દેશમાં ચણાનું ઉત્પાદન ઘટીને ૮૫.૩ લાખ ટન થવાનો અંદાજ

25 March, 2019 10:43 AM IST  |  | મયૂર મહેતા

દેશમાં ચણાનું ઉત્પાદન ઘટીને ૮૫.૩ લાખ ટન થવાનો અંદાજ

કૉમોડિટી અર્થકારણ

દેશમાં ચણાના ઉત્પાદનમાં ચાલુ વર્ષ દરમ્યાન ઘટાડો થવાનો અંદાજ છે. એક અગ્રણી ન્યુઝ એજન્સીના સર્વે પ્રમાણે દેશમાં ચાલુ વર્ષ દરમ્યાન ચણાનું ઉત્પાદન ૮૫.૩ લાખ ટન થવાનો અંદાજ છે જે ગયા વર્ષના આ એજન્સીના  સર્વેની તુલનાએ ૧૧.૮ ટકા અને સરકારના ફાઇનલ ઉત્પાદનના અંદાજની તુલનાએ ૨૩.૮ ટકાનો ઘટાડો બતાવે છે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે ચણાનાં ઉત્પાદનનો અંદાજ ૧૧૨ લાખ ટનનો મૂક્યો હતો.

એજન્સીના સર્વે પ્રમાણે ઉત્પાદન ચાલુ વર્ષ દરમ્યાન નીચામાં ૬૨.૫ લાખ ટનનો અંદાજ અને ઊંચામાં ૧૦૦ લાખ ટનનો અંદાજ આવ્યો છે જે ગયા વર્ષે એજન્સીના સર્વેમાં ૭૭.૫ લાખ ટનથી માંડી ૧૧૨ લાખ ટનનો મુકાયો હતો.

નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉર્પોરેશનના રિસર્ચ હેડ હનીશ સિંહાના જણાવ્યા પ્રમાણે ‘મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચણાનાં ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો હોવાથી સરેરાશ ચણાનાં કુલ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. આ રાજ્યોમાં વાવેતર જ ઓછું થયું હતું.’

કેન્દ્ર સરકારના કૃષિ વિભાગના આંકડાઓ પ્રમાણે સમગ્ર દેશમાં ચણાનું વાવેતર ૧૦ ટકા ઘટીને ૯૬.૫ લાખ હેક્ટરમાં થયું હતું. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ફેબ્રુઆરી મહિનામાં પડેલા કમોસમી વરસાદ અને બરફના કરાને કારણે પણ ચણાના પાકને મોટી અસર પહોંચી હતી. આગળ ઉપર ચણાની બજારમાં સરેરાશ વાતાવરણ સારું રહ્યું હતું. વળી મધ્ય પ્રદેશમાં ખેડૂતોને બીજા પાકોમાં વળતર સારું રહેવાને કારણે વાવેતરવિસ્તાર પણ ઘટ્યો હતો.

દેશમાં ચણાનાં ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ હોવા છતાં સરેરાશ ચણાના ભાવ હાલમાં ટેકાના ભાવથી સરેરાશ ૩૦૦થી ૪૦૦ રૂપિયા નીચા બોલાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષ માટે ટેકાના ભાવ ૪૬૨૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે જેની તુલનાએ ચણાના ભાવ હાલમાં ઓપન માર્કેટમાં ૪૧૦૦થી ૪૨૦૦ રૂપિયાની વચ્ચે ક્વોટ થઈ રહ્યા છે.

વિવિધ એજન્સીના મતે ચણાના પાકનો અંદાજ
એજન્સીનું નામ  ચાલુ સીઝનમાં  ગઈ સીઝનમાં
નૅશનલ બલ્ક હૅન્ડલિંગ કૉપોર્રેશન ૯૮ લાખ ટન ૧૧૨ લાખ ટન 
સ્વિટ્ઝરલૅન્ડ કંપની ૬૦-૬૫ લાખ ટન  ૭૫-૮૦  લાખ ટન
અમેરિકન કંપની ૬૦-૬૫ લાખ ટન  ૭૫-૮૦ લાખ ટન
નૅશનલ કોલેટરલ મૅનેજમેન્ટ ૭૧ લાખ ટન ૯૯ લાખ ટન
પ્લસીસ બોડી ૧૦૦ લાખ ટન ૧૧૦ લાખ ટન
ઑલ ઇન્ડિયા દાળ મિલ અસો. ૭૦ લાખ ટન ૮૦ લાખ ટન
રાજસ્થાન ખાદ્ય પદાર્થ વ્યાપાર સંઘ ૯૫ લાખ ટન ૧૦૫ લાખ ટન
કેડિયા કૉમોડિટી ૯૬ લાખ ટન ૯૦ લાખ ટન
ઇન્ટેલીટ્રેડ ઍન્ડ મોનેટરી  ૯૬ લાખ ટન ૯૦ લાખ ટન 
એન્જલ કૉમોડિટી ૮૦-૮૫ લાખ ટન ૯૫ લાખ ટન
સરેરાશ ૮૫.૩ લાખ ટન ૯૩.૧ લાખ ટન


ઑસ્ટ્રેલિયામાં ચણાનાં ઉત્પાદનમાં ૮૦ ટકાનો ઘટાડો થવાનો અંદાજ

ભારતમાં સૌથી વધુ નિકાસ કરનાર અને વિશ્વમાં ચણાના ટોચના ઉત્પાદક દેશ ઑસ્ટ્રેલિયામાં ચણાનું ઉત્પાદન ચાલુ વર્ષે મોટી માત્રામાં ઘટે એવો અંદાજ છે. ઑસ્ટ્રેલિયન સરકારના કૃષિ વિભાગના તાજા આંકડાઓ પ્રમાણે ચાલુ વર્ષે ત્યાં ચણાનું ઉત્પાદન ઘટીને ૨.૮૧ લાખ ટન થવાનો અંદાજ છે જે ગયા વર્ષે ૧૧.૪૮ લાખ ટન પાક્યા હતા. આમ ઉત્પાદનમાં ૮૦ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.

આ પણ વાંચો : નાણાનીતિમાં ફેડનો યુ-ટર્ન : રૂપિયામાં વણથંભી તેજી

ઑસ્ટ્રેલિયન સરકારે ફેબ્રુઆરી મહિનામાં ઉત્પાદનનો અંદાજ ૨.૮૧ લાખ ટનનો મૂક્યો હતો. આમ આગલા અંદાજ કરતાં પણ ૮.૬૭ લાખ ટનનો ઘટાડો કર્યો છે. ઉત્પાદનમાં ઘટાડા વિશે સરકારી સંસ્થાએ જણાવ્યું હતું કે ‘વાવેતરમાં મોટો ઘટાડો થયો છે. ભારત સરકારે ચણા ઉપર ૫૦ ટકાની આયાત ડ્યુટી લગાડી હોવાથી ઑસ્ટ્રેલિયાની નિકાસને મોટી અસર પડી  છે જેને કારણે ભાવ ઘટી ગયા હોવાથી ખેડૂતોએ વાવેતર કરવાનું ટાળ્યું છે.’

ઑસ્ટ્રેલિયમાં ચણાનું વાવેતર ચાલુ વર્ષે ૨.૭૫ લાખ હેક્ટરમાં થયું હતું જે ગયા વર્ષે ૧૧.૧૬ લાખ હેક્ટરમાં થયું હતું. આમ વાવેતરવિસ્તાર ઘટ્યો હોવાથી કુલ વાવેતરમાં પણ ઘટાડો થયો છે.

ઑસ્ટ્રેલિયામાંથી વર્ષ ૨૦૧૭-’૧૮માં ચણાની નિકાસ ૭.૫૬ લાખ ટનની થઈ હતી જે અગાઉના વર્ષે ૨૨.૯૩ લાખ ટનની થઈ હતી. આમ નિકાસમાં પણ ગયા વર્ષે ઘટાડો થયો હતો અને ચાલુ વર્ષે પણ ઘટાડો થાય એવી સંભાવના છે.

news