ચાઇનીઝ ડિજિટલ કરન્સી અંગેની કમેન્ટથી સોનું વધ્યું

26 January, 2021 11:57 AM IST  |  Mumbai | Mayur Mehta

ચાઇનીઝ ડિજિટલ કરન્સી અંગેની કમેન્ટથી સોનું વધ્યું

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસની વૅક્સિનની શૉર્ટેજ અને ચીન દ્વારા મોટેપાયે ડિજિટલ કરન્સીનું ટેસ્ટિંગ કરવાના સમાચારો ગ્લોબલ મીડિયામાં ચમકતાં સોમવારે બપોર બાદ વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી સુધર્યાં હતાં, એને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૭૬ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૧૧ રૂપિયા સુધરી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકન પ્રેસિડન્ટ બાઇડન દ્વારા રજૂ થયેલી ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રિલીફ પૅકેજની દરખાસ્ત મંજૂર થવા અંગે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના મેમ્બર્સ દ્વારા આ રિલીફ પૅકેજની કેટલીક બાબતો અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હોવાથી આ દરખાસ્ત સહેલાઈથી મંજૂર થશે કે કેમ? એ અંગે શંકાઓ ઊભી થતાં છેલ્લાં બે સેશનથી સોનું ઘટી રહ્યું છે. શુક્રવારે ઓવરનાઇટ સોનું ૦.૯ ટકા ઘટ્યા બાદ સોમવારે પણ સવારથી વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા. જોકે ડૉલર પણ ઘય્યો હતો. બપોર બાદ પેફઝર દ્વારા કોરોના વાઇરસના ડોઝ ધારણા પ્રમાણે ન મોકલતાં વૅક્સિનની શૉર્ટેજની વાતો ગ્લોબલ મીડિયામાં ફેલાતાં એની અસરે સોના-ચાંદીમાં નવેસરથી લેવાલી નીકળી હતી તેમ જ ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ચીન ચાલુ વર્ષે ડિજિટલ કરન્સીનું મોટેપાયે ટેસ્ટિંગ શરૂ કરશે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથનું પ્રોજેક્શન જાન્યુઆરી માટે ૫૯.૧ પૉઇન્ટ રહ્યું હતું જે ડિસેમ્બરમાં ૫૮.૩ પૉઇન્ટ હતું તેમ જ માર્કેટની ધારણા ૫૬.૫ પૉઇન્ટની હતી. અમેરિકાના સર્વિસ સેક્ટરનું પ્રોજેક્શન જાન્યુઆરી માટે ૫૭.૫ પૉઇન્ટ રહ્યું હતું જે બે મહિનાની ઊંચાઈએ હતું તેમ જ માર્કેટની ૫૩.૬ પૉઇન્ટની ધારણા કરતાં ઘણું જ ઊંચું હતું. ડિસેમ્બરમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ ૫૪.૮ પૉઇન્ટ હતો. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરની ઍક્ટિવિટી જાન્યુઆરીમાં ૫૮ પૉઇન્ટ રહેવાનું પ્રોજેક્શન હતું જે ડિસેમ્બરમાં ૫૫.૩ પૉઇન્ટ હતું. અમેરિકાના એક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં ડિસેમ્બરમાં ૦.૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને એક્ઝિસ્ટિં હોમના ભાવ ડિસેમ્બરમાં ૧૨.૯ ટકા વધ્યા હતા. આમ, અમેરિકાના તમામ ઇકૉનૉમિક ડેટા મજબૂત આવતાં સોના-ચાંદીનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ચાલુ સપ્તાહે ગ્લોબલ કંપનીઓ એપલ, માઇક્રોસોફટ, ફેસબુક અને ટેસ્લાના કૉર્પોરેટ રિઝલ્ટ જાહેર થવાનાં છે. કોરોના વાઇરસની મહામારીની આ કંપનીઓની ફાઇનૅન્શિયલ સ્થિતિ પર શું અસર થઈ? એ જાણવું બધાને માટે રસપ્રદ નીવડશે. આ કંપનીઓનાં રિઝલ્ટથી સ્ટૉક માર્કેટની તેજીનું ભાવિ નક્કી થશે અને એના પરથી સોના-ચાંદીની માર્કેટની લૉન્ગ ટર્મ દિશા પણ નક્કી થશે.

ભારતમાં સોનાની ડિમાન્ડ વધતાં લંડનના ભાવથી પ્રીમિયમ વધ્યું

સોનાના ભાવ ઘટતાં તેમ જ ૧૪ જાન્યુઆરી બાદ લગ્નની સીઝન ચાલુ થતાં ભારતમાં સોનાની ડિમાન્ડ વધી હતી, જેને કારણે ભારતીય ગોલ્ડ ડિલર્સ હાલ લંડનના સોનાના ભાવથી પ્રતિ ઔંસ એક ડૉલર પ્રીમિયમ વસૂલી રહ્યા છે, જે ગયા સપ્તાહે ૫૦ સેન્ટ પ્રીમિયમ વસૂલી રહ્યા હતા. લાંબા સમય સુધી ભારતમાં સોનાના ભાવનું ડિસ્કાઉન્ટ બોલાયા બાદ છેલ્લાં બે સપ્તાહથી પ્રીમિયમ બોલાવાનું ચાલુ થયું છે. ગોલ્ડ જ્વેલરી શો-રૂમોના માલિકોના જણાવ્યા અનુસાર સોનાના ભાવ વધુ નહીં ઘટે એવી ખાતરી થતાં હવે લગ્નની સીઝનની ડિમાન્ડ બજારમાં દેખાવાની શરૂ થઈ છે, હજી ઘણાખરા લોકોને બજેટમાં સોનાની ખરીદી માટે કોઈ પ્રોત્સાહન આવવાની આશા હોવાથી તેઓ બજેટ જાહેર થયા બાદ સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૯,૪૧૬

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૯,૨૧૮

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૬,૭૦૩

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news