સતત ત્રીજા સપ્તાહે ભાવવૃદ્ધિ સાથે બંધ આવે એવી શક્યતા

16 May, 2020 11:19 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

સતત ત્રીજા સપ્તાહે ભાવવૃદ્ધિ સાથે બંધ આવે એવી શક્યતા

ક્રૂડ ઓઇલ

ક્રૂડ ઑઇલના ભાવમાં એપ્રિલ મહિના જેવું પુનરાવર્તન થાય નહીં એવું લાગી રહ્યું છે. એપ્રિલમાં મે વાયદો નેગેટિવ થયા બાદ એમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે. આજે સતત ત્રીજા સપ્તાહે ક્રૂડ ઑઇલના ભાવ વૃદ્ધિ સાથે બંધ આવે એ દિશામાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. 

ભાવવૃદ્ધિ માટે ઓપેક અને અન્ય રાષ્ટ્રોએ જાહેર કરેલા ઉત્પાદનકાપ, ચીન અને ભારતની વધી રહેલી ખરીદી અને લૉકડાઉન ખૂલી રહ્યું હોવાથી આર્થિક પ્રવૃત્તિ ફરી પાટે ચડી રહી હોય એવા સંકેત મહત્ત્વનાં પરિબળ છે.
અમેરિકન વરાઇટીના ક્રૂડ ઑઇલ વેસ્ટર્ન ટેક્સસનો વાયદો આજે ૩.૨૩ ટકા કે ૮૯ સેન્ટ વધી ૨૮.૪૫ ડાૉલર પ્રતિ બૅરલ છે અને એ સાપ્તાહિક રીતે લગભગ ૧૫.૪ ટકા વધ્યો છે. ગુરુવારે વેસ્ટર્ન ટેક્સસ વાયદો ૯ ટકા વધ્યો હતો. સ્વીટ વરાઇટીના યુરોપ અને આરબ ક્રૂડ ઑઇલના લંડનના બ્રેન્ટ વાયદાના ભાવ આજે ૨.૭૦ ટકા કે ૮૪ સેન્ટ વધી ૩૧.૯૭ ડૉલર પ્રતિ બૅરલ છે. આ વાયદો સપ્તાહની દૃષ્ટિએ ૩.૨ ટકા જેટલો વધ્યો છે. દરમ્યાન ભારતમાં ક્રૂડ તેલ મે કૉન્ટ્રૅક્ટ બૅરલદીઠ ૨૦૮૫ ખૂલી, ઉપરમાં ૨૧૭૨ અને નીચામાં ૨૦૮૫ રૂપિયા બોલાઈ પ્રથમ સત્રના અંતે ૬૮ વધીને ૨૧૨૨ રૂપિયા બંધ રહ્યો હતો.
બજારમાં એવી સતત ચર્ચા છે કે સાઉદી અરબની આગેવાની હેઠળ ઓપેક અને સાથીદેશો દૈનિક ૯૭ લાખ બૅરલ કે કુલ પુરવઠાના ૧૦ ટકાથી વધુ ઉત્પાદનકાપ તરફ આગળ વધી રહ્યા છે. ઓપેકના સૌથી મોટા દેશ અને વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઉત્પાદક સાઉદી અરબ દ્વારા જૂનમાં દૈનિક ૧૦ લાખ બૅરલ ઉત્પાદનકાપની જાહેરાત કરવામાં આવી છે. આવી જ રીતે રશિયા પણ ક્રૂડ ઉત્પાદન ઘટાડી રહ્યું છે. બન્ને દેશ માર્ચમાં સામસામે ભાવના યુદ્ધમાં હતા, પણ બન્નેનાં અર્થતંત્ર માટે ક્રૂડ ઑઇલ મહત્ત્વનું હોવાથી હવે ભાવ વધે એ રીતે ઉત્પાદન ઘટાડી રહ્યા છે. આવી જ રીતે સ્થાનિકમાં સ્ટોરેજનો અભાવ અને શેલ ક્રૂડ પર નભતા અમેરિકામાં પણ ઉત્પાદન ૨૫ લાખ બૅરલ વર્ષના અંત સુધીમાં ઘટે એવી ધારણા છે. દરમ્યાન એપ્રિલ મહિનામાં વાયદો પૂર્ણ થતી વખતે ડિલિવરી લેવા માટે તૈયાર લોકોને ઓકલાહોમામાં કુશિંગ ખાતે સ્ટોરેજ ન હોવાથી ફરજિયાત વેચાણ કરવું પડ્યું હતું અને ભાવ નેગેટિવ થઈ ગયા હતા. ૨૦ મેએ જૂન વાયદાની પતાવટ વખતે પણ આવી જ સ્મસસ્યા થઈ શકે એવું માનનારો એક વર્ગ પણ છે. 

business news