દેશમાં ચણાની એમએસપીથી ખરીદી નિરસ

13 April, 2021 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી ૭૬,૦૦૦ ટનની ખરીદી થઈ, મહારાષ્ટ્ર-ગુજરાત સિવાયનાં રાજ્યોમાંથી ઓછી ખરીદી

ચણા

દેશમાં મુખ્ય રવી પાક એવા ચણાની એમએસપીથી ખરીદીમાં આ વર્ષે નિરસતા જોવા મળી રહી છે. કોરોનાના કેસમાં સતત વધારો અને સરકાર દ્વારા ખેડૂતો પાસેથી અપૂરતી ખરીદી થઈ રહી હોવાથી આ વર્ષે ચણાની ખરીદી ખૂબ જ ઓછી થઈ રહી છે. દેશમાં ખરીદીને એક મહિનાનો સમય વીતવા આવ્યો હોવા છતાં હજી સુધી માત્ર ૧.૮૦ લાખ ટનની જ ખરીદી કરવામાં આવી છે.

નાફેડના સત્તાવાર આંકડાઓ પ્રમાણે દેશમાં ૭ એપ્રિલ સુધીમાં ચણાની સૌથી વધુ ખરીદી મહારાષ્ટ્રમાંથી ૭૬,૦૦૦ ટન થઈ છે જ્યારે બીજા નંબરે ગુજરાતમાંથી ૬૫,૦૦૦ ટનની થઈ છે. એ સિવાયનાં તમામ રાજ્યોમાં ખરીદી ૧૫,૦૦૦ ટનની અંદર જ છે, જેને પગલે કુલ ખરીદીનો આંકડો બે લાખ ટને પણ પહોંચ્યો નથી. સરકારે સમગ્ર દેશમાંથી આ વર્ષે ૨૦ લાખ ટન ઉપર ટેકાના ભાવથી ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

નાફેડે ગુજરાત-મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્ર પ્રદેશમાંથી ૪૦૫૩ ટન, તેલંગણામાંથી ૧૧,૫૨૦ ટન, કર્ણાટકમાંથી ૧૪,૯૧૬ ટન, મધ્ય પ્રદેશમાંથી ૫૭૩૦ ટન અને રાજસ્થાનમાંથી ૧૯૭૪ ટનની જ ખરીદી કરી છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી ચણાની ખરીદી મોડી શરૂ થઈ છે અને હવે કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી અનેક શહેરમાં આંશિક લૉકડાઉન આવી ગયું છે, જેની અસર પણ ચણાની ખરીદી ઉપર જોવા મળી રહી છે.

business news