને રોકાણકારોએ શું યાદ રાખવું એ સમજી લેવામાં સાર

૨૦૨૦નું વર્ષ શૅરબજાર માટે કેવું રહ્યું એ ચર્ચાની જરૂર રહી નથી એટલું સ્પષ્ટ છે, પણ હવે ૨૦૨૧માં શું થશે એ સવાલ મહત્ત્વનો છે. રોકાણકાર વર્ગ અને ટ્રેડર વર્ગ આ વિશે ખાસ વિચારે છે. સેન્ટિમેન્ટ તો બુલિશ છે, આર્થિક રિકવરીની આશા ઊંચી છે. વિદેશી રોકાણના પ્રવાહની ધારણા પણ આશાસ્પદ છે. સરકાર તરફથી આર્થિક સુધારાનાં પગલાંનું જોર વધે એવી શક્યતા નક્કર બની છે. એથી ઇન્વેસ્ટરોને શંકા કરતાં આશા વધુ છે. જોકે શૅરબજારની ચાલની આગાહી થઈ શકે નહીં, માત્ર ધારણા બાંધી શકાય, જે સાચી પડે યા ખોટી પણ પડે. જેથી નવા વર્ષના આરંભે આ વખતે આપણે શૅરબજારમાં સોદા-રોકાણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કાયમી સાત સાદી વાતને સમજી લઈએ. આ નવા વર્ષે જો ઇન્વેસ્ટર તરીકે નવા સંકલ્પ લેવાના હો તો આ વીતેલા વર્ષની સાત વાત સમજી લેશો. 

સ્ટૉક માર્કેટના સ્પેશ્યલ સેવન

પહેલી વાત: સદીમાં એક વાર આવે એવી કારમી-નકારાત્મક ઘટનામાં પણ સંયમ પાળીને રોકાણને જાળવી રાખીએ, એનું યોગ્ય આયોજન કરીએ, પેનિકમાં ન આવી જઈએ તો એક જ વર્ષની અંદર બજાર આપણને નવાં-વધુ સારાં પરિણામ આપી શકે છે. અલબત્ત, આ માટે આપણું ફાઇનૅન્શિયલ પ્લાનિંગ બરાબર હોવું અનિવાર્ય ગણાય.

બીજી વાત: આ આર્થિક આયોજન એટલે આપણી મૂળભૂત જરૂરિયાતનું આયોજન, જેમ કે આપણે કટોકટીના સંજોગો માટે ઇમર્જન્સી ફંડ જાળવી–જમા રાખ્યું હોય, મિનિમમ છ મહિના માટે. આ સાથે આપણે મેડિકલેમ પૉલિસી યોગ્ય રકમની જાળવી રાખી હોય, આપણી નોકરી જાય કે નોકરીમાં પગારકાપ આવે તો બીજાં વૈકલ્પિક કામ કરી શકીએ એવી આર્ટ આપણામાં વિકસાવી રાખી હોય. આપણે લાઇફસ્ટાઇલને કરકસર અને બચતલક્ષી બનાવી રાખવા ઉપરાંત ખોટા ખર્ચ અને જવાબદારીમાંથી મુક્ત રાખી હોય. આવા સમયમાં હાઉસવાઇફ પણ એવાં ઘણાં કામ કરી શકે યા વિકસાવી શકે જે બૂરા સમયને કંઈક અંશે હળવા બનાવી શકે. આ સમય (બૂરો સમય) પણ નીકળી જશે એવું મનોબળ જાળવી રાખવાની ક્ષમતા પણ કેળવવી પડે.

ત્રીજી વાત: માર્ચમાં કોરોનાની અસરનો આરંભ થતાં બજાર કેવું તૂટી ગયું હતું અને કેવા સ્તરે નીચે ગયું હતું એ બધાને યાદ હશે, જેમને યાદ ન હોય તો આ જોઈ લો. સેન્સેક્સ અને નિફ્ટી એ સમયે અનુક્રમે ૨૫,૯૦૦ અને ૭૬૦૦ આસપાસ હતા, જે ૩૧ ડિસેમ્બરના અંતે ૪૭,૭૦૦ અને ૧૩,૯૦૦ આસપાસ પહોંચી ગયા હતા. આમ માત્ર નવ જ મહિનામાં કેટલો વધારો થયો એ આંખ સામે છે. માર્ચના સમયમાં જ્યારે બધા ગભરાટમાં હતા ત્યારે જેમણે ખરીદવાની હિંમત કરીને સારા સ્ટૉક્સ જમા કરવાનું શરૂ કર્યું તેમને પૂછો કે આ માત્ર આઠ-નવ મહિનામાં જ (એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં) કેટલી મૂડીવૃદ્ધિ મેળવી લીધી હતી. જેઓ પાંચ વર્ષે માંડ કમાય એટલી કમાણી માત્ર આઠેક મહિનામાં કરી લીધી હતી.    

ચોથી વાત: શૅરબજારમાં સાચો શૅર સિલેક્ટ કરવો પડે છે, લાંબો સમય આપવો પડે છે, વૈવિધ્યકરણ રાખવું પડે છે. એકસાથે રોકાણ કરવાને બદલે ધીમે-ધીમે ઘટતી બજારમાં સ્ટૉક્સ જમા કરતા રહેવું પડે છે. સટ્ટા કરતાં રોકાણનો માર્ગ બહેતર બને છે. સટ્ટો કરવામાં ખોટું નથી, પરંતુ એ જોખમ લેવાની ક્ષમતા હોય તો જ કરાય. ગ્લોબલ ઘટનાઓ પર નજર રાખવી પડે, પરંતુ લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટરોએ એનાથી પેનિકમાં આવી જવાનું ટાળવું જોઈએ. વધઘટ અથવા ઊથલપાથલ કે પછી વૉલેટિલિટી એ બજારની પ્રકૃતિ-સ્વભાવ છે, એનાથી ગભરાઈ કે અંજાઈ જવાને બદલે એનો લાભ લેતા શીખવું પડે છે. 

પાંચમી વાત: શૅરબજાર હોય કે જીવન નથિંગ ઇઝ પરમેનન્ટ (કાયમ કંઈ રહેતું નથી). લગભગ દર પાંચ વર્ષે એક જોરદાર તેજી આવે છે અથવા એક મંદી આવે છે. તમારી બજારમાં એન્ટ્રી અને એક્ઝિટ ક્યારે થવી બહેતર એ તમારે સમજીને નક્કી કરવું પડે. આ માટે સમય-સંજોગ અને શૅરબજારના ટ્રેન્ડનો અભ્યાસ પણ કરવો પડે અથવા યોગ્ય સલાહ મેળવવી જોઈએ. બાકી ટિપ્સ કલ્ચરથી દૂર રહેવાનો વિવેક પણ જાળવવો પડે.

છઠ્ઠી વાત: શૅરબજાર માફક ન આવતું હોય, સમજાતું ન હોય, જોખમ લેવાની તૈયારી કે ઇચ્છા ન હોય તો આ માર્કેટનો લાભ લેવાનો બીજો માર્ગ છે મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ પાસે અઢળક વરાઇટી છે, વિકલ્પો-સાધનો છે, જે નાનાથી માંડી હાઈ નેટવર્થ ઇન્વેસ્ટરોને પણ વિભિન્ન તક આપે છે. યોગ્ય સલાહકાર મારફત આ માર્ગે પણ સંપત્તિ સર્જન થઈ શકે છે.

સાતમી વાત: સંજોગો બદલાતા રહેશે, બચત અને રોકાણની ભાષા શીખવી જ પડશે. આગામી સમય વધુ પડકારવાળો પણ હોઈ શકે. જગત આખું સમસ્યા-પડકારોથી સભર છે. જે સક્ષમ અને સ્માર્ટ બની શકશે તે ટકી શકશે અને વિકસી શકશે.

નવા વર્ષે ઉપરની સાત વાતોને ફરી વાર યાદ કરવા જેવી અને અનુસરવા જેવી પણ છે. આ વર્ષે તાજેતરમાં જ બિગબુલ હર્ષદ મહેતાના જીવન અંગેની વેબ-સિરીઝે ઘણા પાઠ શીખવ્યા છે. અતિરેક કોઈનો પણ ચાલતો નથી. બજારમાં પ્રૉફિટ બુક કરવાનો સંતોષ પણ રાખવો જોઈએ. 

સેન્સેક્સના ૫૦૦૦ પૉઇન્ટના કુદકા

શૅરબજારની ૨૦૨૦ની તેજી વિશેના અભ્યાસમાં જાણવા મળેલી એક રસપ્રદ બાબત એ છે કે સેન્સેક્સના દરેક ૫૦૦૦ પૉઇન્ટના વધારામાં કયારે–કયારે કેટલા દિવસ લાગ્યા. આ અભ્યાસ ૨૩ માર્ચથી નોંધાયો છે. સેન્સેક્સ ૨૬,૦૦૦થી ૩૧,૦૦૦ થતા માત્ર ૧૧ દિવસ લાગ્યા. ૩૧,૦૦૦થી ૩૬,૦૦૦ થતા એને ૫૭ દિવસ લાગ્યા. ૩૬,૦૦૦થી ૪૧,૦૦૦ થતા ૮૮ દિવસ લાગ્યા અને ૪૧,૦૦૦થી ૪૬,૦૦૦ થતા માત્ર ૨૩ દિવસ લાગ્યા હતા. હવે ૨૦૨૧માં ૫૦,૦૦૦ થતા કેટલો સમય લાગશે એની પ્રતિક્ષા બજાર કરશે. આ ગોલ્ડન ફિગર કેટલા સમયમાં આવશે અને આવતાં પહેલાં કેવી વૉલેટિલિટી બતાવશે એ તો આગામી સમય જ કહી શકશે. આ માટેની ઉમ્મીદ તો ઊંચી છે.

સેન્સેક્સનો ૨૦,૦૦૦ પૉઇન્ટનો વધારો

એક વર્ષમાં સેન્સેક્સમાં ૫૫૦૦ પૉઇન્ટનો વધારો થયો ગણાય. જોકે કોરોના-લૉકડાઉનના શરૂઆતના દિવસોમાં સેન્સેક્સ ઘટીને નીચામાં ૨૫,૯૦૦ સુધી ગયો હતો, એ તુલનાએ  જોઈએ તો આ ડિસેમ્બરમાં એ ૪૭,૦૦૦ ઉપર ટકીને ૨૦,૦૦૦ પૉઇન્ટ વધ્યો ગણાય. નવા વર્ષમાં સેન્સેક્સ ૫૦,૦૦૦ને પાર કરશે એવી આગાહી તો કયારની થઈ ચૂકી છે. એક વર્ષથી પણ ઓછા સમયમાં ૨૦,૦૦૦ પૉઇન્ટનો વધારો થયો હોવાની શૅરબજારની આ પહેલી જ ઘટના છે.

વર્ષનો આરંભ શુભ મંગલ

વીતેલા સપ્તાહમાં બજાર મહદ અંશે તેજીમય રહ્યું હતું. ગયા સોમવારથી શુક્રવાર સુધી સતત તેજીમય રહેવા માટે માર્કેટ પાસે પૉઝિટિવ પરિબળો હતાં. બેન્ચમાર્ક ઇન્ડેક્સે સતત નવી ઊંચાઈ હાંસલ કરી હતી. વિદેશી રોકાણકારોએ અઢળક નેટ ખરીદી કરી હતી. ૨૦૨૧માં આર્થિક રિકવરી વેગ પકડશે, વિદેશી રોકાણપ્રવાહ આવતો રહેશે, કૉર્પોરેટ અર્નિંગ્સ પણ વધશે એવી આશા સાથે નવા વર્ષમાં તેજીનો ટ્રેન્ડ ચાલશે એવું માનવામાં આવે છે, જેમાં નવાઈ પામવા જેવું નથી, પરંતુ આ સાથે બે વાત નોંધવી જોઈશે, એક કે આ વર્ષે વધઘટનું પ્રમાણ વધુ રહેશે અને ૨૦૨૦માં જેટલું બજાર વધ્યું એટલું આ વર્ષે વધશે નહીં.

આટલું સમજી રાખો

૨૦૨૧માં માર્કેટ વૉલેટાઇલ રહેશે, ૨૦૨૦ જેવી તેજીની સ્પીડ ૨૦૨૧માં નહીં હોય. બજાર વધુ પડતું વધી ગયું છે, જેથી હવે લાંબા ગાળાનું રોકાણ જ વર્તમાન ભાવે થઈ શકે, બાકી દરેક મોટા ઘટાડામાં થોડી ખરીદી અને દરેક મોટા ઉછાળામાં થોડું પ્રૉફિટ બુકિંગ કરવાની સમજણ સાથે ચાલવામાં શાણપણ છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

business news jayesh chitalia