ઇમર્જિંગ કરન્સીમાં રિલીફ રૅલી : ડૉલરમાં પચાવાતો ઉછાળો

21 November, 2022 05:06 PM IST  |  Mumbai | Biren Vakil

રૂપિયામાં સાંકડી વધ-ઘટ : શૅરબજારોમાં મૂડ અપબીટ, ફેડની આગામી બેઠક પર નજર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કરન્સી બજારોમાં વૉલેટિલિટી ઓસરી છે. ચીનમાં કોરાનાના કેસ વધ્યા છે, અમેરિકામાં હાઉસિંગ ડેટા નબળો આવ્યો છે, પણ એકંદરે બજારોનો મૂડ સાવચેતીભર્યો આશાવાદ બતાવે છે. મોટી બૅન્કો અને હેજફન્ડો હવે ચીની શૅરબજારમાં તેજીમાં આવી ગયાં છે. પ્રાગમેટિઝમ ઇઝ બૅક ઇન ચાઇનાની થીમને અનુસરી રહ્યાં છે. બાલી ખાતેની G20 બેઠકમાં અમેરિકી પ્રમુખ જો બાઇડન અને ચીની પ્રમુખ શી જિનપિંગ વચ્ચે વન-ટૂ-વન બેઠક પછી બેઉ પક્ષે થોડી સકારાત્મકતા દેખાઈ છે. સંઘર્ષ ટાળવાની વાત પર જોર આવી રહ્યું છે. મિડ-ટર્મ ચૂંટણીમાં બાઇડનનો દેખાવ સારો રહેતાં તેમ જ યુક્રેન યુદ્ધમાં રશિયાનો કંગાળ દેખાવ જોતાં ચીનના વલણમાં થોડું પરિવર્તન આવ્યું છે. ફેબ્રુઆરીમાં ચીને રશિયા સાથેની દોસ્તીને લિમિટલેસ દોસ્તી કહી હતી, પણ હવે ચીન રશિયાથી અંતર રાખવા સાથે યુક્રેન પીસ ડિલમાં ચીન સકારાત્મક ભૂમિકા માટે તૈયાર હોવાના સંકેત આપે છે. બેઉ દેશો વચ્ચે ક્લાઇમેટ વાર્તા પણ ફરી શરૂ થઈ છે.

કરન્સી બજારોની વાત કરીએ તો અમેરિકામાં ફુગાવો ઘટવાના સંકેત, હાઉસિંગ સેલ્સમાં ઘટાડાના સંકેત, પણ રીટેલ સેલ્સ હજી મજબૂત છે. ફેડના કેટલાક અધિકારીઓ હજુ પણ મોટા વ્યાજદર વધારા ચાલુ રહેવાના સંકેત આપે છે. વ્યાજદર વધારાની સાઇકલ પીક નજીક દેખાય છે. ડૉલરમાં નોંધપાત્ર કરેક્શન આવ્યું છે. ડૉલેક્સ ૧૧૪.૫૫થી ઘટીને ૧૦૪.૯૦ થઈને હાલ ૧૦૬-૧૦૬.૫૦ છે. નાતાલ નજીક આવતાં હેજ-ફન્ડો હવે બજારોમાં પોઝિશન ઘટાડી પ્રૉફિટ-ટેકિંગના મૂડમાં આવ્યાં છે. ડિસેમ્બરની ફેડની બેઠકમાં વ્યાજદર પોણો ટકો વધે છે કે અડધો ટકો વધે છે એના પર આગળની ચાલ નક્કી થશે. અમેરિકામાં સેકન્ડહૅન્ડ કાર પ્રાઇસ, ઘરોના વેચાણમાં મોટો ઘટાડો આવ્યો છે. શૅરબજારોમાં નીચા ભાવની મંદી હાલપૂરતી અટકી છે, પણ આગળ રોજગારી, રીટેલ-સેલ્સ અને ફુગાવાના આંકડા પર બજારની નજર રહેશે.

એશિયામાં ચીનમાં કોરોનાના કેસ વધ્યા છે. ચીન કોરાનાના  અનલૉકડાઉન મામલે ખૂબ સાવચેતી સાથે આગળ વધે છે. માસ ટેસ્ટિંગમાં છૂટછાટો, વૅ​ક્સિનેશન પર ભાર અને કૉન્ટૅક્ટ્સ ટ્રેસિંગમાં થોડી ઢીલ આવી છે. ચીની શૅરબજારોમાં પસંદગીના શૅરોમાં મોટી બૅન્કો વર્સ્ટ ઇઝ ઓવર સમજીને બાય મોડમાં આવી છે. યુઆન ૭.૩૨થી સુધરીને ૭.૧૧ થયો છે. એશિયામાં યેન, યુઆન, કોરિયા વૉલ વગેરેમાં તાજેતરનો ઉછાળો પચાવાય છે. મૂડ એકંદરે અપબીટ છે. ઉત્તર કોરિયા લગાતાર મિસાઇલ-પરીક્ષણ કરીને તનાવ વધારી રહ્યું છે. ચીને અણુસબમરિનોમાં લાંબી રેન્જનાં મિસાઇલ ગોઠવી દીધાં છે. જપાન અને ઑસ્ટ્રેલિયા પણ પોતપોતાની રીતે સંરક્ષણક્ષમતા વધારી રહ્યાં છે. પૅસિફિક મહાસાગરમાં એપેક ફોરમની બેઠકમાં હાલ પૂરતો તો મૂડ સંઘર્ષ ટાળવાનો છે, પણ સાથોસાથ સંઘર્ષ આવે તો તૈયાર રહેવું આવાં સમાધાનો વચ્ચે કરન્સી બજારોમાં મૂડ મિશ્ર છે.

 સ્થાનિક બજારમાં રૂપિયો ગયા વીકમાં ઊછળીને ૮૦.૪૫ થયા પછી ફરી થોડો નબળો પડીને ૮૧.૬૭ બંધ રહ્યો છે. ફુગાવાના આંકડા થોડા રાહત આપનારા છે. ફૉરેક્સ રિઝર્વમાં પણ વધારો થયો છે. શૅરબજારમાં તેજી છે અને એફઆઇઆઇની લેવાલી પણ વધી છે. હાલ શૅરબજારમાં મૂડ અપબીટ છે. રૂપિયામાં ટે​ક્નિકલી બજાર સાઇડ-વે દેખાય છે. રૂપિયામાં ૭૦.૫૦થી ૮૩.૩૦ સુધીની એકધારી મંદી પછી હવે બજારમાં કરેક્શન આવ્યું છે. ટૂંકા ગાળા માટે સપોર્ટ ડૉલરરૂપીમાં સપોર્ટ ૮૧.૩૦-૮૦.૮૦ અને રેઝિસ્ટન્સ ૮૧.૯૦-૮૨.૨૦-૮૨.૫૦ છે. હાલપૂરતું ડૉલરમાં ૮૨.૮૦-૮૩ના મથાળે વચગાળાનું ટૉપ બની ગયું છે. મલેશિયામાં ચૂંટણીનાં પરિણામો મિશ્ર સરકાર બને એવાં છે. મધ્ય-પૂર્વમાં ઈરાનમાં હિજાબ-વિરોધી દેખાવો જનસૈલાબ જેવા બની ગયા છે.

મુખ્ય કરન્સીમાં યુરો અને પાઉન્ડમાં નીચા ભાવની મંદી પૂરી થઈ છે. બજારમાં રિલીફ-રૅલી આવી છે. યુકેમાં બજેટ આવ્યા પછી પાઉન્ડ ડૉલર સામે મામૂલી સુધર્યો છે. યેનમાં પણ રિલીફ-રૅલી આવી છે. ઇમર્જિન્ગ યુરોપિયન કરન્સીમાં પણ નીચા ભાવની મંદી અટકી છે.

લેટિન અમેરિકામાં બ્રાઝિલની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ લુલા ડીસિલ્વા પાંખી બહુમતીએ જીત્યા છે. આગળ પણ બ્રાઝિલ રિયાલમાં વેચવાલી દેખાય છે. આર્જેન્ટિનામાં પણ પેસો કમજોર છે. લેટામ કરન્સી માટે ફુગાવો, સ્ટેગફ્લેશન અને કૉમોડિટીઝમાં નરમાઈ નેગેટિવ ફેક્ટર છે. કરન્સી બજારમાં શૉર્ટ-ટર્મ રેન્જ રૂપિયામાં ૮૧.૧૦-૮૨.૩૦, યુરો ૧.૦૧-૧.૦૫, પાઉન્ડ ૧.૧૫-૧.૨૦, યેન ૧૩૭-૧૪૩, યુઆન ૭.૦૫-૭.૧૫ ગણી શકાય.

business news indian rupee