બ્રેક્ઝિટ ડીલના આશાવાદે પાઉન્ડમાં જોરદાર ઉછાળો

14 October, 2019 09:12 AM IST  |  મુંબઈ | કરન્સી કૉર્નર- બિરેન વકીલ

બ્રેક્ઝિટ ડીલના આશાવાદે પાઉન્ડમાં જોરદાર ઉછાળો

પાઉન્ડમાં ઉછાળો

યુકે અને આયર્લેન્ડ વચ્ચે બ્રેક્ઝિટ મુદ્દા પર સકારાત્મક વલણ જોવાતાં અને ૩૧મી ઑકટોબરની સમયમર્યાદા સુધીમાં યુકે અને યુરોપિયન યુનિયન વચ્ચે બ્રેક્ઝિટ મામલે ડીલ થવાની સંભાવના વધતા પાઉન્ડ જોરદાર ઊછળ્યો હતો. પાઉન્ડ ૧.૨૨૫૦થી વધીને ૧.૨૬૭૮ થઈ ગયો હતો. આયર્લેન્ડે કહ્યું હતું કે ડીલ થવાની તકો છે. આટલા નિર્દેશ માત્રથી પાઉન્ડમાં તોફાની તેજી થઈ હતી. પાઉન્ડ, ડૉલર જ નહીં પણ યુરો, યેન, રૂપિયા સહિત મોટા ભાગની કરન્સી સામે ઊછળ્યો હતો. બોરિસ જૉન્સન ડીલની વાત કરે છે. વિપક્ષી નેતા કોરબિન ચૂંટણી અને બીજી વાર રેફરેન્ડમ યોજવાની વાત કરે છે. બેમાંથી જે કંઈ થાય તે ખરું, પણ એક વાત નક્કી કે ક્રેશ બ્રેક્ઝિટની સંભાવના હવે નહિવત થઈ ગઈ છે અને આ વાત યુકે તેમ જ યુરોપ માટે સૌથી મોટા રાહતના સમાચાર છે.

દરમ્યાન ચીન અને અમેરિકા વચ્ચેની વેપારી વાટાઘાટોમાં આંશિક ડીલ થઈ છે અને આગળ જતા પૂર્ણ ડીલ થશે એમ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કહ્યું છે. ચીને પંરપરા મુજબ કોઈ પ્રતિભાવ આપ્યો નથી. ટ્રમ્પની વાત સાચી માનીએ, ચીન આ મામલે સહમત છે એમ માનીએ તો હાલ પૂરતું અમેરિકા વધારાની ટેરિફ મુલતવી રાખશે. બદલામાં ચીન અમેરિકામાંથી વરસે ૪૦-૫૦ અબજ ડૉલરની ખેતપેદાશો ખરીદશે. આ સમાચારથી સૌથી વધુ અસર કૉટન બજાર પર આવી છે. ન્યુ યૉર્ક કૉટન બજારમાં શુક્રવારે જોરદાર તેજી હતી. અન્ય એગ્રિકોમોડિટીમાં પણ સુધારો હતો. જો કે ડીલમાં વ્યાપક સમજૂતી થવા આડે હજી અનેક અંતરાયો ઊભા છે. એક તબક્કે ટ્રમ્પે કહ્યું હતું કે આંશિક ડીલની સંભાવના નથી. ડીલ થશે તો પૂરી થશે. હવે જે સિનારિયો છે એમાં ટ્રમ્પે પારોઠનાં પગલાં ભર્યાં છે અને ચીનનો હાથ ઉપર રહ્યો છે એમ દેખાઈ આવે છે.

દરમ્યાન બજારોની વાત કરીએ તો ડૉલરમાં વ્યાપક નરમાઈ હતી. ડૉલર ૯૯.૫૦-૯૯.૯૦ ડૉલરની પ્રતિકારક સપાટી વટાવી શકતો નથી. એ જ રીતે ૯૮-૯૮.૩૦ નીચે પણ જઈ શકતો નથી. એકંદરે ૯૮.૫૦-૯૯.૩૦ વચ્ચે અથડાય છે. ડૉલરની તેજીને રોકવા અમેરિકી વહીવટીતંત્ર કદાચ પાછલા બારણે પ્રયાસ કરતું હશે. આ સપ્તાહે પાઉન્ડ સ્ટાર પરફોર્મર રહ્યો છે. યુઆનમાં પણ સુધારો શાનદાર રહ્યો છે. યુઆન સતત ત્રીજા સપ્તાહે મજબૂત રહ્યો અને ડૉલર સતત બીજા સપ્તાહે કમજોર રહ્યો. યુઆન ૭.૧૯થી સુધરીને ૭.૦૭ થયો. યુરો ૧.૦૮૫૦થી સુધરીને ૧.૧૦૫૦ રહ્યો. યેન ૧૦૬.૫૦થી ઘટે ૧૦૮.૫૦ રહ્યો. પાઉન્ડ સામે રૂપિયો નોંધપાત્ર તૂટયો. રૂપિયો ૮૬.૬૦થી તૂટીને ૯૦ થયો. યુરો સામે રૂપિયો ૭૬.૨૫થી ઘટીને ૭૮.૨૦ રહ્યો.

સ્થાનિક બજારોની વાત કરીએ તો રૂપિયો મર્યાદિત વધઘટ સાથે મામૂલી નરમ રહ્યો. આર્થિક આંકડા નરમ થતા જાય છે. ખાસ તો ઔદ્યોગિક ઉત્પાદનનો વિકાસદર નેગેટિવ થઈ ગયો એ મોટી ચિંતાની વાત છે. દિવાળી ડિસ્કાઉન્ટને કારણે મોબાઇલ, ટીવી, ફૅશનની વસ્તુઓના ઑનલાઇન સેલ્સ ઘણા સારા રહ્યા છે. હાઇએન્ડ ફોન્સ, હાઇએન્ડ કાર અને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મુવી ટિકિટ સેલ્સ પણ સારા રહ્યા છે. મુવી ટિકિટના બ્લૉક બસ્ટર સેલ્સને અનુલક્ષી એક પ્રધાનશ્રીએ કહ્યું કે ત્રણ ફિલ્મો ૧૨૦ કરોડનો ધંધો કરે છે, આમા મંદી છે કયાં? સોશ્યલ મીડિયા પર પણ નવરાત્રિમાં એક વૈભવી ૨૦૦ કાર વેચાણી, એક ફોન કંપનીએ ૭૫૦ કરોડના ફોન ફટાફટ વેચ્યા એવા મેસેજ ફર્યા કરે છે. જેમની હકીકત પર કેવી મંદી છે એ વેપારી વર્ગ અને કૉર્પોરેટસ, આમઆદમીને સમજ પડે છે. આર્થિક ચિત્ર નબળું પડતું જાય છે. ખાસ કરીને એનબીએફસી સેકટર અને રિઅલ એસ્ટેટ મામલે ચિંતાજનક મંદી છે.

ટેક્નિકલી રૂપિયામાં રેન્જ ૭૦.૬૨-૭૧.૮૪ છે. સપોર્ટ ૭૦.૮૪, ૭૦.૬૨ અને રેઝિસ્ટન્સ ૭૧.૧૭, ૭૧.૩૭, ૭૧.૬૨, ૭૧.૮૪ છે. ડોલેકસની રેન્જ ૯૭.૭૦-૯૯.૭૦ છે. યુરોની રેન્જ ૧.૯૦૨૦-૧.૧૨૨૦ અને પાઉન્ડની રેન્જ ૧.૨૪૪૦-૧.૨૮૨૦ છે.

business news