અમેરિકન જૉબ અને હાઉસિંગ ડેટા સુધરતાં...

23 January, 2021 09:55 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકન જૉબ અને હાઉસિંગ ડેટા સુધરતાં...

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના જૉબ અને હાઉસિંગ ડેટા સુધરતાં ડૉલર સુધર્યો હતો જેને પગલે સોના-ચાંદીમાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળતાં વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી ઘટ્યાં હતાં એને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૧૭થી ૫૧૯ રૂપિયા ઘટ્યું હતું તેમ જ ચાંદી પ્રતિ કિલો ૧૩૬૮ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહો

ઈસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ની પૉલિસી મીટિંગમાં બૉન્ડ બાઇંગ પ્રોગ્રામ વધવાની સાથે મૉનિટરી પૉલિસી વધુ હળવી થવાની ધારણા હતી, પણ ઈસીબીના ચૅરમૅન ક્રિસ્ટીને લગાર્ડેએ કોઈ ફેરફાર ન કરતાં માર્કેટમાં નિરાશા ફેલાઈ હતી જેને કારણે સોનામાં આગળ વધતી તેજીને બ્રેક લાગી હતી. વળી અમેરિકી ટેન યર ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સુધરતાં ડૉલર પણ વધ્યો હતો એની અસરે સોનામાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યું હતું છતાં સોનું ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં સાપ્તાહિક બે ટકા સુધર્યું હતું. સોનાનો સાપ્તાહિક વધારો છેલ્લાં પાંચ સપ્તાહનો સૌથી મોટો રહ્યો હતો. અમેરિકાના જૉબલેસ ક્લેમ કોરોના વાઇરસની અસરે સતત વધારો જોવા મળતો હતો.               

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

યુરો એરિયાનો કન્ઝ્‍‍યુમર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૧.૭ પૉઇન્ટ ઘટીને માઇનસ ૧૫.૫ પાઇન્ટે પહોંચ્યો હતો. આ ઇન્ડેક્સની ધારણા માઇનસ ૧૫ પૉઇન્ટ હતી. અમેરિકામાં બિલ્ડિંગ પરમિટમાં ડિસેમ્બરમાં ૪.૫ ટકાનો વધારો થઈ આ સંખ્યા ૧૫ વર્ષની ઊંચાઈએ પહોંચી હતી, પણ અમેરિકન જૉબલેસ ક્લેમ ઘટીને ૯ લાખ પર પહોંચ્યા હતા. ૯.૧૦ લાખની સંખ્યા કરતાં જૉબલેસ ક્લેમ ઓછા આવતાં અમેરિકન ગ્રોથના પ્રોસ્પેક્ટસ સુધર્યા હતા. અમેરિકાના હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સમાં ૫.૬ ટકાનો વધારો થઈ આ ઇન્ડેક્સ ૧૪ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાના ઇકૉનૉમિક ઇન્ડિકેટર સ્ટ્રૉન્ગ આવતાં ડૉલર સુધરતા સોનામાં પીછેહઠ જોવાઈ.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન પ્રેસિડન્ટ બાઇડને ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રિલીફ પૅકેજની દરખાસ્ત મૂકી છે એને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેન્ટિવે પાસ કરી દીધી છે, પણ સેનેટમાં પાસ થવાની બાકી છે. સેનેટમાં બાઇડનની ડેમોક્રૅટિક પાર્ટીને પાતળી બહુમતી હોવા‌થી જો સેનેટમાં આ દરખાસ્તને નબળો પ્રતિસાદ મળે અથવા રિલીફ પૅકેજની રકમમાં ઘટાડો કરવાનું નવું સૂચન આવશે તો સોનામાં શૉર્ટ ટર્મ ઘટાડો આવશે, પણ લૉન્ગ ટર્મ સોનામાં તેજીના ચાન્સ હજી બરકરાર છે, કારણ કે કોરોના વાઇરસનું સંક્રમણ હજી અટક્યું નથી.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૯,૧૪૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૮,૯૪૩

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૫,૭૯૨

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

મ્યાનમાર-ભારત ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક હેઠળ ફરી ૨૮ કરોડ રૂપિયાનું સોનું પકડાયું

મ્યાનમાર અને ભારત વચ્ચે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ગોલ્ડ સ્મગલિંગનું વ્યવસ્થિત નેટવર્ક કાર્યરત છે. ભારતે સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને ૧૨ ટકા કરી ત્યારથી ગોલ્ડ સ્મગલિંગના ધંધામાં તગડી કમાણી થવા લાગી છે. તાજેતરમાં દિલ્હીના રેવન્યુ ઇન્ટેલિજન્સ ગ્રુપે ઇન્ડો-મ્યાનમાર બૉર્ડર પર ૮ શખસોને પકડીને તેમની પાસેથી ૨૮ કરોડ રૂપિયાનું ૫૫.૬૧ કિલો સોનું પકડ્યું હતું. આ ૮ શખસો દિલ્હી અને લખનઉના હતા. કોરોના વાઇરસને કારણે થોડા વખત સ્મગલિંગની ઍક્ટિવિટી ધીમી પડી હતી, પણ ઑગસ્ટ ૨૦૨૦થી ફરી સ્મગલિંગ વધી રહ્યું છે. રેવન્યુ ઇન્ટેલિજન્સ ગ્રુપે ઇન્ડો-મ્યાનમાર બૉર્ડર પરથી નવેમ્બર ૨૦૨૦માં ૫૧.૩૩ કિલો તેમ જ બીજા એક કિસ્સામાં ૧૪.૬૭ કિલો સોનું પકડ્યું હતું, જ્યારે ઑગસ્ટ ૨૦૨૦માં ૮૪ કિલો સોનું પકડાયું હતું.

business news