સપ્તાહમાં આઠ ટકાની વૃદ્ધિ પછી સોનાના વૈશ્વિક ભાવમાં હવે પ્રૉફિટ-બુકિંગ

28 March, 2020 11:05 AM IST  |  Mumbai | Bullion Watch

સપ્તાહમાં આઠ ટકાની વૃદ્ધિ પછી સોનાના વૈશ્વિક ભાવમાં હવે પ્રૉફિટ-બુકિંગ

ગોલ્ડ

વૈશ્વિક બજારમાં શુક્રવારે પ્રૉફિટ-બુકિંગનો માહોલ જોવા મળી રહ્યો છે અને એની અસરમાં સોનું પણ બે સપ્તાહની ઉપરની સપાટીથી નીચે ગબડી પડ્યું છે. અમેરિકામાં ૨.૨ લાખ કરોડ રૂપિયાનું પૅકેજ મંજૂર થઈ ગયું છે; પણ સામે જે રીતે બેરોજગારી વધી રહી છે, કોરોના વાઇરસનો વ્યાપ અમેરિકા અને ફરી ચીનમાં વધી રહ્યો છે એને કારણે સંભવિત અનિશ્ચિતતાને લીધે ટ્રેડર્સ નફો બાંધી રહ્યા છે. જોકે સાપ્તાહિક રીતે સોનાના ભાવમાં ૮ ટકા વધારો જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક બજારમાં સોનાનો જૂન વાયદો ૦.૮૦ ટકા કે ૧૩.૩૦ ડૉલર ઘટી ૧૬૪૭ અને હાજરમાં ૦.૮૩ ટકા કે ૧૩.૬૨ ટકા ઘટી ૧૬૧૭.૭૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી મે વાયદો ૧.૧૭ ટકા કે ૧૭ સેન્ટ ઘટી ૧૪.૫૧ ડૉલર અને હાજરમાં ૦.૬૮ ટકા કે ૧૦ સેન્ટ ઘટી ૧૪.૩૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ (ટૅક્સ સિવાય)માં શુક્રવારે વધારો જોવા મળ્યો હતો. સોનું આજે ૩૯૨ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો વધ્યા હતા. લૉકડાઉનને કારણે હાજર બજાર બંધ છે, પણ ખાનગીમાં આજે અમદાવાદમાં સોનાનો ભાવ ૪૫,૩૩૮ અને ચાંદીનો ૪૨,૪૩૧ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.

એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૨,૮૦૦ ખૂલી, ઉપરમાં ૪૩,૭૬૦ અને નીચામાં ૪૨,૮૦૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૬ ઘટીને ૪૩,૫૧૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૯૪ વધીને ૮ ગ્રામદીઠ ૩૫,૩૬૭ અને ગોલ્ડ-પેટલ માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૧૯૬ રૂપિય થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૧૪ ઘટીને બંધમાં ૪૩,૫૧૭ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૧,૩૪૬ ખૂલી, ઉપરમાં ૪૧,૫૯૨ અને નીચામાં ૪૦,૯૩૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૫ ઘટીને ૪૧,૨૪૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ ૭૮ ઘટીને ૪૧,૨૭૯ અને ચાંદી-માઇક્રો એપ્રિલ ૧૦૭ ઘટીને ૪૧,૫૭૬ રૂપિયા બંધ રહ્યા હતા.

business news