સોયાબીન વાયદાએ ૧૦ હજારની ઐતિહાસિક સપાટી પાર કરી

31 July, 2021 02:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોયાબીન વાયદો પંદર દિવસમાં ૨૫૦૦ રૂપિયાથી વધુ અને ફેબ્રુઆરી બાદ બમણો વધ્યોઃ વાયદામાં હવે ગમે ત્યારે નવા-જૂનીની સંભાવનાઃ સોયાખોળનો ભાવ ૯૦,૦૦૦ રૂપિયા થયો

પ્રતીકાત્મક તસવીર

સોયાબીન વાયદામાં લાલચોળ તેજી જોવા મળી રહી છે અને સટ્ટાકીય તેજીના પરિણામે સોયાબીન વાયદાએ આજે ૧૦ હજારની ઐતિહાસિક ઊંચી સપાટી પાર કરી હતી. સોયાખોળના ભાવ પણ આજે ૯૦,૦૦૦ રૂપિયાની સપાટીને પાર કરી ગયા હતા. સોયાબીન ઑગસ્ટ વાયદો શુક્રવારે ૫૦૦ રૂપિયાથી પણ વધુ વધીને ૧૦૦૭૮ રૂપિયાની ઊંચી સપાટી પર પહોંચ્યો હતો. છેલ્લા પંદર દિવસમાં જ સોયાબીન વાયદામાં ૨૫૦૦ રૂપિયાનો ઉછાળો આવ્યો છે. ગત ફેબ્રુઆરી મહિનામાં સોયાબીનના ભાવ ૪૭૦૦ રૂપિયા આસપાસ ટ્રેડ થતા હતા.

આમ પાંચ મહિનાના ગાળામાં જ સોયાબીનના ભાવ બમણા થઈ ગયા છે. સોયાખોળ વાયદો પણ આજે વધીને ૯૦,૦૦૦ રૂપિયાની સપાટી પર પહોંચ્યો હતો. સોયાબીનની વર્તમાન તેજી વિશે ટ્રેડરો કહે છે કે નિયર મન્થ વાયદામાં ચાલતા ઊંચા ભાવ પ્યોર સટ્ટો જ છે. વૈશ્વિક તેજીની પાછળ જે તેજી થવાની હતી એ પહેલાં થઈ ગઈ છે, હવે પંદર દિવસથી જે તોફાન આવ્યું છે એ સટ્ટાકીય છે. તેલીબિયાં સંગઠનો દ્વારા સરકાર સમક્ષ સોયાબીનમાં માર્જિન વધારવા અને  સર્કિટ લિમિટ ઘટાડવા માટે અગાઉ જ રજૂઆત થઈ ગઈ છે, પરંતુ હજી સુધી એક્સચેન્જ કે સેબી દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી. જોકે બજારનાં અંતર્ગત વર્તુળો કહે છે કે સોયાબીન વાયદામાં હવે આગામી બે દિવસ કે આગામી સપ્તાહમાં કંઈક નવા-જૂની થાય તેવી સંભાવના છે.

business news