રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિસેમ્બર ક્વૉર્ટરનો નફો ૧૩.૩૦ ટકા ઘટ્યો

21 January, 2023 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નફો ભલે ઘટ્યો, પરંતુ કંપનીની આવકમાં ૧૫ ટકાનો વધારો થયો

ફાઇલ તસવીર

દેશની ટોચની કૉર્પોરેટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આજે એનાં ડિસેમ્બર ક્વૉર્ટરનાં પરિણામો જાહેર કર્યાં હતાં, જે મુજબ કંપનીની આવકમાં ૧૫ ટકાનો વધારો થયો હતો, પરંતુ ચોખ્ખા નફામાં ૧૩.૩૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે કન્સોલિડેશન ટૅક્સ પછીનો નફો ૧૭,૮૦૬ કરોડ રૂપિયાનો થયો છે, જે વાર્ષિક ધોરણે ૦.૬ ટકાનો વધારો બતાવે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ક્વૉર્ટરમાં એની કામગીરીમાંથી આવક ૨,૨૦,૫૯૨ કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ અગાઉના ૧,૯૧,૨૭૧ કરોડ રૂપિયાની સરખામણીએ ૧૫.૩૨ ટકા વધુ છે.

ત્રિમાસિક ગાળા માટે એનો એકીકૃત ચોખ્ખો નફો ૧૭,૮૦૬ કરોડ રૂપિયા હતો, જે વાર્ષિક ધોરણે ૧૩.૩૦ ટકાનો ઘટાડો બતાવે છે. કંપનીએ ગયા વર્ષના સમાન ક્વૉર્ટરમાં ૨૦,૫૩૯ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

કંપનીએ જણાવ્યું હતું કે એની ટૅક્સ, ઘસારો સહિતના ખર્ચ પહેલાંની કમાણી વાર્ષિક ધોરણે ૧૩.૫ ટકા વધીને ૩૮,૪૬૦ કરોડ રૂપિયા થઈ છે, જે તેના ડિજિટલ બિઝનેસ માટે સબસ્ક્રાઇબર બેઝમાં મજબૂત વૃદ્ધિ, કન્ઝમ્પ્શન બાસ્કેટમાં વૃદ્ધિ, મિડલ ડિસ્ટિલેટ ટૅક્સમાં સુધારો અને ગૅસના ભાવમાં વધારો થવાને કારણે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે ‘તમામ સેગમેન્ટ્સે વાર્ષિક ધોરણે કન્સોલિડેટેડ આવકમાં મજબૂત વૃદ્ધિમાં ફાળો આપ્યો છે. બધા વ્યવસાયોમાં અમારી ટીમોએ પડકારજનક વાતાવરણમાં મજબૂત ઑપરેટિંગ પ્રદર્શન આપવા માટે ઉત્તમ કામ કર્યું છે.’ 

business news reliance