જિયો પ્લૅટફૉર્મમાં વધુ ૧૧,૩૬૭ કરોડ રૂપિયાનું રોકાણ

23 May, 2020 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જિયો પ્લૅટફૉર્મમાં વધુ ૧૧,૩૬૭ કરોડ રૂપિયાનું રોકાણ

પ્રતિકાત્મક તસવીર

એશિયાના સૌથી ધનાઢ્ય મુકેશ અંબાણીના ટેલિકૉમ વેન્ચર જિયોમાં ફરી એક વાર હિસ્સો વેચવામાં આવ્યો છે. આજે કંપનીએ અગ્રણી રોકાણકાર કેકેઆર દ્વારા કંપનીમાં ૧૧,૩૬૭ કરોડ રૂપિયાનું રોકાણ થશે એવી જાહેરાત કરી હતી. કેકેઆરને આ રોકાણ માટે જિયો પ્લૅટફૉર્મમાં ૨.૩૨ ટકાનો હિસ્સો મળશે.

અગાઉનાં રોકાણોની જેમ કેકેઆરના ૨.૩૨ ટકા હિસ્સો ખરીદવા સાથે જિયો પ્લૅટફૉર્મનું મૂલ્ય ૫.૧૬ લાખ કરોડ રૂપિયા અને શૅરમૂલ્ય ૪.૯૧ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની જિયો પ્લૅટફૉર્મ્સ અદ્યતન ટેકનૉલૉજી કંપની છે. જિયો એની જુદી જુદી ડિજિટલ અૅપ, ડિજિટલ ઇકૉસિસ્ટમ અને ભારતના  પ્રથમ ક્રમના હાઈ સ્પીડ કનેક્ટિવિટી પ્લૅટફૉર્મને એક છત હેઠળ લાવીને ભારતમાં ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. ૩૮.૮ કરોડથી વધારે સબસ્ક્રાઇબરને કનેક્ટિવિટી પ્લૅટફૉર્મની સેવા આપતી રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ લિમિટેડ એ જિયો પ્લૅટફૉર્મની સંપૂર્ણ માલિકીની પેટા કંપની તરીકે જળવાઈ રહેશે.

આજના સોદા સહિત રિલાયન્સ દ્વારા જિયો પ્લૅટફૉર્મમાં ૧૭.૧૨ ટકા હિસ્સો વેચવામાં આવ્યો છે. ઑક્ટોબર ૨૦૧૯માં રિલાયન્સમાં દેવું ઘટાડી માર્ચ ૨૦૨૧ સુધીમાં રિલાયન્સને સંપૂર્ણ દેવાંમુક્ત કંપની બનાવીશું એવી જાહેરાત કર્યા બાદ રિલાયન્સ દ્વારા જિયોમાં છેલ્લા થોડા સમયમાં પાંચ વખત હિસ્સો વેચી ૭૮,૫૬૨ કરોડ રૂપિયાની રકમ ઊભી કરવામાં આવી છે. જો કે રિલાયન્સ દ્વારા માત્ર હિસ્સો વેચવામાં નથી આવી રહ્યો પણ એક મજબૂત ભાગીદાર પણ લાવવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે દેશનો સૌથી મોટો રાઈટ ઇશ્યુ લાવી છે. જેમાં રોકાણકાર અને પ્રમોટર પાસેથી ૫૩,૧૨૫ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારને ડીસઇન્વેસ્ટમેન્ટના ફાંફા, જિયો એકલા હાથે વધારે રકમ ઊભી કરી શકે છે.

જિયો પ્લૅટફૉર્મમાં થયેલા સોદાઓની વિગત

૨૨ એપ્રિલ : ફેસબુકે ૯.૯૯ ટકા હિસ્સો ખરીદ્યો

સૌ પ્રથમ સોશ્યલ મીડિયા કંપની ફેસબુકે રિલાયન્સ જિયોના પ્લૅટફૉર્મમાં મૂડીરોકાણ કર્યુ હતું. ફેસબુકે ૪૩,૫૭૪ કરોડની ડીલમાં ૯.૯૯ ટકા હિસ્સો હસ્તગત કર્યો હોવાની જાહેરાત કરી હતી, જે અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી મૂડીરોકાણ છે.

૪ મે : સિલ્વર લેકે ૧.૧૫ ટકા હિસ્સો ખરીદ્યો

પ્રાઇવેટ ઇક્વિટી સિલ્વર લેકે જિયોમાં ૫૬૫૬ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ મૂડીરોકાણ બાદ જિયોમાં સિલ્વર લેકની હિસ્સેદારી ૧.૧૫ ટકા થશે. સિલ્વર લેક એક પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ છે અને એ દુનિયાભરની ટેક ફર્મમાં રોકાણ કરે છે.

 ૮ મે : વિસ્ટા ઇક્વિટી પાર્ટનર દ્વારા ૨.૩૨ ટકા હિસ્સો

અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે રિલાયન્સના ડિજિટલ પ્લૅટફૉર્મ જિયો પ્લૅટફૉર્મમાં ૨.૩૨ ટકા હિસ્સો ખરીદ્યો છે. આ ડીલ ૧૧,૩૬૭ કરોડ રૂપિયામાં થઈ હતી.

૧૭ મે : જનરલ એટલાન્ટિકે ૧.૩૪ ટકા હિસ્સો ખરીદ્યો

આ સોદો છેલ્લા એક માસમાં ચોથો સોદો છે. જિયો પ્લૅટફૉર્મમાં અમેરિકાની વધુ એક જાયન્ટ પ્રાઇવેટ ઈક્વિટી ફર્મ જનરલ એટલાન્ટિકે હિસ્સો ખરીદ્યો છે.  જિયો પ્લૅટફૉર્મમાં જનરલ એટલાન્ટિક ૬૫૯૮.૩૮ કરોડ રૂપિયાનું રોકાણ.૧.૩૪ ટકા હિસ્સા માટે કરવામાં આવ્યું હતું.

business news reliance