અમેરિકન બજારનું પ્રતિબિંબ પાડીને ભારતીય બજાર ૪ ટકા ઘટ્યું

27 February, 2021 10:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકન બજારનું પ્રતિબિંબ પાડીને ભારતીય બજાર ૪ ટકા ઘટ્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન બજારમાં બૉન્ડ માર્કેટની ઊપજમાં થયેલા અસાધારણ વધારાને પગલે ઇક્વિટીમાંથી રોકાણ પાછું ખેંચાવા લાગ્યું છે. આ મુખ્ય પરિબળને કારણે નાસ્દાકમાં ગુરુવારે ૩.૫૨ ટકાનો ઘટાડો થયો હતો. તેનું પ્રતિબિંબ પાડનારી અસર શુક્રવારે સમગ્ર એશિયન બજારો બાદ ભારતીય બજાર પર પણ થઈ હતી. અધૂરામાં પૂરું અમેરિકાએ ઇરાકની સરહદ નજીક સીરિયામાં કરેલા હવાઈ હુમલાને પગલે ભૂરાજકીય પરિસ્થિતિ વણસી હતી અને ટ્રેડિંગનું માનસ વધુ ખરડાયું હતું. પરિણામે છેલ્લા નવ મહિનામાં થયેલા સૌથી મોટા ઘટાડામાં એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ઇન્ટ્રાડે ધોરણે ૨૧૪૯ પૉઇન્ટ અને નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૬૨૯ પૉઇન્ટ નીચે પડ્યા હતા. દિવસના

અંતે સેન્સેક્સ ૧૯૩૯.૩૨ પૉઇન્ટ (૩.૮૦ ટકા) ઘટીને ૪૯,૦૯૯.૯૯ અને નિફ્ટી ૫૬૮.૨૦ પૉઇન્ટ (૩.૭૬)ના ઘટાડા સાથે ૧૪,૫૨૯.૧૫ બંધ રહ્યા હતા. 

માર્કેટ કૅપમાં ૫.૩૭ લાખ કરોડ રૂપિયાનું ગાબડું

શુક્રવારે બીએસઈ પર કુલ માર્કેટ કૅપ ૨૦૦.૮૧ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે ગુરુવારે ૨૦૬.૧૮ લાખ કરોડ રૂપિયા હતું. આમ તેમાં ૫.૩૭ લાખ કરોડ રૂપિયાનું ગાબડું પડ્યું હતું.

ભારતના ડિસેમ્બર ક્વૉર્ટરના કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)ના આંકડા જાહેર થવાનું પરિબળ પણ બજારના ઘટાડા માટે કારણભૂત ઠર્યું હતું. જોકે બજારના કામકાજના કલાકો પૂરા થયા બાદ નૅશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસે જાહેર કર્યા મુજબ ગત ઑક્ટોબર-ડિસેમ્બર ગાળામાં દેશનો જીડીપી ૦.૪ ટકાના દરે વધ્યો હતો. પાછલા બે ક્વૉર્ટરમાં અનુક્રમે ૨૪ ટકા અને ૭.૫ ટકાનો ઘટાડો થયો હતો એને જોતાં ડિસેમ્બર ક્વૉર્ટરમાં સ્થિતિ સુધરી છે. વર્ષ ૨૦૧૯-૨૦ના સમાન ગાળામાં થયેલી ૪ ટકાની વૃદ્ધિની સામે આ નાણાકીય વર્ષે ૮ ટકાનો ઘટાડો થયો છે.

જીડીપીના આંકડાઓ પરથી જોઈ શકાય છે કે દેશમાં હાલમાં કોરોનાના કેસની સંખ્યા વધી હોવા છતાં બિઝનેસની પ્રવૃત્તિઓ સુધરી છે. જાન્યુઆરી મહિનામાં સર્વિસિસ, નિકાસ અને ફૅક્ટરી મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે સુધારો થયો છે. અહીં જણાવવું રહ્યું કે વર્ષ ૨૦૨૧-૨૨ માટેના વૃદ્ધિદરના અંદાજમાં રિઝર્વ બૅન્કે ૧૦.૫ ટકા અને ઇન્ટરનૅશનલ મોનેટરી ફન્ડે ૧૧.૫ ટકાના દરે વૃદ્ધિ થશે એમ કહ્યું છે. આર્થિક સર્વેક્ષણનો અંદાજ ૧૧ ટકાનો દર્શાવાયો છે.

વિદેશી પરિબળોની સાથે સાથે ભારતીય બજારમાં પણ બૉન્ડની ઊપજ વધી હતી. વિશ્લેષકોનું કહેવું છે કે બૉન્ડ માર્કેટ આગામી સમયમાં વધનારા ફુગાવાનો સંકેત આપે છે. તેને કારણે ઇક્વિટી બજારમાંથી રોકાણ પાછું ખેંચાવાની સાથે કંપનીઓને મળનારાં સસ્તાં નાણાંનું પ્રમાણ ઘટી જાય છે. અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદર નીચા રાખવાની ખાતરી આપી હોવા છતાં શૅરબજારમાં તીવ્ર ઘટાડો આવ્યો છે. વૈશ્વિક સ્તરે ઇક્વિટી માર્કેટ કરતાં બૉન્ડ માર્કેટ મોટી હોવાથી બૉન્ડની ઊપજનો વધારો ઇક્વિટી માર્કેટ પર મોટી અસર કરે છે. તેઓ એમ પણ જણાવે છે કે ભારતમાં સ્ટૉક્સ બમણા કરતાં વધુ પ્રમાણમાં વધી ગયા છે અને આગામી છ મહિના માટેની કંપનીઓની વધનારી આવકના પરિબળને પણ બજારની હિલચાલમાં પચાવી લેવામાં આવ્યું છે. આથી ઊંચા વેલ્યુએશનને કારણે બજારમાં ઘટાડો અપેક્ષિત કહેવાય.

સેન્સેક્સ અને નિફ્ટીના તમામ સ્ટૉક્સમાં ઘટાડો

શુક્રવારે સેન્સેક્સના તમામ ૩૦ અને નિફ્ટીના બધા ૫૦ સ્ટૉક્સ ઘટ્યા હતા. નિફ્ટીમાં ઓએનજીસી, જેએસડબ્લ્યુ સ્ટીલ, ગેઇલ, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર, બજાજ ફાઇનૅન્સ, ગ્રાસિમ અને હીરો મોટો કોર્પ ૬થી ૬.૫ ટકા ઘટ્યા હતા. સેન્સેક્સમાં એક્સિસ બૅન્ક, કોટક બૅન્ક અને બજાજ ફિનસર્વ ૬ ટકા ઘટ્યા હતા. રિલાયન્સ ૨.૮૪ ટકા, લાર્સન ઍન્ડ ટુબ્રો ૪.૨૭ ટકા, એચડીએફસી બૅન્ક ૪.૪૫ ટકા, બજાજ ફાઇનૅન્સ ૫.૨૮ ટકા, એચડીએફસી ૫.૪૦ ટકા અને પાવરગ્રિડ ૫.૬૯ ટકા સાથે મુખ્ય ઘટેલા સ્ટૉક્સ હતા. એક્સચેન્જ પર આઇસીઆઇસીઆઇ બૅન્ક, રિલાયન્સ, સ્ટેટ બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, ભારતી ઍરટેલ, ઇન્ડસઇન્ડ બૅન્ક, એચડીએફસી બૅન્ક, એક્સિસ બૅન્ક અને મારુતિમાં વૉલ્યુમ વધ્યું હતું.

બ્રોડર માર્કેટમાં મુખ્ય ઇન્ડેક્સની તુલનાએ ઘટાડો ઓછો રહ્યો હતો. બીએસઈ સ્મૉલ કૅપમાં ૦.૭ ટકા અને મિડ કૅપમાં ૧.૭૫ ટકાનો ઘટાડો થયો હતો.

બૅન્કિંગ ઇન્ડેક્સમાં ૫ ટકાનો ઘટાડો

સેક્ટોરલ દૃષ્ટિએ બૅન્કિંગ સ્ટૉક્સને વધુ ઘસારો લાગ્યો હતો. નિફ્ટી બૅન્ક અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૫-૫ ટકા ઘટ્યા હતા. નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સમાં ઘટાડો ૪.૫ ટકાનો રહ્યો હતો. નિફ્ટી મેટલ અને ઑટો ઇન્ડેક્સ ૩-૩ ટકા તથા નિફ્ટી એફએમસીજી, આઇટી અને ફાર્મા ઇન્ડેક્સ ૨-૨ ટકા ઘટ્યા હતા.

બીએસઈના સેક્ટરલ ઇન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ ૨.૪૪ ટકા, સીડીજીએસ ૨.૪૧ ટકા, અૅનર્જી ૨.૮૪ ટકા, એફએમસીજી ૧.૫૪ ટકા, ફાઇનૅન્સ ૪.૫૯ ટકા, હેલ્થકૅર ૧.૫૪ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૨.૧૭ ટકા, આઇટી ૨.૨૬ ટકા, ટેલિકૉમ ૩.૮૫ ટકા, યુટિલિટીઝ ૨.૭૯ ટકા, ઑટો ૩.૧૦ ટકા, બૅન્કેક્સ ૪.૮૭ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૭૪ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૩૧ ટકા, મેટલ ૨.૬૭ ટકા, ઑઈલ અૅન્ડ ગૅસ ૩.૭૨ ટકા, પાવર ૧.૨૦ ટકા, રિયલ્ટી ૧.૮૧ ટકા અને ટેક ૨.૬૦ ટકા ઘટ્યા હતા.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં શુક્રવારે કુલ ૩,૦૪,૯૯૩.૦૩ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૬૭,૯૬૯ સોદાઓમાં ૨૫,૪૮,૫૭૧ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૨,૭૮,૫૬૧ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૧૧.૩૪ કરોડ રૂપિયાના ૬૫ સોદામાં ૯૮ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૫૭,૭૬૭ સોદામાં ૨૦,૧૨,૭૧૪ કૉન્ટ્રૅક્ટ સાથે ૨,૪૭,૪૮૧.૯૦ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૧૦,૧૩૭ સોદામાં ૫,૩૫,૭૫૯ કૉન્ટ્રૅક્ટ સાથે  ૫૭,૪૯૯.૭૯ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

સાપ્તાહિક ચાર્ટ પર સતત બીજા સપ્તાહે નેગેટિવ કૅન્ડલ રચાઈ છે. પાછલા સપ્તાહે બેરિશ એન્ગલ્ફિંગ પૅટર્ન રચાઈ હતી. નિફ્ટી હાલ ૧૪,૩૪૫ના સપોર્ટ તરફ જઈ રહ્યો છે.

બજાર કેવું રહેશે?

આગામી દિવસોમાં કરેક્શન થતાં નિફ્ટીમાં ૧૪,૨૦૦-૧૪,૦૦૦ની સપાટી આવી શકે છે. એ તૂટ્યા બાદ ૧૩,૭૦૦-૧૩,૫૦૦ની સપાટી મહત્ત્વપૂર્ણ રહેશે. ટૂંકા ગાળામાં ૧૫,૨૦૦ની સપાટી તૂટે નહીં ત્યાં સુધી ઘટાડાનું વલણ ચાલુ રહેશે એમ જણાય છે. જોકે લાંબા ગાળા માટે તેજીનું ધ્યાન અકબંધ રહેવાનું વિશ્લેષકો કહે છે.

business news