નિકાસબંધી પછી દેશમાં ઘઉં-ચોખાના ભાવમાં ઘટાડો : આટાના ભાવ સ્થિર

05 October, 2022 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયનો ભાવ ઘટ્યા હોવાનો દાવો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કેન્દ્ર સરકારે ઘઉં અને ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ દેશમાં છેલ્લા એક સપ્તાહથી બન્ને અનાજના ભાવ ઘટ્યા હોવાનો દાવો ખાદ્ય મંત્રાલયે કર્યો છે. બીજી તરફ આટાના ભાવ સરેરાશ સ્ટેબલ રહ્યા હોવાની વાત પણ કરી છે.

ખાદ્ય મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષ દરમ્યાન ઘઉં અને ચોખાના ભાવમાં લઘુતમ ટેકાના ભાવવધારાને અનુરૂપ વધુ કે ઓછા પ્રમાણમાં વધારો થયો છે, જ્યારે ૨૦૨૧-’૨૨માં કિંમતો તુલનાત્મક રીતે નીચી બાજુએ હતી, કારણ કે લગભગ ૮૦ લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત વેચાણ કરવામાં આવ્યા હતા.

એમાં કહેવામાં આવ્યું છે કે સરકાર ઘઉં અને ચોખા સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવની સ્થિતિનું નિયમિતપણે નિરીક્ષણ કરી રહી છે અને જરૂરી હોય ત્યાં સુધારાત્મક પગલાં લઈ રહી છે.
ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સના પ્રાઇસ મૉનિટરિંગ સેલના ડેટા અનુસાર શનિવારે ચોખા, ઘઉં અને લોટ (આટા)ની મૉડલ છૂટક કિંમત વધીને ૪૦, ૨૭ અને ૩૫ રૂપિયા પ્રતિ કિલો હતી, જે એક મહિના પહેલાં ૩૬, ૨૫ અને ૩૩ રૂપિયા પ્રતિ કિલો હતા. જોકે છેલ્લા એક સપ્તાહથી સરેરાશ સ્ટેબલ કે ઘટાડો થયો છે.

મફત રૅશન યોજના - પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને સાતમી વખત ડિસેમ્બર સુધી લંબાવી છે. એફસીઆઇ પાસે સ્ટૉક બહુ જ ઓછો છે, પંરતુ સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ યોજના બંધ કરી હોવાથી સ્ટૉક જરૂરિયાત મુજબ જળવાઈ રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની જગ્યાએ ચોખાનું વિતરણ પણ આ યોજના હેઠળ વધારી દીધું છે, પરિણામે ઘઉંનો સ્ટૉક ઓછો હોવા છતાં દેશમાં ઘઉંની અછત સર્જાય એવી સંભાવના નથી. વેપારીઓ કહે છે કે જોકે ભાવ ડિસેમ્બર આસપાસ વધશે તો સરકાર એફસીઆઇ પાસે પડેલા સ્ટૉકમાંથી પણ થોડો જથ્થો વેચાણ કરે એવી ધારણા છે.

business news commodity market