દેશમાં ખરીફ પાકોનું ઉત્પાદન આઠ વર્ષમાં પહેલી વાર ઘટશે

23 September, 2022 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષ ૨૦૧૫-’૧૬માં ઉત્પાદન આગલા વર્ષના ૧૨૮૦ લાખ ટનની તુલનાએ ૧૨૫૦ લાખ ટન થયું હતું, ત્યાર બાદ સતત વધારો થયો હતો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

દેશમાં ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન સારો વરસાદ પડ્યો હોવા છતાં અમુક વિસ્તારમાં વરસાદ ઓછો થયો હોવાથી છેલ્લાં આઠ વર્ષમાં પ્રથમ વાર ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં અનાજ-કઠોળનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. કેન્દ્ર સરકારે ૧૪૯૯ લાખ ટન (૧૪.૯૯ કરોડ) ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે, જે ગત વર્ષે દેશમાં ૧૫૬૦ લાખ ટનનું ઉત્પાદન થયું હતું.

કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ચાલુ ખરીફ સીઝનનો પહેલો આગોતરો અંદાજ જાહેર કર્યો હતો, જેમાં ઉપરોક્ત અંદાજ જાહેર કર્યા છે. ચાલુ વર્ષનો અંદાજ છેલ્લાં પાંચ વર્ષના સરેરાશ ઉત્પાદન કરતાં ૬૯.૮ લાખ ટન વધારે છે, પરંતુ વર્ષ ૨૦૧૫-’૧૬ બાદ પ્રથમ વાર આગલા વર્ષનીતુલનાએ ઘટાડો આવ્યો છે. વર્ષ ૨૦૧૫-’૧૬માં ઉત્પાદન આગલા વર્ષના ૧૨૮૦ લાખ ટનની તુલનાએ ૧૨૫૦ લાખ ટન થયું હતું, ત્યાર બાદ સતત વધારો થયો હતો.

દેશમાં કપાસનું ઉત્પાદન ૩૪૧.૯ લાખ ગાંસડી થવાનો અંદાજ છે, જે ગત વર્ષે ૩૧૨ લાખ ગાંસડી થયું હતું. મગફળીનું ઉત્પાદન સરકારે ૮૩.૬૯ લાખ ટનનો અંદાજ મૂક્યો છે, જે ગત વર્ષે ૮૩.૭૫ લાખ ટન થયું હતું. એરંડાના પાકનો અંદાજ ૧૫.૦૮ લાખ ટનનો મૂક્યો છે, જે ગત વર્ષે ૧૬.૧૧ લાખ ટન થયું હતું. સોયાબીનના પાકનો અંદાજ ૧૨૮.૯૨ લાખ ટનનો મૂક્યો છે, જે ગત વર્ષે ૧૨૯.૯૫ લાખ ટન થયો હતો.

ખાસ કરીને ચોખાનું ઉત્પાદન ૧૦૪૯.૯ લાખ ટન થવાનો અંદાજ મૂક્યો છે, જે ગત વર્ષે ૧૧૧૭.૬ લાખ ટન થયું હતું.

business news commodity market