દેશના કરોડો નાગરિકોને RBIની આ દિવાળી ગીફ્ટ...

28 October, 2020 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશના કરોડો નાગરિકોને RBIની આ દિવાળી ગીફ્ટ...

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ આ વખતની દિવાળીમાં નાગરિકોને એક ભેટ આપી છે. કેન્દ્રિય બૅન્કે બૅન્કો, નોન બેકિંગ ફાઇનાન્સ કંપનીઓ સહિતની તમામ ધિરાણ સંસ્થાઓને પાંચ નવેમ્બર સુધીમાં રૂ.2 કરોડ સુધીની લોન પર તાજેતરમાં જાહેર કરવામાં આવેલી વ્યાજ માફીની યોજનાનો અમલ કરવાનો આદેશ આપ્યો છે. આ યોજના હેઠળ માર્ચ, ૨૦૨૦થી ઓગસ્ટ, ૨૦૨૦ સુધી એટલે કે છ મહિના માટે વ્યાજનું વ્યાજ (ચક્રવૃદ્ધિ વ્યાજ) માફ કરવામાં આવશે.

સરકારે ૨૩ ઓગસ્ટના રોજ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજ વચ્ચેના તફાવતની રકમની ચુકવણી કરવાની જાહેરાત કરી હતી. સરકારે તમામ બેંકોને પાંચ નવેમ્બર સુધીમાં ચક્રવૃદ્ધિ વ્યાજ અને સામાન્ય વ્યાજ વચ્ચેની તફાવતની રકમ પાંચ નવેમ્બર સુધીમાં ગ્રાહકોના લોન ખાતામાં જમા કરાવવવાનો આદેશ આપ્યો હતો. આ સ્કીમ હેઠળ હાઉસિંગ લોન, એજયુકેશન લોન, ક્રેડિટ કાર્ડની બાકી રકમ, ઓટો લોન, એમએસએમઇ લોન, કન્ઝ્યુમર ડયુરેબલ લોન અને કન્ઝમ્પશન લોનને આવરી લેવામાં આવી છે. આરબીઆઇએ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ધિરાણ કરતી તમામ સંસ્થાઓને સ્કીમની જોગવાઇઓનો નિર્ધારત સમયમર્યાદામાં અમલ કરવાનો આદેશ આપવામાં આવે છે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આરબીઆઇએ બૅન્કો સહિતની તમામ ધિરાણ સંસ્થાઓમને વ્યાજ પરનું વ્યાજ માફ કરવાની સ્કીમનો લાભ ગ્રાહકોને પાંચ નવેમ્બર સુધીમાં આપી દેવાની સૂચના આપી છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે સરકારે ૨૩ ઓક્ટોબરે આ સંદર્ભમાં જરૃરી દિશાનિર્દેશ જારી કર્યા હતાં. કેન્દ્રની સરકારની આ સ્કીમનો લાભ મોરેટોરિયમનો લાભ ન લેનારાઓને મળશે એટલે કે જે લોનધારકોએ માર્ચ, ૨૦૨૦થી ઓગસ્ટ, ૨૦૨૦ દરમિયાન સમયસર હપ્તા ભર્યા છે તેમને પણ આ સ્કીમનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આરબીઆઇએ લોનધારકોને છ મહિના માટે લોનના હપ્તા ન ભરવાની રાહત આપી હતી.

business news reserve bank of india