નવી ક્રેડિટ પૉલિસી જાહેર : વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં

06 February, 2021 01:16 PM IST  |  Mumbai

નવી ક્રેડિટ પૉલિસી જાહેર : વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં

આરબીઆઈ

રિઝર્વ બૅન્કે નીતિવિષયક વ્યાજદર યથાવત્ રાખીને દેશનો વૃદ્ધિદર સતત વધતો રહે એવી નાણાં નીતિ અપનાવવાનું જાહેર કર્યું છે.

કેન્દ્રીય બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે મોનેટરી પોલિસી કમિટીએ કરેલી નાણાં નીતિની સમીક્ષા બાદ શુક્રવારે જાહેર કર્યું હતું કે બોન્ડ માર્કેટમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહિતા જળવાઈ રહે એ દૃષ્ટિએ સહાયક નાણાં નીતિ રાખવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે રિઝર્વ બૅન્ક રિટેલ ગ્રાહકોને સરકારી બોન્ડની માર્કેટમાં પ્રત્યક્ષપણે સહભાગી થવાની તક આપવા માગે છે.

રિટેલ રોકાણકારોને બોન્ડ માર્કેટમાં સીધા સહભાગી કરવાનો નિર્ણય મોટો માળખાકીય સુધારો હોવાનું શક્તિકાંત દાસે કહ્યું હતું.

રિઝર્વ બૅન્કે રેપો રેટને ૪ ટકા અને રિવર્સ રેટને ૩.૩૫ ટકાએ યથાવત્ રાખ્યો છે. બજેટ બાદ આરબીઆઇએ પણ લોકોને નિરાશ કર્યા છે. રિઝર્વ બૅન્ક દર બે મહિને દરને બદલવા અથવા બદલવા વિશે બેઠક કરે છે. એમાં તેમની ૬ વ્યક્તિની ટીમ હોય છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ૨૦૨૧-’૨૨ માટે જીડીપીમાં ૧૦.૫ ટકાના ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું છે. એમપીસીની બેઠક બુધવારે ૩ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.

જાણકારોને પહેલાં આશા હતી કે આરબીઆઇ રેપો રેટમાં કાપ મૂકવાથી બચશે. રેપો રેટનો અર્થ આરબીઆઇ દ્વારા બૅન્કોને આપવામાં આવતી લોન પરનો વ્યાજદર છે. ખાસ વાત એ છે કે ૧ ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ ૨૦૨૧-’૨૨ બાદ આરબીઆઇની આ પ્રથમ બેઠક છે. રિઝર્વ બૅન્કે ગયા વર્ષના ફેબ્રુઆરીથી અત્યાર સુધીના રેપો રેટમાં કુલ ૧૧૫ બેઝ પૉઇન્ટનો ઘટાડો કર્યો છે.

આરબીઆઇએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા નથી. એટલે કે રેપો રેટ ૪ ટકા અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે.

શક્તિકાંત દાસે કહ્યું કે હવે સામાન્ય રોકાણકારોને પણ રિઝર્વ બૅન્કમાં ગિલ્ટ અકાઉન્ટ ખોલવાની સુવિધા આપવામાં આવશે. નાના રોકાણકારો હવે પ્રા‍ઇમરી ઍન્ડ સેકન્ડરી ગવર્નમેન્ટ બૉન્ડમાં રોકાણ કરી શકશે.

રિઝર્વ બૅન્કે કહ્યું કે કૅશ રિઝર્વ રેશિયોમાં અત્યારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ આગામી બે પેજમાં વધારીને ૪ ટકા કરવામાં આવશે. માર્ચ ૨૭ સુધી એ ૩.૫ ટકા અને ૨૨ મે સુધી ૪ ટકા થશે. શક્તિકાંત દાસે કહ્યું કે સહકારી બૅન્કોને મજબૂત બનાવવા માટે એક્સપર્ટ કમિટી બનાવવામાં આવશે, જે સૂચનો આપશે કે આ સેક્ટરને કેવી રીતે મજબૂત કરી શકાય અને એ માટે શું કાયદાકીય ફેરફાર જરૂરી છે.

reserve bank of india business news