અમેરિકામાં મંદીની ચિંતા : ઇક્વિટીમાં શિસ્તબદ્ધ અને લાંબા ગાળાનું રોકાણ કરનારાઓએ વ્યાકુળ થવું નહીં

19 September, 2022 02:27 PM IST  |  Mumbai | Khyati Mashru Vasani

છેલ્લા છ-સાત મહિનાથી અમેરિકાનો ફુગાવો, વ્યાજદર અને મંદી એ ત્રણે પરિબળોની વાત આપણે સાંભળતા આવ્યા છીએ.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આજકાલ નાણાકીય વિશ્વમાં જ્યાં જુઓ ત્યાં અમેરિકાના ફુગાવાને લીધે સર્જાયેલી આર્થિક પરિસ્થિતિની ચર્ચા છે. અમેરિકન સરકારે જાહેર કરેલા આંકડાઓ મુજબ દેશની કુલ રાષ્ટ્રીય પેદાશમાં સતત બીજા ક્વૉર્ટરમાં ઘટાડો થયો છે, જ્યારે કુલ રાષ્ટ્રીય પેદાશ સતત બે ક્વૉર્ટરમાં ઘટતી દેખાય ત્યારે અર્થતંત્ર મંદીમાં સરકી જવાની શક્યતા વધી જાય છે.

હાલમાં શૅરબજાર ઘટવા લાગ્યું એની પાછળ અમેરિકાની મંદીની શંકા જવાબદાર છે. છેલ્લા છ-સાત મહિનાથી અમેરિકાનો ફુગાવો, વ્યાજદર અને મંદી એ ત્રણે પરિબળોની વાત આપણે સાંભળતા આવ્યા છીએ. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી વૈશ્વિક સ્તરે પુરવઠાની ચિંતા ઊભી થઈ, જે હજી સુધી પીછો છોડતી નથી. 

મંદીના ભણકારા વચ્ચે કેટલાક આંકડાઓ સારા આવ્યા હોવાથી અમેરિકા મંદીમાં જવાની શક્યતા નહીં હોવાનું કેટલાક નિષ્ણાતોનું કહેવું છે. જુલાઈના રોજગારના આંકડા ધારણા કરતાં સારા આવ્યા છે. પગારવધારો પણ અંદાજ કરતાં વધુ થયો છે. નજીકના ભવિષ્યમાં વેચાણ ઘટવાની શક્યતા દેખાતી હોય તો એમ્પ્લોયર વધુ લોકોને કામે રાખે નહીં અને પગાર વધારે નહીં. આમ, અમેરિકાના રોજગારના આંકડા પ્રોત્સાહક રહ્યા છે.

આ સાથે જ ફુગાવો પણ ટોચે પહોંચી ગયા બાદ હવે ધીમે-ધીમે એમાં ઘટાડો થવા લાગશે એવું જણાય છે. જોકે, ચીનમાં બધું સારું નથી. ત્યાંનું અર્થતંત્ર નબળું પડી રહ્યું છે. અમેરિકામાં ઘટતો ફુગાવો અને ચીનની આર્થિક પરિસ્થિતિ એ બન્ને પરિબળોને લીધે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઑઇલના ભાવમાં ઘટાડો થશે, જે ભારત માટે સારી વાત છે. નિફ્ટીમાં ગયા એપ્રિલથી જૂનના ગાળામાં ૧૫,૩૦૦ની બૉટમ આવી ગઈ હતી. એમાં આઠમી સપ્ટેમ્બર સુધીના ગત બે મહિનામાં સાતેક ટકાનો વધારો થયો હતો. હવે આગામી તેજીની માર્કેટ આવે એવું જણાય છે. અમેરિકાના ડેટાના આધારે આ અંદાજ બાંધી શકાય.

ભારતીય રોકાણકારો માટે અમેરિકાના આંકડા કેવી રીતે મહત્ત્વપૂર્ણ ગણાય એની વાત કરીએ. હાલ, વિશ્વ અત્યારે પરસ્પર સંકળાયેલું છે. એક ભાગમાં બનતી ઘટનાઓની અસર સર્વત્ર થાય છે. ભારતીય બજાર ઘણી વાર અમેરિકાના વલણનું અનુકરણ કરે છે. અમેરિકાના અર્થતંત્રના આંકડાઓ ભારતીય રોકાણકારો માટે ઉત્સાહવર્ધક છે. અમેરિકામાં વ્યાજદરના વધારા બાબતે આકરું વલણ છોડી દેવાયા બાદ ભારતીય રૂપિયાના મૂલ્યમાં વધારો થઈ શકે છે. આગામી મહિનાઓમાં ડૉલર નબળો પડ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો વધુ નાણાં ભારતીય માર્કેટમાં ઠાલવશે એવી શક્યતા ઊંચી છે.

અમેરિકામાં વ્યાજદર બાબતે કૂણું વલણ અપનાવાયાની ઘટના અગાઉ પણ બની ચૂકી છે. ૧૯૯૦-૯૧માં અમેરિકામાં ફુગાવાનો દર પાંચ ટકા કરતાં વધારે થઈ ગયો હતો, પછી એમાં ઘટાડો થયો, છતાં ફેડરલ રિઝર્વે રાખેલા બે ટકાના અંદાજ કરતાં વધારે હતો. ફેબ્રુઆરી ૧૯૯૪ અને ફેબ્રુઆરી ૧૯૯૫ની વચ્ચે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં એકંદરે ૨.૭૫ ટકાનો વધારો કર્યો. આમ છતાં અમેરિકાનું અર્થતંત્ર મંદીમાં સરકી ગયું નહીં. ત્યાર બાદના સમયમાં અમેરિકન અર્થતંત્ર ઘણું પ્રગતિ કરી શક્યું, જે ૨૦૦૦ના દાયકા સુધી ચાલ્યું. ઘણા વિશ્લેષકોનું કહેવું છે કે અત્યારે વ્યાજદર બાબતે અપનાવાયેલા વલણના અંતે પણ ૧૯૯૦ના દાયકા જેવી સ્થિતિ સર્જાશે અને અમેરિકન અર્થતંત્ર સુધરતું જશે. 

અત્યારે મંદીની વાતો ભલે થતી હોય, અમેરિકન આંકડા જુદી સ્થિતિ દર્શાવે છે. જો ત્યાં અમુક હદ સુધી મંદી આવશે તો પણ ભારતીય અર્થતંત્ર પર એની અસર વધારે નહીં હોય. ફક્ત આઇટી ક્ષેત્ર પર વધારે અસર થશે, કારણ કે આ ક્ષેત્રની આવક મોટા પ્રમાણમાં અમેરિકા અને યુરોપમાંથી આવે છે. અમેરિકન કંપનીઓએ આઇટીમાં રોકાણ ઘટાડ્યું એની અસર અત્યાર સુધીમાં શૅરબજારમાં ધ્યાનમાં લેવાઈ ગઈ છે. 

છેલ્લે, ઉક્ત ચર્ચાના આધારે એટલું કહેવાનું કે ભારતીય રોકાણકારોએ શિસ્તબદ્ધ રીતે અને લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું. પોર્ટફોલિયો સ્થિર રહે એ માટે ઍસેટ અલોકેશન કરવું જરૂરી છે. જરૂર પડ્યે ફાઇનૅન્શિયલ પ્લાનરની મદદ લેવી.

business news inflation