રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક ચોખ્ખો નફો 15 ટકા ઘટ્યો

30 October, 2020 09:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ત્રિમાસિક ચોખ્ખો નફો 15 ટકા ઘટ્યો

મુકેશ અંબાણી

સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ.9,567 કરોડ થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.11,262 કરોડ હતો.

સૂચિત ત્રિમાસિક ગાળામાં કંપનીની રિફાઈનિંગ આવક 36 ટકા  અને પેટ્રોકેમિકલ્સની આવક 23 ટકા ઘટી હતી. એકંદર રિલાયન્સની કોન્સોલિડેટેડ કાર્યકારી આવક 24 ટકા ઘટીને રૂ.1,16,195 કરોડ થઈ હતી. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ઈબિટડા રૂ.18,945 કરોડ રહ્યું હતું.  

સ્ટેન્ડએલોન ધોરણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવક ત્રિમાસિક ધોરણે 23.3 ટકા વધીને રૂ.64,431 કરોડ થઈ છે અને ઈબિટડા ચાર ટકા વધીને રૂ.11,811 કરોડ રહ્યું છે.

કંપનીની પ્રેસ રિલીઝના હિસાબે જિઓ પ્લેટફોર્મ્સથી આવક સાત ટકા વધીને રૂ.21,708 કરોડ થઈ છે. જ્યારે ચોખ્ખો નફો 19.8 ટકા વધીને રૂ.3,020 કરોડ થયો છે. સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળા સુધીમાં કુલ ગ્રાહકો 40.56 કરોડ હતા, જે ગત ત્રિમાસિકની સરખામણીએ 1.8 ટકા વધ્યા છે. કુલ વાયરલેસ ડેટા ટ્રાફિક 1.5 ટકા વધીને 1,422 કરોડ જીબી હતું.

રિલાયન્સની રિટેલની કોન્સોલિડેટેડ આવક 30 ટકા વધીને રૂ.41,100 કરોડ થઈ છે. ચોખ્ખો નફો નોંધપાત્ર 125.8 ટકા વધીને રૂ.973 કરોડ થયો છે.  

mukesh ambani reliance business news