પ્રૉફિટ બુકિંગથી સોના-ચાંદીમાં ઘટાડો

08 January, 2021 09:50 AM IST  |  Mumbai | Mayur Mehta

પ્રૉફિટ બુકિંગથી સોના-ચાંદીમાં ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના જ્યૉર્જિયાની બેઠક પર અપેક્ષાકૃત પરિણામમાં બન્ને બેઠક પર બાઇડનની ડેમોક્રૅટિક પાર્ટીના ઉમેદવાર જીતી ગયા બાદ સોના-ચાંદીમાં તેજીનાં કારણો ડિસ્કાઉન્ટ થયાં હતાં અને વર્લ્ડ માર્કેટમાં બન્ને કીમતી ધાતુમાં પ્રૉફિટ-બુકિંગ આવતાં ભાવ ઘટ્યા હતા. એને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું ૬૦૮થી ૬૧૧ રૂપિયા અને ચાંદી ૧૩૩૬ રૂપિયા ઘટી હતી.
વિદેશી પ્રવાહો
અમેરિકામાં જ્યૉર્જિયાની બે બેઠકો પર જો બાઇડનની પાર્ટી ડેમોક્રૅટિકની જીત બાદ સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો, પણ આ ઘટાડો પચાવી લીધા બાદ સોનું ફરી વધ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં બુધવારે ઓવરનાઇટ સોનાનો ભાવ અઢી ટકા ઘટીને ૧૯૧૬.૭૭ ડૉલર સુધી ઘટ્યો હતો જે એક તબક્કે વધીને ૧૯૫૯.૦૧ ડૉલર થયો હતો. ગુરુવારે સોનું ફરી સુધર્યું હતું. સેનેટ અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેન્ટિવ (કૉન્ગ્રેસ) પર ડેમોક્રૅટિકના કબજાથી હવે જંગી રકમનું ફાઇનૅન્શિયલ પૅકેજ આવશે એ ધારણાએ અમેરિકન ડૉલર ઘટીને ત્રણ વર્ષના તળિયે પહોંચતાં સોનામાં ફરી લેવાલીનો દોર ચાલુ થયો હતો. અમેરિકામાં જ્યૉર્જિયાની બે બેઠકો પર ડેમોક્રૅટિક ઉમેદવાર જીતતાં ટ્રમ્પના સમર્થકોએ હુલ્લડ કર્યાં હતાં અને સેનેટમાં ઘૂસી જઈને તોફાન મચાવતાં સેનેટની બેઠક રદ કરવાની ફરજ પડી હતી. અમેરિકાના ઇતિહાસમાં આ પ્રકારનાં હુલ્લડો પ્રથમ વખત થતાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જોકે માર્કેટ પર એની કોઈ અસર જોવા મળી નહોતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ફેડરલ રિઝર્વની ૧૫-૧૬ ડિસેમ્બરે યોજાયેલી મીટિંગની મિનિટ્‌સ અનુસાર ફેડના તમામ મેમ્બરોએ સર્વાનુમતે બૉન્ડ ખરીદી હજી લાંબા સમય સુધી ચાલુ રાખવા સંમતિ બતાવી હતી તેમ જ કોરોના વાઇરસની મહામારીને કારણે હજી લાંબો સમય ઇકૉનૉમિક ઍક્ટિવિટી ધીમી રહેવાનો તમામનો મત હતો. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ફૅક્ટરી ઑર્ડર નવેમ્બરમાં એક ટકો વધ્યા હતા જે ઑક્ટોબરમાં ૧.૩ ટકા વધ્યા હતા અને માર્કેટની ધારણા ૦.૭ ટકા વધવાની હતી. અમેરિકાની કૉર્પોરેટ કંપનીઓએ ડિસેમ્બર મહિનામાં ૧.૨૩ લાખ લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, એપ્રિલ પછી પ્રથમ વખત આટલા બધા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અમેરિકામાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૫૫.૨ પૉઇન્ટ રહ્યો હતો જે નવેમ્બરમાં ૫૮.૬ પૉઇન્ટ હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ
અમેરિકાનાં બન્ને હાઉસ પર જો બાઇડન અને કમલા હૅરિસની ડેમોક્રેટૅક પાર્ટીના કબજાથી હવે ફિઝિકલ સ્પેન્ડિંગ અને રિલીફ પૅકેજ માટે જંગી નાણાંની ફાળવણી થશે જેને કારણે અમેરિકાની ટ્રેડ ડેફિસિટ અને બજેટ એલોકેશનમાં મોટો વધારો થશે જે ડૉલરના મૂલ્યને વધુ ઘટાડશે. અમેરિકાના પ્રેસિડન્ટપદે જો બાઇડન સત્તારૂઢ થયા બાદ કોરોના વાઇરસને કાબૂમાં લેવા આક્રમક પગલાં લેવામાં આવશે જેને કારણે સોનાનું સેફ હેવન સ્ટેટસ થોડું નબળું પડશે જેને કારણે સોનામાં પ્રૉફિટ-બુકિંગ પણ આવતું રહેશે અને ડૉલર સતત ઘસાતો રહેશે એટલે સોનામાં ઘટાડો ટકી શકશે નહીં. ટ્રમ્પના શાસનમાં સોનામાં મોટી તેજી-મંદી જોવા મળતી હતી જે હાલમાં ટ્રમ્પના છેલ્લા દિવસોમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં જોવા મળી હતી.

સોનાનો ભાવ ૨૦૨૧માં વધીને ૬૫૦૦૦ રૂપિયા થવાની આગાહી
વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ ૨૦૨૧ના આરંભથી સતત વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સોનાના ભાવમાં મોટી અફરાતફરી જોવા મળી હતી. ભારતમાં નવી દિલ્હી સ્થિત રેલિગર બ્રોકિંગ કંપનીના આઉટલૂક રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૨૧માં પણ વર્લ્ડ માર્કેટમાં આકાર લઈ રહેલા મેક્રો ઇકૉનૉમિક ડેવલપમેન્ટ સોનાની તેજીને સપોર્ટ કરશે. કોરોના વાઇરસની મહામારીની સ્થિતિમાંથી પ્રજાને બહાર કાઢવા દરેક દેશ જંગી નાણાકીય રાહત પૅકેજો જાહેર કરી રહી છે જેનાથી દરેક દેશની તિજોરી પર ફાઇનૅન્શિયલ બોજો સતત વધતો જશે.એ ઉપરાંત ઇન્ટરેસ્ટ-રેટમાં થઈ રહેલા ઘટાડાથી પણ માર્કેટમાં નાણાપ્રવાહ સતત વધતો જશે જે સોનાના ભાવને સતત ઊંચકાવશે. આ તમામ ફૅક્ટર્સ જોતાં વર્લ્ડ માર્કેટમાં સોનું સતત વધતું રહેશે અને એની અસરે ભારતીય માર્કેટમાં સોનું વધીને પ્રતિ ૧૦ ગ્રામનો ભાવ ૬૫,૦૦૦ રૂપિયા થશે.

business news