ઑટો ક્ષેત્રની મંદી વ્યાપક બની : ૩૦૦ ડીલર્સે બિઝનેસ બંધ કર્યો

04 June, 2019 10:17 AM IST  |  મુંબઈ

ઑટો ક્ષેત્રની મંદી વ્યાપક બની : ૩૦૦ ડીલર્સે બિઝનેસ બંધ કર્યો

એક તરફ નવી ગાડીઓ બજારમાં આવી રહી છે અને બીજી તરફ વાહનોનું વેચાણ ઘટી રહ્યું છે અને એની અસર સીધી કંપનીઓના ડીલર નેટવર્ક પર પડી રહી છે. દેશભરમાં લગભગ ૩૦૦થી વધુ ડીલર્સે પોતાનો બિઝનેસ બંધ કરી દીધો હોવાનું ઉદ્યોગ વતુર્‍ળમાંથી જાણવા મળી રહ્યું છે. આ સ્થિતિમાં બેરોજગારી વધી શકે છે અને લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

ડીલર નેટવર્ક ઘટવા માટેનાં વિવિધ કારણો છે. પહેલું કારણ છે કે કંપનીઓ દ્વારા એક જ શહેરમાં બહુ ઝડપથી નવા ડીલરની નિમણૂક કરવામાં આવી રહી છે. બજારનું કદ એક જ છે અને નવા ડીલર આવતાં સ્પર્ધા વધી રહી છે. બીજી તરફ એકદમ પાંખા નફાના માર્જિન પર નભતા આ ડીલર એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા હોવાથી માર્જિન વધારે ઘટી રહ્યા છે. વિશ્વમાં ઑટો ડીલર્સના માર્જિન ૮થી ૧૨ ટકાના હોય છે, પણ ભારતમાં વૉલ્યુમ (વાહનોના વેચાણની સંખ્યા) વધારે હતી અને નાની ગાડીઓનું વેચાણ વધારે હોવાથી ૨.૫થી ૫ ટકાના માર્જિન સાથે ડીલર્સ કામકાજ કરી રહ્યા હતા એમ ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન (ફાડા) જણાવે છે.

સતત ત્રણ મહિનાથી વિવિધ પ્રકારનાં વાહનોનું વેચાણ ઘટી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે ત્યારે સામાન્ય રીતે સ્થિર રહેતાં ટૂ-વ્હીલરનું વેચાણ પણ ઘટી રહ્યું છે. કમર્શિયલ વેહિકલના વેચાણમાં ઘટાડો દર્શાવે છે કે દેશની આર્થિક સ્થિતિ નબળી પડી રહી છે. કમર્શિયલ વેહિકલનો ઉપયોગ માલસામાનના પરિવહન માટે થતો હોય છે અને એમાં ઘટાડો વધારે ચિંતાજનક બની શકે છે.

મે મહિનામાં ઘટાડો વધારે તીવ્ર બન્યો છે. દેશની પૅસેન્જર કાર બજારમાં સૌથી મોટો હિસ્સો ધરાવતી મારુતિ સુઝુકીના મે મહિનાના વેચાણમાં ૨૨ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ છેલ્લાં આઠ વર્ષમાં સૌથી મોટો માસિક ઘટાડો છે. ટ્રૅક્ટર ક્ષેત્રે વિશ્વની ટોચની કંપની મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રનું વેચાણ ૧૭ ટકા ઘટ્યું છે. હ્યુન્ડાઈની ગાડીઓનું વેચાણ ૫.૬ ટકા ઘટ્યુંં છે. તાતા મોટર્સનું કારનું વેચાણ ૩૮ ટકા અને કમર્શિયલ વેહિકલનું વેચાણ ૨૦ ટકા ઘટ્યું છે. અશોક લેલૅન્ડનું વેચાણ છ ટકા ઘટ્યું છે.

આ સમયમાં જ્યારે દેશમાં નાણાપ્રવાહિતા ઘટી છે, લોકોની ખરીદી ઘટી રહી છે ત્યારે ડીલર પાસે માલનો ભરવો થઈ રહ્યો છે. એપ્રિલ ૨૦૧૯ના ફાડાના સર્વે અનુસાર પૅસેન્જર કારમાં ૪૫ દિવસ, ટૂ-વ્હીલર અને કમર્શિયલ વેહિકલ સેગમેન્ટમાં ૫૦ દિવસ સુધી ચાલે એટલાં વાહનો ડીલર પાસે પડ્યાં છે. ડીલર દ્વારા માલની ખરીદી થઈ ગઈ છે પણ એનું વેચાણ થતું નથી. ગ્રાહકો ગાડીઓ કે વાહનો ખરીદી રહ્યાં નથી, ડીલર પાસે માલ પડ્યો છે અને એમાં નાણાપ્રવાહિતા ઘટી હોવાથી સ્થિતિ વણસી છે.

આ પણ વાંચોઃ બૅન્કો સાથે ૨૦૧૮-’૧૯માં ૭૧,૫૦૦ કરોડની છેતરપિંડી થઈ

વાહનોના વેચાણ ઘટવાના કારણે મહરાષ્ટ્ર અને બિહારમાં સૌથી મોટા પાયે ડીલર્સ બિઝનેસ બંધ કરી રહ્યા છે. મહરાષ્ટ્રમાં ૫૬ અને બિહારમાં ૨૬ લોકોએ ધંધો બંધ કર્યો છે. એકલા મુંબઈમાં ૨૬ ઑટો શો-રૂમ બંધ થયા છે, જ્યારે પુણેમાં આ સંખ્યા ૨૧ની છે. આટલી મોટી માત્રામાં ડીલર્સ બંધ થઈ રહ્યા છે એવું ક્યારેય બન્યું નથી અથવા તો આટલી ખરાબ પરિસ્થિતિ અમે ઘણા લાંબા સમય પછી જોઈ રહ્યા છીએ એમ ફાડાના સીઈઓ સહર્ષ દામાણીએ જણાવ્યું હતું.

automobiles business news