રિલાયન્સે જિયોમીટ ઍપ લૉન્ચ કરી અનલિમિટેડ ફ્રી કૉન્ફરન્સિંગની સુવિધા આપી

05 July, 2020 12:11 PM IST  |  Mumbai Desk

રિલાયન્સે જિયોમીટ ઍપ લૉન્ચ કરી અનલિમિટેડ ફ્રી કૉન્ફરન્સિંગની સુવિધા આપી

પોતાના ડિજિટલ બિઝનેસ માટે ફેસબુક અને ઇન્ટેલ જેવા રોકાણકારો પાસેથી અબજો રૂપિયાનું મૂડીભંડોળ મેળવ્યા પછી અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જિયોમીટ વિડિયો કૉન્ફરન્સિંગ ઍપ લૉન્ચ કરી છે, જે એની હરીફ ઍપ ઝૂમની સરખામણીમાં અનલિમિટેડ ફ્રી કૉલિંગની સુવિધા આપે છે. જિયોમીટ બીટા ટેસ્ટિંગ પછી ગુરુવાર સાંજથી વિડિયો કૉન્ફરન્સિંગ ઍપ ઍન્ડ્રૉઇડ, આઇઓએસ, વિન્ડોઝ, મેકઓએસ અને વેબ પર ઉપલબ્ધ છે. કંપનીની વેબસાઇટ મુજબ જિયોમીટ ૧૦૦ સહભાગીઓ સાથે એચડી ઑડિયો અને વિડિયો કૉલ ગુણવત્તાને સપોર્ટ કરે છે તથા સ્ક્રીન શૅરિંગ, મીટિંગ શેડ્યુલ ફીચર વગેરે જેવી ખાસિયતો ઑફર કરે છે.
કંપનીએ જણાવ્યું હતું કે ઝૂમથી વિપરીત જિયોમીટ ૪૦ મિનિટની સમયમર્યાદા લાદતી નથી. કૉલ ૨૪ કલાક સુધી ચાલી શકે છે અને તમામ મીટિંગ્સ એન્ક્રિપ્ટેડ અને પાસવર્ડ-પ્રોટેક્ટેડ છે. કંપનીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે ઝૂમ પર ૪૦ મિનિટથી વધારે ગાળા માટે મીટિંગ યોજવા માટે દર મહિને ૧૫ ડૉલરનો ચાર્જ લાગે છે, ત્યારે જિયોમીટ એનાથી વિશેષ સુવિધા નિઃશુલ્ક આપે છે, જેથી હોસ્ટને દર વર્ષે ૧૩,૫૦૦ની બચત થાય છે. ગૂગલ પ્લેસ્ટોર પર લિસ્ટેડ ઍપની ખાસિયતો મુજબ જિયોમીટ મોબાઇલ-નંબર કે ઈ-મેઇલ આઇડી સાથે સરળતાપૂર્વક સાઇનઅપ ઑફર કરે છે અને ઇન્સ્ટન્ટ મીટિંગ યોજવાની સુવિધા આપે છે. દરેક મીટિંગ પાસવર્ડ પ્રોટેક્ટેડ છે અને કોઈ પણ સહભાગી મંજૂરી વિના જોડાય નહીં એ સુનિશ્ચિત કરવા હોસ્ટ ‘વેઇટિંગ રૂમ’ અનેબલ કરી શકે છે. જ્યારે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અને ડેટા પ્રાઇવસીના જોખમને ધ્યાનમાં રાખીને ટિક ટૉક સહિત ૫૯ લોકપ્રિય ચાઇનીઝ ઍપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે જિયોમીટને ગૂગલ પ્લે અને આઇઓએસ પર પાંચ લાખથી વધારે ડાઉનલોડિંગ મળ્યું છે.

business news reliance