વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં ઉપલા મથાળે ફરી પ્રૉફિટ-બુકિંગ

22 May, 2020 11:43 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં ઉપલા મથાળે ફરી પ્રૉફિટ-બુકિંગ

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે શૅરબજારની હલચલથી વિપરીત ટ્રેડિંગ સાથે જોડાયેલાં સોના અને ચાંદીના ભાવમાં કોરોના વાઇરસની માર્ચ મહિનાની નાણાકીય ઊથલપાથલ પછી એકબીજા જેમ જ જોવા મળી રહ્યા છે. શૅરબજાર વધે ત્યારે સોનું વધે છે અને શૅર ઘટે ત્યારે એમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં ત્રણ મહિનાની ઊંચી સપાટી અને સોનાના ભાવ આઠ વર્ષની ઊંચી સપાટી નજીક સરકી રહ્યા હતા ત્યાં ફરી શૅરબજાર ઘટતાં બન્ને ધાતુમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 

ગુરુવારે અમેરિકામાં બજારો ખૂલી ત્યારે સોનાનો જૂન વાયદો ૦.૭૯ ટકા કે ૧૩.૮૦ ડૉલર ઘટી ૧૭૩૮.૩ અને હાજરમાં ૦.૭૩ ટકા કે ૧૨.૭૭ ડૉલર ઘટી ૧૭૩૫.૪૧ ડૉલર પ્રતિ ઔંસ છે. સોના સામે ચાંદીના ભાવમાં છેલ્લા એક સપ્તાહથી વ્યાપક તેજી જોવા મળી રહી હતી. આજે એમાં ઘટાડો પણ વધારે તીવ્ર છે. ચાંદી જુલાઈ વાયદો ૧.૧૧ ટકા કે ૨૦ સેન્ટ ઘટી ૧૭.૮૩ ડૉલર અને હાજરમાં ૧.૭૨ ટકા કે ૩૦ સેન્ટ ઘટી ૧૭.૨૬ ડૉલર પ્રતિ ઔંસ છે.
ભારતમાં હાજર, વાયદામાં સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો
લૉકડાઉનના કારણે બજારો ધીમે-ધીમે ખૂલી રહ્યાં છે, પણ હજી બુલિયન માર્કેટમાં ગ્રાહકો ખરીદી માટે પરત નહીં આવી રહ્યા હોવાથી સોદા નામમાત્ર છે. ખાનગીમાં બુધવારે સોનું ૪૮,૬૪૮ રૂપિયા હતું જે ગઈ કાલે પ્રતિ ૧૦ ગ્રામ ૩૮૪ ઘટી ૪૮,૨૬૪ રૂપિયા અને ચાંદી આગલા બંધ ૪૯,૩૯૯ રૂપિયા સામે પ્રતિ કિલો ૪૩૪ ઘટી ૪૮,૯૬૫ રૂપિયા છે. ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના ભાવમાં સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. ટૅક્સ સિવાયના સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૭૨ ઘટી ૪૬,૮૮૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૮૨૦ ઘટી ૪૭,૩૦૦ રૂપિયા બંધ રહી હતી.
એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૭,૦૫૦ ખૂલી, ઉપરમાં ૪૭,૦૫૦ અને નીચામાં ૪૬,૬૦૧ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૪૨૭ ઘટીને ૪૬,૭૦૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૨૭ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૭,૯૮૬ રૂપિયા અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૪૪ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૭૫૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦૩ ઘટીને બંધમાં ૪૬,૭૨૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૮,૨૦૨ ખૂલી, ઉપરમાં ૪૮,૪૪૯ અને નીચામાં ૪૭,૮૩૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૦૨૭ ઘટીને ૪૮,૦૩૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૧૦૧૮ ઘટીને ૪૮,૩૯૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૯૯૦ ઘટીને ૪૮,૫૦૦ રૂપિયા બંધ રહ્યા હતા.
વૈશ્વિક ડૉલર મક્કમ, ભારતીય રૂપિયો નવા વિદેશી રોકાણની આશાએ વધ્યો
વૈશ્વિક બજારમાં ડૉલરમાં ફરી મક્કમતા જોવા મળી રહી છે. ચાર સત્રના સતત ઘટાડા, બુધવારે ૯૯.૦૦૫ની નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે ડૉલર ઇન્ડેક્સ વધ્યો હતો. અમેરિકન ડૉલરના મૂલ્યની વિશ્વની છ અગ્રણી કરન્સી સામેનું મૂલ્ય ડૉલર ઇન્ડેક્સ દ્વારા આંકવામાં આવે છે. આજે ડૉલર ઇન્ડેક્સ ૦.૧૧ ટકા વધી ૯૯.૨૪૩ની સપાટી પર અત્યારે ચાલી રહ્યો છે.
દરમિયાન, ભારતમાં ડૉલર સામે રૂપિયો દેશની વધી રહેલી આર્થિક સ્થિરતાની આશાઓ સાથે વધ્યો હતો. આ મહિનામાં વિદેશી સંસ્થાઓએ ભારતમાં ૧.૦૬ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે એવું સેબીના આંકડા જણાવે છે. જોકે આ આંકડામાં હિન્દુસ્તાન યુનિલીવરમાં ગ્લેક્સોએ વેચેલા જંગી આંકડાઓ પણ આવી જાય છે. અન્યથા છેલ્લાં આઠ સત્રથી સતત વિદેશી સંસ્થાઓ ભારતીય બજારમાં વેચાણ કરી રહી છે.
બુધવારે ૭૫.૮૦ બંધ રહેલો રૂપિયો આજે ૭૫.૭૦ની સપાટીએ મક્કમ ખુલ્યો હતો અને વધીને ૭૫.૬૧ અને ઘટીને ૭૫.૮૨ થયા બાદ દિવસના અંતે ૧૯ પૈસા ઘટી ૭૫.૬૧ બંધ રહ્યો હતો. એવું લાગી રહ્યું છે કે ત્રણ દિવસથી શૅરબજારમાં જોવા મળેલી ત્રણ ટકાની વૃદ્ધિના કારણે રૂપિયો વધ્યો હતો.

business news