અમેરિકન ઇકૉનૉમિક રિકવરીને સ્ટ્રૉન્ગ હોવાની પોવેલની કમેન્ટથી સોનામાં વધારો ધીમો પડ્યો

10 April, 2021 02:19 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ૩૨ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો : અમેરિકામાં જૉબલેસની સંખ્યા વધી

અમેરિકન ઇકૉનૉમિક રિકવરીને સ્ટ્રૉન્ગ હોવાની પોવેલની કમેન્ટથી સોનામાં વધારો ધીમો પડ્યો

અમેરિકન ફેડ ચૅરમૅન જેરોમ પોવલે ઇકૉનૉમિક રિકવરી સ્ટ્રૉન્ગ હોવાની કમેન્ટ કરતાં ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ વધુ ઘટ્યા હતા, પણ સ્ટ્રૉન્ગ રિકવરીને કારણે ઇઝી મૉનેટરી પૉલિસી ચાલુ રાખવાની બે દિવસ પહેલાં કરવામાં આવેલી કમેન્ટને મજબૂતી મળતાં સોનામાં વધારો ધીમો પડ્યો હતો જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૫ રૂપિયા વધ્યું હતું જોકે ચાંદી પ્રતિ કિલો ૨૮૯ રૂપિયા ઘટી હતી. 
વિદેશી પ્રવાહો 
ફેડ ચૅરમૅન જેરોમ પોવેલે આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનેટરી ફન્ડ)ની મિટિંગમાં બૉન્ડ યીલ્ડના વધારાને ટેમ્પરરી બતાવ્યો હતો અને કોરોનાના વધતા કેસ ઇકૉનૉમિક રિકવરીને અસર કરશે તેવું વકતવ્ય આપતાં તેમ જ અમેરિકામાં બેરોજગારી ભથ્થુ મેળવનારાઓની સંખ્યામાં સતત બીજે સપ્તાહે વધારો થતાં ડૉલર અને ટ્રેઝરી યીલ્ડ ઘટ્યા હતા અને સોનું ચાલુ સપ્તાહે સતત ત્રીજે દિવસે વધ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૧૭૫૮.૪૫ ડૉલર થયું હતું, જોકે ત્યાર બાદ થોડું ઘટ્યું હતું. અગાઉના સપ્તાહે ૧૭૦૦ ડૉલરની અંદર ગયેલું સોનું ચાલુ સપ્તાહે ૧૭૦૦ ડૉલર ઉપર ટ્રેડ કરીને ૧૭૬૦ ડૉલરની નજીક પહોંચ્યું હોઈ સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. કોરોનાના સતત વધી રહેલા કેસને કારણે ડિમાન્ડ ઘટવાની શક્યતાએ ચાંદીમાં તેજી અટકી હતી જ્યારે પ્લેટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં. ફેબ્રુઆરીમાં એક તબક્કે ૧૩૦૦ ડૉલરની ઉપર પહોંચેલું પ્લેટિનમ હાલ ૧૨૧૦થી ૧૨૧૫ની રેન્જમાં છે.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકામાં બેરોજગારી ભથ્થુ મેળવવાની સંખ્યામાં સતત બીજા સપ્તાહે વધારો થયો છે, અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટમાં ૩ એપ્રિલે પૂરા થતાં સપ્તાહ દરમ્યાન ૧૬૦૦૦નો વધારો થઈને બેનિફિટ મેળવનારાઓની સંખ્યા ૭.૪૪ લાખે પહોંચી હતી. જે સતત સાતમા સપ્તાહે બેનિફિટ મેળવનારાઓની સંખ્યા ૮ લાખની નીચે રહી હતી જે જૉબમાર્કેટ માટે પૉઝિટિવ સિગ્નલ હતો. ચીનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચમાં વાર્ષિક ૪.૪ ટકા અને મન્થ્લી ૧.૭ ટકા વધ્યો હતો, માર્કેટની વાર્ષિક ૩.૫ ટકા વધારાની ધારણા કરતાં આ ઇન્ડેકસ વધુ વધ્યો હતો અને ૩૨ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. જાન્યુઆરીમાં પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ૧૯.૪ ટકા ઘટ્યો હતો. ચીનનો ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચમાં વાર્ષિક ૦.૭ ટકા ઘટ્યો હતો અને સતત બીજે મહિને ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ઘટ્યો હતો જ્યારે ચીનનો કન્ઝયુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ માર્ચમાં ૦.૪ ટકા વધીને છ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. યુરો ઝોનના પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેકસમાં ફેબ્રુઆરીમાં ૦.૫ ટકાનો વધારો થયો હતો. ઇકૉનૉમિક ઇન્ડિકેટરમાં ચીન અને યુરો ઝોનના પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં થયેલો વધારો સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક રિકવરીનું રિફલેક્શન બતાવતું હોઈ સોનાની તેજી માટે ઇકૉનૉમિક ડેટા નેગેટિવ સંકેત આપનારા હતા. 
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક રિકવરીના એક કરતાં વધુ સંકેતો વચ્ચે કોરોના વાઇરસનું ઝડપથી વધી રહેલું સંક્રમણ સોનાની માર્કેટ માટે મિશ્ર પ્રતિભાવ આપનાર છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની માર્ચમાં યોજાયેલી મિટિંગની મિનિટ્સમાં સ્પષ્ટ જણાવાયું છે કે એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં બૉન્ડ બાઇંગ વધારવામાં આવશે, પણ ત્યાર બાદના ક્વૉર્ટરમાં બૉન્ડ બાઇંગમાં કાપ મૂકીને ઇકૉનૉમિક રિકવરીને બુસ્ટ કરાશે. આઇએમએફની મિટિંગમાં ફેડ ચૅરમૅન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે અમેરિકન ઇકૉનૉમિક સ્ટ્રૉન્ગ રિકવરીની રાહે આગળ વધી રહી છે જે અગ્રેસિવ વૅક્સિનેશનનું પરિણામ છે. ફેડે ઇઝી મૉનેટરી પૉલિસી ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે, પણ બહુમતી ઇકૉનૉમિસ્ટો માને છે કે ફેડને ઇન્ટરેસ્ટ રેટ પાંચ-છ મહિનામાં વધારવાની ફરજ પડશે. સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક રિકવરી અને ઇન્ટરેસ્ટ રેટમાં થનારો વધારો સોનાને લૉન્ગ ટર્મ ઘટાડશે, જોકે તેની સામે કોરોનાના વધી રહેલા કેસથી સોનામાં શૉર્ટ ટર્મ તેજીની આગેકૂચ ચાલુ રહેશે. વર્લ્ડમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોઈ રોજિંદા એક લાખ નવા કેસ સંક્રમિત થઈ રહ્યા છે. ગુરુવારે સંક્રમણ વધીને નવા ૭.૩૯ લાખ કેસ ઉમેરાયા હતા. એશિયામાં ભારત, ટર્કી, ઇરાન  અને ફિલિપાઇન્સમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે જ્યારે અમેરિકા અને બ્રાઝિલમાં પણ ગુરુવારે કેસ વધ્યા હતા. યુરોપમાં સંક્રમણ ઓછું છે, પણ મૃત્યુદર સૌથી હાઈએસ્ટ છે. ટર્કી, આર્જેન્ટિના, પોલૅન્ડ અને કોલમ્બિયામાં સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાના વધતા કેસને કારણે સોનાનું સેફ હેવન સ્ટેટ્સ વધ્યું છે. 

business news mayur mehta