રાકેશ ઝુનઝુનવાલા પણ સ્ટાર હેલ્થની હેલ્થ સાચવી ન શક્યા

03 December, 2021 10:13 AM IST  |  Mumbai | Anil Patel

રૂપિયા ૭૨૪૯ કરોડનો ઇશ્યુ છેલ્લા દિવસે કુલ મળીને માત્ર ૭૯ ટકા ભરાયો છતાં એને ટેક્નિકલ કારણસર ‘ફુલ્લી સબસ્ક્રાઇબ્ડ’ બનાવી દેવાયો હતો

રાકેશ ઝુનઝુનવાલા (ફાઈલ તસવીર)

સ્ટાર હેલ્થના ૭૨૪૯ કરોડના મેગા ઇશ્યુમાં બિગ બુલની પાઘડી પહેરીને ફરતા રાકેશ ઝુનઝુનવાલાનું પીઠબળ નાકામ નીવડ્યું છે. ઇશ્યુ છેલ્લા દિવસે કુલ મળીને માત્ર ૭૯ ટકા જ ભરાયો છે. ભરણું રીટેલમાં ૧૧૦ ટકા અને QIB પોર્શનમાં ૧૦૩ ગણું ભરાયું, પણ હાઈ નેટવર્થ પોર્શન ફક્ત ૧૯ ટકા જ ભરાતાં હાથી પૂંછડીએ સલવાયો છે. મજાની વાત એ છે કે કંપનીના કર્મચારીઓ માટે શૅરદીઠ ૮૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ હતું તો પણ એમ્પ્લૉઈઝ ક્વૉટા હેઠળ ૧૦ ટકા જ ભરાયો છે! લાગે છે કે કંપની તેના કર્મચારીઓને રોકાણ માટે બચત કરી શકાય એટલું વેતન આપતી નથી. અગર તો પછી ખુદ કર્મચારીઓને કંપનીના ઉજ્જ્વળ ભવિષ્ય વિશે કે પછી શૅરદીઠ ૯૦૦ના ભાવના વાજબીપણા વિશે ભારે શંકા છે.
૭૯ ટકાના કુલ રિસ્પૉન્સને જોતાં સ્ટાર હેલ્થનો આઇપીઓ ખરેખર તો ફ્લૉપ કે ફેલ થયેલો ગણાવી શકાય, પરંતુ ક્યુઆઇબીમાં ભરણું ૧.૦૩ ગણું ભરાયું છે અને ટોટલ રિસ્પૉન્સ ૭૫ ટકાથી વધુ છે એટલે લીડ મૅનેજર્સ કે ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર્સ ઇશ્યુને પાર ઊતરી ગયેલો જાહેર કરી શકે છે અને આ માટે ઑફર ફૉર સેલની સાઇઝ જે ૫૨૪૯ કરોડ રૂપિયાની હતી એમાં ઘટતો ઘટાડો કરાશે. ભરણું ફુલ્લી સબસ્ક્રાઇબ્ડ બનાવી દેવાશે. વર્ષ ૨૦૧૮માં આઇસીઆઇસીઆઇ-સિક્યોરિટીના ઇશ્યુમાં પણ આ પ્રકારનો ‘ટેક્નિકલ’ છટકબારીનો સહારો લેવાયો હતો.

business news