મગફળીનું ઉત્પાદન બમ્પર માત્રામાં અને તલનું ઉત્પાદન અડધું થવાનો અંદાજ

25 October, 2021 04:21 PM IST  |  Mumbai | Mayur Mehta

ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં મગફળીનું ઉત્પાદન વધશે : તલનાં તમામ મુખ્ય ઉત્પાદક રાજ્ય ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન ઘટશે

પ્રતીકાત્મક તસવીર

દેશનાં મુખ્ય તેલીબિયાંમાં અગત્યનું સ્થાન ધરાવતાં મગફળી અને તલનાં ઉત્પાદનનો અંદાજ તાજેતરમાં સરકાર હસ્તકની આઇઓપીઈપીસી (ઇન્ડિયન ઑઇલ સીડ્ઝ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ) દ્વારા આયોજિત ગ્લોબલ ઑઇલ સીડ્ઝ કૉન્ફરન્સમાં મૂકવામાં આવ્યો હતો.

મગફળીનું ઉત્પાદન દેશમાં ગત વર્ષથી મોટા પ્રમાણમાં વધશે જ્યારે તલનું ઉત્પાદન પ્રતિકૂળ વરસાદને કારણે ગત વર્ષથી અડધું જ થશે. આ બંને તેલીબિયાંની મોટા પ્રમાણમાં નિકાસ થતી હોવાથી આ બંને ભારતને કરોડો રૂપિયાનું વિદેશી ડૂંડિયામણ રળી આપે છે. ગત વર્ષે ભારતે સીંગદાણા અને સીંગતેલની રેકૉર્ડબ્રેક નિકાસ કરી હોવાથી ચાલુ વર્ષે મગફળીનું વિક્રમી ઉત્પાદન થયું છે જ્યારે તલની નિકાસમાં યુરોપિયન દેશો સાથે સમસ્યા થતાં તેમ જ પ્રતિકૂળ વરસાદની અસર તલનાં ઉત્પાદન પર પડી છે.

રેકૉર્ડબ્રેક ઉત્પાદન છતાં ખાદ્ય તેલોની તેજીના સપોર્ટથી મગફળીમાં મંદી નહીં થાય : નીલેશ વીરા - પ્રેસિડન્ટ, આઇઓપીઈપીસી (ઇન્ડિયન ઑઇલ સીડ્ઝ પ્રોડ્યુસર્સ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)

તાજેતરમાં મુંબઈ ખાતે આઇઓપીઈપીસી દ્વારા યોજાયેલી ગ્લોબલ ઑઇલ સીડ્ઝ કૉન્ફરન્સમાં મગફળી અને તલનાં ઉત્પાદનના અંદાજ મુકાયા હતા જેમાં ભારતમાં મગફળીનું રેકૉર્ડબ્રેક ૮૨.૦૩ લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો હતો. મગફળીનું ઉત્પાદન ગત વર્ષથી વધુ થયું છે. ઉપરાંત રેકૉર્ડબ્રેક ઉત્પાદન થયું છે. સામાન્ય રીતે રેકૉર્ડબ્રેક ઉત્પાદનને કારણે માર્કેટમાં મંદી આવે છે, પણ વૈશ્વિક પરિસ્થિતિને કારણે હાલ દેશમાં સોયાતેલ, રાયડાતેલ, પામતેલ અને સીંગતેલના ભાવ વિક્રમી ઊંચા છે. વૈશ્વિક સ્તરે પાવર શૉર્ટેજ, ગ્લોબલ વૉર્મિંગ અને ઇઝી મની ફલોને કારણે ખાદ્ય તેલોના ભાવમાં નજીકના ભવિષ્યમાં મંદી આવવાની શક્યતા દેખાતી નથી. આથી મગફળી અને સીંગદાણાની માર્કેટને ખાદ્ય તેલોની તેજીનો સપોર્ટ મળશે. વળી ગત વર્ષે મગફળીની નવી સીઝન ચાલુ થયા એ અગાઉ ફૉર્વર્ડમાં સીંગદાણાના અંદાજે ૧૦૦૦થી ૧૫૦૦ કન્ટેઇનર અને સીંગતેલના ૨૦થી ૨૫ હજાર ટનના વેપાર થયા હતા જેને કારણે નવી આવક ચાલુ થઈ હતી ત્યારે લોકલ ડિમાન્ડ ઉપરાંત ફૉર્વર્ડ વેપાર, બંનેની એકસાથે માગ નીકળતાં તેજી જોવા મળી હતી.

તલનું ઉત્પાદન ઓછું હોવાથી તેમ જ આયાતની શક્યતા ઓછી હોવાથી ભાવ ઊચા રહેશે : ઋતુપર્ણા ડોલે વાઇસ પ્રેસિડન્ટ-આઇઓપીઈપીસી (ઇન્ડિયન ઑઇલ સીડ્ઝ પ્રોડ્યુસર્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)

તાજેતરમાં આઇઓપીઈપીસીની વાર્ષિક મીટિંગમાં ભારતમાં તલનું ઉત્પાદન ૨.૩૦ લાખ ટનનું થવાનો અંદાજ મુકાયો હતો જે ગત વર્ષે ૪.૩૯ લાખ ટન થયું હતું. ભારતમાં તલની પીક ડિમાન્ડ સપ્ટેમ્બરથી ડિસેમ્બર રહે છે. સામાન્ય રીતે આ ચાર મહિના દરમિયાન આખા વર્ષની જરૂરિયાતનું ૫૦ ટકા ઉત્પાદન માર્કેટમાં ખપી જાય છે. ચાલુ વર્ષે આઇઓપીઈપીસીની મીટિંગમાં તલના ઉત્પાદનનો જે અંદાજ મુકાયો છે એના કરતાં પણ ઉત્પાદન ઓછું મળે એવી શક્યતા છે, કારણ કે ખરીફ સીઝનના આરંભે ખેડૂતોએ તલનું વાવેતર કર્યું એ પછી તરત જ તલનો પાક તૈયાર થઈ ગયો અને કાપણી કરી ત્યાર બાદ ભારે વરસાદ પડતાં તલના પાકને મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત સૌથી મોટી સમસ્યા એ છે કે તલના તૈયાર થયેલા પાક પર વરસાદ પડતાં ક્વૉલિટીને બહુ મોટું નુકસાન થયું છે. હલિંગ પ્રોસેસ માટે તલ પૂરતા પ્રમાણમાં મળી જશે, પણ ફૂડ ઇન્ડસ્ટ્રીઝને ચાલુ વર્ષે ક્વૉલિટી તલ નહીં મળે. આ ઉપરાંત હાલ કન્ટેઇનર્સના ઇશ્યુ સમગ્ર વિશ્વમાં મોટા પ્રમાણમાં હોવાથી તેમ જ ફ્રેઇટ પણ ઊંચા હોવાથી ભારતમાં તલની આયાત બહુ જ ઓછી થશે. કૅરીફૉર્વર્ડ સ્ટૉક ઓછો છે, ઉત્પાદન ઓછું છે ત્યારે ભારતની તલની વાર્ષિક નિકાસ ૨.૭૫થી ૩ લાખ ટનની હોવાથી ચાલુ વર્ષે તલની સપ્લાયમાં શૉર્ટેજ હોવાથી ભાવ ઊંચા રહેશે.

મગફળીનું ઉત્પાદન વધવા સાથે સીંગદાણાની ક્વૉલિટી સુધરી હોવાથી નિકાસમાં ફાયદો થશે : ખુશવંત જૈન - ભૂતપૂર્વ પ્રેસિન્ડ-આઇઓપીઈપીસી (ઇન્ડિયન ઑઇલ સીડ્ઝ પ્રોડ્યુસર્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)

દેશમાં મગફળીનું ઉત્પાદન સતત ત્રીજે વર્ષે વધવાનો અંદાજ મુકાયો છે. ૨૦૧૯માં ૬૨ લાખ ટન, ૨૦૨૦માં ૭૭ લાખ ટન અને ૨૦૨૧માં ૮૨ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે. મહત્ત્વની બાબત એ છે કે મગફળીનાં ઉત્પાદનમાં નવાં રાજ્યો મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે સામેલ થઈ રહ્યાં છે. આ રાજ્યોમાં મગફળીનું વાવેતર વધ્યું છે, પણ તલના વાવેતરના ભોગે મગફળીનું વાવેતર વધ્યું છે. ભારતની ખાદ્ય તેલોની આયાત સતત વધી રહી હોવાથી તેલીબિયાંનું ઉત્પાદન વધારવાનો એજન્ડા હાલ સરકારના ભાવિ પ્લાનમાં ટોચ પર છે. ચાલુ વર્ષે વાવેતર ચારથી પાંચ ટકા જ વધ્યું છે, પણ પ્રતિ હેક્ટર યીલ્ડ વધ્યા હોવાથી ૩૮-૪૨, ૪૦-૫૦ કાઉન્ટ બોલ્ડ કાઉન્ટના સીંગદાણા અને ૬૦-૭૦ કાઉન્ટ રનિંગ તથા ૮૦-૯૦ કાઉન્ટના સીંગદાણાની ક્વૉલિટી બહુ જ સારી બની છે જેને કારણે સીંગદાણાની નિકાસમાં ફાયદો થશે. ભારતીય સીંગદાણાની સૌથી વધુ નિકાસ ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ, મલેશિયા અને વિયેટનામ થાય છે જ્યાં જાવા સીંગદાણાની ડિમાન્ડ સારી છે. એની ક્વૉલિટી સારી હોવાથી સીંગદાણાની નિકાસમાં ફાયદો થશે.

business news