ભારતને વિશ્વનું ‘સ્પાઇસીસ હબ’ બનાવવાની કવાયત : વિશેષ ટાસ્ક ફોર્સ રચાઈ

02 August, 2021 04:06 PM IST  |  Mumbai | Mayur Mehta

સ્પાઇસીસ બોર્ડે ટાસ્ક ફોર્સમાં મુંબઈના બે નિકાસકારો ભાસ્કર શાહ અને યોગેશ મહેતાને સમાવ્યા

પ્રતીકાત્મક તસવીર

મરી-મસાલાની નિકાસમાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોખરે હોવા છતાં ધારી પ્રગતિ થઈ શકતી નથી, આથી ગવર્નમેન્ટ સંચાલિત સ્પાઇસીસ બોર્ડે તાજેતરમાં ખેડૂતો, નિકાસકારો, વેપારીઓને સમાવતી સ્પેશ્યલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. મસાલાની નિકાસમાં આવતાં અવરોધો, ગુણવત્તાના પ્રશ્નો અને ખેડૂતોને નિકાસ કરતાં દેશોની માગ પ્રમાણે ગુણવત્તાયુક્ત મસાલાનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરવા વિગેરે બાબતોને ટાસ્ક

ફોર્સની રચના બાદ વેગ મળશે તેવા ઉદ્દેશ્ય સાથે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

ભારત વિશ્વમાં લગભગ તમામ મસાલા પાકની નિકાસમાં મોખરે રહીને મોનોપોલી ભોગવી રહ્યું છે. ભારત દર વર્ષે ૧૧થી ૧૨ લાખ ટન મસાલાની નિકાસ કરીને ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનું કીમતી વિદેશી હૂંડિયામણ કમાઈ રહ્યું છે જેમાંથી સીડ્ઝ સ્પાઇસીસની નિકાસ ૬૦૦૦ કરોડ રૂપિયાની થાય છે. ભારત સૌથી વધારે મરચાંની નિકાસ દર વર્ષે સાડા ચાર લાખ ટન, ત્યારબાદ જીરુંની દર વર્ષે પોણા ત્રણથી ત્રણ લાખ ટન, હળદરની ૧.૭૫થી ૧.૯૫ લાખ ટન, ધાણાની ૫૦થી ૫૫ હજાર ટન, વરિયાળીની ૨૦થી ૨૫ હજાર ટન, મરીની ૨૦ હજાર ટન, સૂંઠની ૨૫ હજાર ટન, એલચીની ૬થી ૭ હજાર

ટન, મેથીની ૨૦થી ૨૫ હજાર

ટનની નિકાસ કરી રહ્યું છે. આ ઉપરાંત લવિંગ, મેન્થા સહિત અનેક પ્રકારની મસાલાની નિકાસ ભારતમાંથી થઈ

રહી છે.

દેશમાંથી હાલ થઈ રહેલી એગ્રીકલ્ચર પ્રોડક્ટની નિકાસમાં મરી-મસાલાની નિકાસનો સિંહફાળો છે. મસાલાની નિકાસને પ્રોત્સાહન આપવા સરકારે ૩૮ વર્ષ અગાઉથી સ્પાઇસીસ બોર્ડની રચના કરી છે.

સ્પાઇસીસ બોર્ડનું સંચાલન બ્યુરોક્રેટ દ્વારા થતું હોઈ સ્પાઇસીસ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી નિકાસકારો અને અગ્રણી સંગઠન ફીશ (ફેડરેશન ઑફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સ) દ્વારા રજૂઆત કરાઈ હતી કે મરી-મસાલાની નિકાસના પ્રશ્નોનું નિરાકરણ કરવા સરકાર સાથે નિયમિત સંવાદ યોજાય તે માટે સ્પાઇસીસ બોર્ડમાં ખેડૂતો, નિકાસકારો અને વેપારીઓનો સમાવેશ કરવામાં આવે. સ્પાઇસીસ બોર્ડ ૨૫ વર્ષથી ટાસ્ક ફોર્સ રચે છે, પણ તેમાં વિવિધ પ્રોડક્ટ વાઇઝ કમિટી બનાવીને કેટલાક પસંદગીના લોકોનો જ તેમાં સમાવેશ થતો હતો, પણ સ્પાઇસીસ નિકાસના વિકાસ માટે અનેક સંભાવનાઓ દેખાવા લાગતાં એકદમ સક્રિય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તેમાં તમામ વર્ગના પ્રતિનિધિઓને સામેલ કર્યા છે. મુંબઈ દેશનું આર્થિક પાટનગર હોવાની સાથે સ્પાઇસીસની મોટા ભાગની નિકાસ કરતાં એક્સપોર્ટ હાઉસ અહીં વર્ષોથી સ્થપાયેલા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સ્પાઇસીસ બોર્ડે ટાસ્ક ફોર્સના ચૅરમૅન તરીકે મુંબઈના અગ્રણી જેબ્સ ઇન્ટરનૅશનલના ચૅરમૅન ભાસ્કર શાહ અને ડાયરેક્ટર તરીકે સ્પાઇસ એક્ઝિમના યોગેશ મહેતાનો ટાસ્ક ફોર્સમાં સમાવેશ કર્યો છે. બન્ને નિકાસકારો અનેક સંગઠનોમાં ઉચ્ચ પદે રહ્યા હતા.

ટાસ્ક ફોર્સ ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ મંત્રણા દ્વારા ક્વૉલિટીના પ્રશ્નો દૂર કરવા પ્રયત્ન કરશે

ભાસ્કર શાહ

ચૅરમૅન, ટાસ્ક ફોર્સ-સ્પાઇસીસ બોર્ડ

મરી-મસાલાના નિકાસકારો હાલ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેમાં મુખ્યત્વે ગવર્નમેન્ટ દ્વારા અપાયેલા પ્રોત્સાહનોનું રિફંડ વર્ષોથી અટવાયેલું છે. આ ઉપરાંત કન્ટેઇનરનાં ભાડાં ચારથી પાંચગણા વધી ગયાં છે. કન્ટેઇનર્સ અને વેસલ્સ સમયસર મળતાં ન હોઈ અન્ય ખર્ચાઓ વધી રહ્યા છે. આ તમામ મુશ્કેલીઓને ગવર્નમેન્ટ સુધી પહોંચાડવામાં ટાસ્ક ફોર્સ મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત વિદેશમાં મસાલાની કયા પ્રકારની ક્વૉલિટીની જરૂર છે તે પ્રમાણે ખેડૂતો તમામ તકેદારી રાખે તે માટે પણ ટાસ્ક ફોર્સ સારી કામગીરી નિભાવી શકશે. ટાસ્ક ફોર્સ ખેડૂતો સુધી પહોંચીને પેસ્ટિસાઇડના વધારે પડતાં ઉપયોગને રોકવામાં મદદરૂપ થઈ શકે છે. સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે યુરોપિયન દેશો અને સાઉદી અરેબિયા દ્વારા ક્વૉલિટી બાબતે અનેક પ્રકારના નવા નિયમો બનાવાયા છે જેનું નિરાકરણ માત્ર ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ દરમ્યાનગીરીથી થઈ શકે તેમ છે, આથી તેના માટે આ પ્રકારની કાર્યવાહી કરવા માટે ટાસ્ક ફોર્સ મહત્ત્વની ભૂમિકા ભજવશે. ટાસ્ક ફોર્સની રચનાથી દેશની મરી-મસાલાની નિકાસને વેગ મળશે અને ભારત વિશ્વનું સ્પાઇસીસ હબ બની શકશે.

ભારતનો સ્પાઇસીસ બિઝનેસ અન્ય દેશો તરફ ડાઇવર્ટ થતો રોકી શકાશે

યોગેશ મહેતા

ડાયરેક્ટર-ટાસ્ક ફોર્સ-સ્પાઇસીસ બોર્ડ

યુરોપિયન દેશો અને સાઉદી અરેબિયા દ્વારા પ્યૉરિટીના કડક નિયમો બનાવાયા છે અને અનેક નવા નિયમો પણ આવી રહ્યા છે ત્યારે ભારતીય મરી-મસાલાની નિકાસને મોટી અસર થઈ શકે છે. આ કડક નિયમોનો ફાયદો ઉઠાવીને સિંગાપોર, કોલંબો વિગેરે દેશો ભારતથી મસાલા મગાવીને અન્ય દેશોમાં જંગી નિકાસ કરી રહ્યા છે. સિંગાપોર વિગેરે દેશોમાં સર્ટિફિકેટ ઑફ ઓરિજિન બદલાવાની વ્યવસ્થા હોઈ ભારત કરતાં સહેલાઈથી આ દેશોમાંથી મસાલાની નિકાસ થઈ શકે છે. ભારતીય મરી-મસાલાની નિકાસ માટે બ્લેન્સ પૉલિસીની જરૂર છે જેના દ્વારા ભારતીય મસાલાની નિકાસ નવા શિખરે પહોંચી શકે છે અને ભારત વિશ્વમાં સહેલાઈથી સ્પાઇસીસ હબ બની શકે છે. સ્પાઇસીસ બોર્ડ દ્વારા રચાયેલી ટાસ્ક ફોર્સ મસાલાના નિકાસકારોની સામે ઊભી થયેલી અનેક સમસ્યાના નિરાકરણ માટે હકારાત્મક અભિગમ રાખીને બહુ જ સારી ભૂમિકા ભજવશે. ભારતમાં દર વર્ષે એવરેજ એક કરોડ ટન મસાલાનું ઉત્પાદન થાય છે ત્યારે મસાલાની નિકાસમાં વૃદ્ધિ માટે વિશાળ તકો રહેલી છે જે ટાસ્ક ફોર્સ દ્વારા હાંસલ કરી શકાય તેમ છે.

business news