વાંચો બિઝનેસ ન્યુઝ શૉર્ટમાં, જાણો માર્કેટના શું હાલ

16 April, 2021 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફંડ ટ્રાન્સફર માટેની રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરજીટીએસ) સેવા રવિવાર, ૧૮ એપ્રિલે ૧૪ કલાક માટે ઉપલબ્ધ રહેશે નહીં, એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

વિપ્રોનો ૨,૯૭૨ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો

આઇટી ક્ષેત્રની અગ્રણી વિપ્રો કંપનીએ ગુરુવારે જાહેર કરેલા ત્રિમાસિક પરિણામ મુજબ તેને માર્ચ ૨૦૨૧માં પૂરા થયેલા ગાળામાં ૨,૯૭૨ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે, જે પાછલા વર્ષના ૨,૩૨૬ કરોડ રૂપિયાની તુલનાએ ૨૮ ટકા વધારે છે. ત્રિમાસિક ધોરણે આ વધારે ૦.૧૪ ટકા છે. કંપનીની કામકાજી આવક વર્ષાનુવર્ષ ધોરણે ૩.૪ ટકા અને ત્રિમાસિક ધોરણે ૩.૬૭ ટકા વધીને ૧૬,૨૪૫ કરોડ રૂપિયા
થઈ છે. 

ગયા મહિને નિકાસમાં  થઈ ૬૦ ટકા વૃદ્ધિ

ભારતમાંથી થતી નિકાસ ગયા માર્ચ મહિનામાં ૬૦.૨૯ ટકાની વૃદ્ધિ સાથે ૩૪.૪૫ અબજ ડૉલરના સ્તરે પહોંચી હતી. જોકે આખા વર્ષની નિકાસમાં ૭.૨૬ ટકાનો ઘટાડો થતાં આંકડો ૨૯૦.૬૩ અબજ થયો છે. એની સાથોસાથ માર્ચમાં થયેલી આયાતમાં ૫૩.૭૪ ટકાનો વધારો થતાં આંકડો ૪૮.૩૮ અબજ ડૉલર થયો હતો. સમગ્ર વર્ષની આયાત ૧૮ ટકા ઘટીને ૩૮૯.૧૮ અબજ ડૉલરના સ્તરે પહોંચી હતી. માર્ચની વેપારખાધ ૧૩.૯૩ અબજ ડૉલર થઈ છે. 

બૅન્ક ઑફ બરોડાની હોમ લોન ૬.૭૫ ટકાના દરે મળશે

બૅન્ક ઑફ બરોડાએ ધિરાણના દરમાં સોમવાર ૧૫ માર્ચથી ૧૦ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો છે. આમ, હવે રેપો રેટ આધારિત ધિરાણનો દર ૬.૮૫ ટકાથી ઘટીને ૬.૭૫ ટકા થઈ ગયો છે. કરજ લેનારાઓને હવે હોમ લોન ૬.૭૫ ટકા અને કાર લોન ૭ ટકાના દરે મળી શકશે. શૈક્ષણિક લોનનો વ્યાજદર ઘટાડીને ૬.૭૫ ટકા કરવામાં આવ્યો હોવાનું બૅન્કે નિવેદનમાં જણાવ્યું છે. 

બૅન્કના મૉર્ગેજિસ અને અન્ય રીટેલ ઍસેટ્સના જનરલ મૅનેજર હર્ષદકુમાર સોલંકીએ જણાવ્યા મુજબ ડિજિટલ માધ્યમના ઉપયોગથી ગ્રાહકો ઝડપથી તથા સહેલાઈથી અને સૌથી વધુ માફક દરે લોન લઈ શકે છે. 

ઍમેઝૉને નાના-મધ્યમ બિઝનેસ માટે જાહેર કર્યું ૨૫૦ મિલ્યન ડૉલરનું ભંડોળ

ઈ-કૉમર્સ ક્ષેત્રની અગ્રણી કંપની ઍમેઝૉને ભારતમાં નાના અને મધ્યમ બિઝનેસના ડિજિટાઇઝેશન માટે તથા કૃષિ અને આરોગ્ય ક્ષેત્રે ટેક્નૉલૉજીનો ઉપયોગ વધારવા માટે ૨૫૦ મિલ્યન ડૉલર (આશરે ૧૮૭૩ કરોડ રૂપિયા)નું ભંડોળ જાહેર કર્યું છે. 

ઍમેઝૉન વેબ સર્વિસિસના સીઈઓ ઍન્ડ્રુ જેસીએ જણાવ્યા મુજબ આ ભંડોળને ઍમેઝૉન સંભવ વેન્ચર ફન્ડ નામ આપવામાં આવ્યું છે. 
હાલમાં જ કંપનીએ જાહેર કર્યું હતું કે નવા અઢી લાખ કરતાં વધુ વેચાણકર્તાઓ તેની સાથે સંકળાયા છે. 

ક્લિયરટ્રિપને હસ્તગત કરશે ફ્લિપકાર્ટ

વૉલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટે ગુરુવારે કહ્યું હતું કે તે ઑનલાઇન ટ્રાવેલ ટેક્નૉલૉજી કંપની ક્લિયરટ્રિપને હસ્તગત કરશે. ફ્લિપકાર્ટ ક્લિયરટ્રિપના શૅરહોલ્ડિંગનો ૧૦૦ ટકા હિસ્સો પ્રાપ્ત કરશે. કરારની શરતો હેઠળ, ક્લિયરટ્રિપનું કામકાજ ફ્લિપકાર્ટ દ્વારા હસ્તગત કરવામાં આવશે અને ક્લિયરટ્રિપ એક અલગ બ્રૅન્ડ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

ક્લિયરટ્રિપને હસ્તગત કરવાનો આ નિર્ણય ઘણા નિષ્ણાતો માટે અત્યારની માર્કેટમાં આશ્ચર્યજનક કરનારો છે. એમ છતાં ઘણાં આને યોગ્ય માને છે.
 
ક્લિયરટ્રિપના તમામ કર્મચારીઓને છૂટા કરવામાં નહીં આવે એમ પણ જણાવાયું છે. જોકે કંપનીએ આ સોદાની કિંમત જાહેર કરી નથી.

રાજેશ્વરી કેન્સ બીએસઈ એસએમઈ પ્લૅટફૉર્મ  પર લિસ્ટ થયેલી ૩૩૬મી કંપની બની

રાજેશ્વરી કેન્સ લિમિટેડ બીએસઈ એસએમઈ પ્લૅટફૉર્મ પર લિસ્ટ થયેલી ૩૩૬મી કંપની બની છે. કંપનીએ ૧૦ રૂપિયાની મૂળ કિંમતના ૨૦.૧૬ લાખ ઇક્વિટી શૅર્સ ૨૦ રૂપિયાના ભાવે ઓફર કરી ૪.૦૩ કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઇશ્યુ ૬ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

રવિવારે આરટીજીએસ સુવિધા ૧૪ કલાક માટે બંધ

ફંડ ટ્રાન્સફર માટેની રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરજીટીએસ) સેવા રવિવાર, ૧૮ એપ્રિલે ૧૪ કલાક માટે ઉપલબ્ધ રહેશે નહીં, એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું છે. ૨૦૨૧ની ૧૭ એપ્રિલે કામકાજનો સમયગાળો પૂરો થયા પછી આરબીઆઇની આરટીજીએસ સુવિધામાં તક્નિકી અપગ્રેડ થવાનું હોવાથી આ સેવા ૧૮ એપ્રિલ રવિવારે ૦૦:૦૦ વાગ્યાથી ૧૪.૦૦ વાગ્યા સુધી ઉપલબ્ધ થશે નહીં. 

આ સમયગાળા દરમિયાન એનઈએફટી સિસ્ટમ રાબેતા મુજબ ચાલુ રહેશે, એવું રિઝર્વ બૅન્કે ટ્વીટ દ્વારા જણાવ્યું છે. 

business news