દેશમાં ખાંડના વિક્રમી ઉત્પાદનને પગલે ભાવમાં નરમાઈનો માહોલ

10 May, 2022 05:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉનાળાની પીક ડિમાન્ડ હવે પૂરી થવાની હોવાથી પણ ભાવ વધુ ઘટી શકે

પ્રતીકાત્મક તસવીર

ખાંડની સીઝનમાં મે મહિનો એટલે ઉત્પાદન માટે સરેરશ ઑફ સીઝન ગણાતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે હજી પણ મહારાષ્ટ્ર સહિતનાં કેટલાંક રાજ્યોમાં મિલો ચાલુ છે. મહારાષ્ટ્રમાં તો શેરડી પણ હજી ખેતરમાં ઊભી છે. આવી સ્થિતિમાં ઇસ્મા દ્વારા વિક્રમી ઉત્પાદનના અંદાજ આવી રહ્યા હોવાથી ખાંડની બજારમાં નરમ ટોન ચાલુ થયો છે અને સરેરાશ ક્વિન્ટલે ૧૫થી ૨૫ રૂપિયાનો ઘટાડો થયો હતો.
ખાંડના ડીલરો-વેપારીઓ કહે છે કે ખાંડમાં બલ્ક બાયરોની પીક ડિમાન્ડ ઘટી ગઈ છે અને હવે એમાં તબક્કા વાર ઘટાડાની સંભાવના છે. આગામી દિવસોમાં ખાંડના ભાવમાં હવે ઘટાડો ચાલુ થાય એવી સંભાવના છે અને ભાવમાં ઘટાડો જોવાશે.
ચોમાસું હવે વિસેક દિવસમાં દેખાવા લાગશે, જેને પગલે બલ્ક બાયરોની માગમાં મોટો ઘટાડો આવશે. આવી સ્થિતિમાં ખાંડની માગ વધુ ઘટી શકે છે અને પુરવઠો પૂરતી માત્રામાં છે.
ખાંડના ભાવ યુપીની મિલોમાં ઘટીને ૩૬૦૦ રૂપિયાની અંદર આવી ગયા છે, જ્યારે કોલ્હાપુરના ભાવ ૩૪૦૦ રૂપિયા સુધી ક્વોટ થતા હતા. મુંબઈના ભાવ ૩૬૫૦થી ૩૭૦૦ રૂપિયા વચ્ચે ક્વૉલિટી મુજબના હતા.
ખાંડમાં સ્થાનિક ભાવ નરમ છે, પરંતુ ડૉલર મજબૂત રહ્યો હોવાથી વૈશ્વિક ખાંડના ભાવ શુક્રવારે સરેરાશ મજબૂત રહ્યા હતા. કાચી ખાંડનો જુલાઈ વાયદો ૦.૫૦ ટકા વધીને ૧૮.૮૭ સેન્ટની સપાટી પર પહોંચ્યો હતો. જોકે ઍનલિસ્ટો કહે છે કે વૈશ્વિક ખાંડના ભાવમાં પણ બહુ સુધારો થાય એવા સંજોગો નથી. ભારતમાં વિક્રમી પાક હોવાથી નિકાસ પણ ચાલુ વર્ષે વિક્રમી ૯૦ લાખ ટનની થાય એવી ધારણા રહેલી છે. પરિણામે આગળ ઉપર ડૉલરની ચાલ પર જ કાચી ખાંડની બજારનો આધાર રહેલો છે.
ક્રૂડ તેલના ભાવ પણ વધતા અટકી ગયા હોવાથી બ્રાઝિલમાંથી ઇથેનૉલની માગ પર અસર પહોંચે એવી સંભાવના રહેલી છે, પરિણામે સેરરાશ બજારો આગળ ઉપર મિશ્ર રહે એવી પણ ધારણા છે.

business news