વરસાદને કારણે ભારતમાં ખાંડનું ઉત્પાદન ત્રણ વર્ષમાં સૌથી નીચું રહી શકે

07 November, 2019 11:18 AM IST  |  Mumbai

વરસાદને કારણે ભારતમાં ખાંડનું ઉત્પાદન ત્રણ વર્ષમાં સૌથી નીચું રહી શકે

ઘટ્યું ખાંડનું ઉત્પાદન!

વિશ્વમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકારનો સમાવેશ થાય છે એવા ભારતમાં ભારે વરસાદ અને પૂરના કારણે નવી સીઝનમાં ઉત્પાદન ત્રણ વર્ષમાં સૌથી નીચું રહે એવી ધારણા ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશન (ઇસ્મા) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૮-’૧૯માં ભારતમાં ખાંડનું ઉત્પાદન ૩.૩૨ કરોડ ટન રહ્યું હતું જે ઑક્ટોબરથી સપ્ટેમ્બરની ખાંડની ૨૦૧૯-’૨૦ની સીઝનમાં ઘટીને ૨.૬૮૫ કરોડ ટન રહે એવી શક્યતા ઇસ્માએ વ્યક્ત કરી છે. અગાઉ ઇસ્માએ દેશમાં ઉત્પાદન ૨.૮૨ કરોડ ત્રણ રહેવાની ધારણા વ્યક્ત કરી હતી. વર્ષ ૨૦૧૯-’૨૦માં જો મોલૅસિસ અને ઇથેનૉલ માટે શેરડીનો વપરાશ વધે તો ઉત્પાદન હજી પણ ઘટી ૨.૬૦ કરોડ ટન આસપાસ રહેશે. નૅશનલ ફેડરેશન ઑફ કો-ઑપરેટિવ શુગર ફૅક્ટરીઝના મતે પણ ભારતમાં ખાંડનું ઉત્પાદન ૨.૬૦ કરોડથી ૨.૬૫ કરોડ ટન વચ્ચે રહે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે.
ભારતમાં ખાંડનું ઉત્પાદન ઘટશે એવી ધારણાએ વૈશ્વિક બજારમાં ભાવનો બેન્ચમાર્ક ગણાતા ન્યુ યૉર્ક વાયદા મંગળવારે એક મહિનાની ઊંચી સપાટીએ હતા. ગયા વર્ષે ભારતમાં ખાંડનો પડતર સ્ટૉક વિક્રમી ઊંચા સ્તરે હતો. આ વર્ષે ઉત્પાદન ઘટે તો એમાં ઘટાડો થશે.

business news