વિશ્વના 10 સૌથી ધનાઢ્ય લોકોમાં સામેલ થયા મુકેશ અંબાણી, જાણો કુલ સંપત્તિ

23 June, 2020 01:49 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

વિશ્વના 10 સૌથી ધનાઢ્ય લોકોમાં સામેલ થયા મુકેશ અંબાણી, જાણો કુલ સંપત્તિ

મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના 10 સૌથી ધનાઢ્ય લોકોની સૂચીમાં સામેલ થઈ ગયા છે. કંપનીના ડિજિટલ વિંગ એટલે કે જિયો પ્લેટફૉર્મ્સમાં આવેલા હાલના વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ તેમ જ કંપનીના શૅરની કિંમત રેકૉર્ડ સ્તરે પહોંચવાને કારણે અંબામીની સંપત્તિમાં હાલમાં ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો છે. અંબાણી ફૉર્બ્સના અરબપતિઓની રિયલ ટાઇમ લિસ્ટમાં 9માં સ્થાને છે. Bloomberg Billionaires Indexમાં પણ તેઓ નવમાં સ્થાને છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરની કિંમત શુક્રવારે 1788 રૂપિયાના રેકૉર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. જિયો પ્લેટફૉર્મ્સમાં તાજેતરમાં થયેલી ઇન્વેસ્ટમેન્ટને કારણે 63 વર્ષના મુકેશ અંબાણીની કુલ સંપત્તિ સાડા 64 અરબ ડૉલરની નજીક પહોંચી ગઈ છે.

ફૉર્બ્સના ટૉપ 10 ધનાઢ્યોની લિસ્ટમાં અમેઝૉન પ્રમુખ જેફ બેજોસ પહેલા સ્થાને છે. તેમની પાસે લગભગ 160 અરબ ડૉલરની સંપત્તિ છે. ત્યાર બાદ માઇક્રોસૉફ્ટના બિલ ગેટ્સનું સ્થાન આવે છે. ગેટ્સ પાસે કુલ 108.7 અરબ ડૉલરની સંપત્તિ છે. ફ્રાન્સના બનાર્ડ અર્નાલ્ટ અને તેમનું પરિવાર ત્રીજા સ્થાને છે. તેમની પાસે 103.2 અરબ ડૉલરની સંપત્તિ છે.

ફેસબૂકના માર્ક ઝુકરબર્ગ 87.9 અરબ જૉલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. ઝુકરબર્ગ ટૉપ 10 ધનાઢ્યોની લિસ્ટમાં સૌથી નાની ઉંમરના છે. ઝુકરબર્ગની ઉંમર માત્ર 36 વર્ષની છે. આ લિસ્ટમાં વારેન બફેટ પાંચમાં સ્થાને છે. બફેટની કુલ સંપત્તિ 71.4 અરબ ડૉલર ગણવામાં આવી છે.

વિશ્વના 10 સૌથી ધનાઢ્ય લોકોની લિસ્ટમાં અમેરિકન ઉદ્યોગપતિઓનો દબદબો છે. ટૉપ 10માં સાત ઉદ્યોગપતિઓ અમેરિકામાંથી છે. આ લિસ્ટમાં અંબાણી એકમાત્ર એશિયન છે. ટૉપ 10 ધનાઢ્યોમાં ફ્રાન્સ અને સ્પેનના એસ-એક ઉદ્યોગપતિ સામેલ છે.

ફોર્બ્સની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે મુકેશ અંબાણી ભારતની સૌથી મૂલ્યવાન કંપનીનું નેતૃત્વ કરે છે. અંબાણી પાસે યૂનિવર્સિટી ઑફ બૉમ્બેની બૅચલર ઑફ સાયન્સ ઇન ઇન્જિનિયરિંગની ડિગ્રી છે.

mukesh ambani business news forbes