ક્રૂડતેલમાં મંદી : ભાવ ઘટીને છ સપ્તાહના તળિયે

20 November, 2021 03:46 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ચીન દ્વારા રિઝર્વ સ્ટૉક રિલીઝ કરવાની વાતો પાછળ ભાવ તૂટ્યા ઃ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૦-૧૨ દિવસ સ્ટેબલ રહ્યા બાદ હવે ઘટી શકે

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઘટ્યા છે અને બેન્ચમાર્ક વાયદો છ સપ્તાહના તળિયે પહોંચી ગયો છે. આગામી દિવસોમાં ક્રૂડતેલની બજારમાં ભાવ હજી થોડા નીચા આવી શકે છે, પરંતુ તેનો મોટો આધાર ચીન પર છે. ચીને પોતાના રિઝર્વ સ્ટૉકમાંથી ક્રૂડતેલનો જથ્થો રિલીઝ કરવાના સંકેત આપ્યા છે, જેની અસરે બજાર ઘટી રહ્યાં છે.
અમેરિકાએ ચીનને કહ્યું છે કે ચીન પોતાના વપરાશકારોના હિતમાં નીચા ભાવથી ક્રૂડતેલનો રિઝર્વ સ્ટૉક રિલીઝ કરે તે જરૂરી છે અને ચીન અમુક અંશે આ માટે તૈયાર હોવાની પણ વાત આવી રહી છે. ક્રૂડતેલના ભાવને નીચા લાવવા માટે અમેરિકા અને ચીને હાથ મિલાવ્યા છે અને બન્નેના સંયુક્ત પ્રયાસને પગલે ક્રૂડતેલના ભાવ નીચા આવશે. અમેરિકામાં ફુગાવો વધીને ૩૧ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જેને પગલે સરેરાશ ક્રૂડતેલની બજારમાં હાલ ઘટાડો આવ્યો છે.
બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ ૪૨ સેન્ટ ઘટીને ૭૯.૮૬ ડૉલર  હતા, જે ૭ ઑક્ટોબર બાદની સૌથી નીચી સપાટી હતી, જ્યારે નાયમેક્સ ક્રૂડતેલના ભાવ ૬૪ સેન્ટ ઘટીને ૭૭.૭૨ ડૉલર હતા, જે પણ ઑક્ટોબર બાદની સૌથી નીચીસપાટીએ હતા.

business news oil prices