દેશમાં કઠોળની આયાત ગયા વર્ષમાં ૯.૪૪ ટકા વધી

21 June, 2022 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમગ્ર વર્ષ દરમ્યાન કુલ ૨૬.૯૯ લાખ ટનની આયાત થઈ

પ્રતીકાત્મક તસવીર

દેશમાંથી નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ દરમ્યાન કઠોળની આયાત ૯.૪૪ ટકા વધીને ૨૬.૯૯ લાખ ટન થઈ છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં ૨૪.૬૬ લાખ ટન હતી. આ વર્ષ દરમ્યાન તુવેર અને અડદની આયાત લગભગ બમણી થઈ ગઈ છે, જ્યારે મસૂરની આયાતમાં ઘટાડો થયો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ દરમ્યાન તુવેરની આયાત વધીને ૮.૪૦ લાખ ટન અને અડદની આયાત વધીને ૬.૧ લાખ ટન થઈ છે, જ્યારે એના અગાઉના નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧ દરમ્યાન આયાત અનુક્રમે ૪.૪૨ લાખ ટન અને માત્ર ૩.૪૪ લાખ ટન હતી.

નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ દરમ્યાન મસૂરની આયાત ઘટીને માત્ર ૬.૬૭ લાખ ટન રહી છે, જે એના પાછલા નાણાકીય વર્ષમાં ૧૧.૧૬ લાખ ટન હતી. નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ દરમ્યાન મગની આયાત ૧.૯૫ લાખ ટન, ચણા ૧.૪૦ લાખ ટન અને કાબુલી ચણાની ૬૧,૦૦૦ ટન હતી, જ્યારે અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન આયાત અનુક્રમે ૮૧,૦૦૦ ટન, ૧.૪૦ લાખ ટન અને ૧.૫૩ લાખ ટન હતી.

દેશમાં કઠોળના ઊંચા ભાવને પગલે વીતેલા વર્ષમાં આયાત વેપારો વધ્યા હતા અને ઉત્પાદનને પણ છેલ્લાં બે વર્ષ દરમ્યાન સરેરાશ અસર જોવા મળી છે.

business news