રિલાયન્સ રિટેલમાં એમેઝોન 40 ટકા હિસ્સો 20 અબજ ડૉલરમાં હસ્તગત કરશે?

10 September, 2020 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિલાયન્સ રિટેલમાં એમેઝોન 40 ટકા હિસ્સો 20 અબજ ડૉલરમાં હસ્તગત કરશે?

મુકેશ અંબાણી

હજી ગઈ કાલે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે(RIL) જાહેરાત કરી છે કે અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સિલ્વર લેક તેની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL)માં 7,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો મળશે. આ પહેલા સિલ્વર લેકે રિલાયન્સની ટેક કંપની જિયો પ્લેટફોર્મમાં પણ રોકાણ કર્યું હતું.

સિલ્વર લેકની સાથે થયેલી આ ડીલ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે સિલ્વર લેકની સાથે થઈ રહેલી પાર્ટનરશીપથી લાખો લોકોની સાથે નાના વેપારીઓને ફાયદો મળશે. અમારું માનવું છે કે ટેકનોલોજી આ ક્ષેત્રમાં અત્યંત જરૂરી ફેરફાર લાવવામાં મહત્વનું યોગદાન આપશે.

એવામાં આજે રિપોર્ટ આવ્યા છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેમની રિટેલ કંપનીનો 40 ટકા હિસ્સો એમેઝોનને 20 અબજ ડૉલરમાં ઑફર કર્યો છે. સૂત્રોએ કહ્યું કે, એમેઝોને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણ કરવા માટે ઈચ્છા દર્શાવી હોવાથી આ બાબતે વાતચીત ચાલુ છે. આ વિષયે રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું કે, પૉલીસી મુજબ અમે મીડિયાની અટકળો અને અફવાઓનો જવાબ આપતા નથી. વર્તમાન સમયમાં અમારી કંપની વિવિધ તકોનું મૂલ્યાંકન કરી રહી છે. જરૂર પડશે ત્યાં નિયમ મુજબ અમે ડિસ્ક્લોઝર આપીશું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમેટેડ(RRVL) ફ્યુચર ગ્રુપની રિટેલ એન્ડ હોલસેલ બિઝનેસ અને લોજિસ્ટિક્સ એન્ડ વેરહાઉસિંગ બિઝનેસનું અધિગ્રહણ કરવા જઈ રહી છે. તેનાથી રિલાયન્સ, ફ્યુચર ગ્રુપના બિગ બજાર, ઈઝી ડે અને FBBના 1800થી વધુ સ્ટોર્સ સુધી પહોંચ વધારશે, જે દેશના 420 શહેરોમાં ફેલાયેલા છે. આ ડીલ 24713 કરોડમાં ફાઈનલ થઈ છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની છે. આ રિલાયન્સ ગ્રુપની તમામ રિટેલ કંપનીઓની હોલ્ડિંગ કંપની છે.આ કંપની વિશ્વની સૌથી ઝડપી આગળ વધનારી રિટેલ કંપનીઓમાં 56માં ક્રમે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેશની સૌથી મોટી પ્રાઈવેટ કંપની છે.

mukesh ambani reliance amazon