પેટીએમના લિસ્ટિંગે બરાબરના રડાવ્યા

19 November, 2021 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટૉક ઇશ્યુભાવ કરતાં ૨૭ ટકા નીચે બંધ રહેતાં રોકાણકારોની સંપત્તિમાં આશરે ૩૮૦૦૦ કરોડ રૂપિયાનું ધોવાણ

પ્રતિકાત્મક તસવીર

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે દેશમાં પહેલી હરોળમાં આવતી પેટીએમનું લિસ્ટિંગ ગુરુવારે ઘણું નબળું રહ્યું હતું અને દિવસના અંતે સ્ટૉક ૨૭ ટકા ઘટીને બંધ રહ્યો હતો. 
૧૮,૩૦૦ કરોડ રૂપિયાના વૅલ્યુએશન સાથે પેટીએમનો આઇપીઓ દેશમાં સૌથી મોટો હતો, પરંતુ ઇશ્યુએ જેટલી ઉત્સુકતા જગાડી હતી એટલો જ વધુ ઘટાડો થતાં રોકાણકારોને ઘોર નિરાશા સાંપડી હતી. 
આ રકાસને પગલે તમામ રોકાણકારોની આશરે ૩૮,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિનું ધોવાણ થયું હતું. ઇશ્યુભાવને અનુલક્ષીને કંપનીનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૩૯ ટ્રિલ્યન રૂપિયા હતું, જે દિવસના અંતે ઘટીને ૧.૦૧ ટ્રિલ્યન રૂપિયા થયું હતું. આ ઇશ્યુમાં ૧૪ લાખ રીટેલ રોકાણકારોએ અરજી કરી હતી. 
ગુરુવારે શૅરબજારમાં લિસ્ટિંગ થતાં બીએસઈ પર સ્ટૉક ૯ ટકાના ઘટાડા સાથે ૧૯૫૫ના ભાવે પહોંચ્યો હતો. દિવસના અંતે એનો ભાવ ઇશ્યુભાવની સામે ૨૭.૨૫ ટકા (૫૮૫.૮૫ રૂપિયા) ઘટીને ૧૫૬૪.૧૫ થયો હતો. ખૂલેલા ભાવની તુલનાએ સ્ટૉકને ૨૦ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. એનએસઈ પર સ્ટૉક દિવસના અંતે ૨૭.૩૪ ટકા ઘટીને ૧૫૬૦ બંધ રહ્યો હતો. 
લિસ્ટિંગ થયું એ સમારંભમાં પેટીએમના સ્થાપક વિજય શેખર શર્મા ભાવુક થતાં તેમની આંખમાં અશ્રુ આવ્યાં હતાં, પણ સ્ટૉક ઘટ્યો એને પગલે ટ્વિટર પર કટાક્ષ થવા લાગ્યા હતા. ‘શરૂઆતમાં શર્મા રડ્યા અને હવે રોકાણકારો રડી રહ્યા છે’ એવી ટિપ્પણી થઈ હતી. જોકે પછીથી શર્માએ નિવેદનમાં કહ્યું હતું કે એક દિવસમાં અમારું ભવિષ્ય નક્કી થવાનું નથી. અમારું બિઝનેસ મૉડલ નવું છે અને એને સમજવામાં ઘણો સમય લાગે છે. 
પેટીએમે પ્રતિ શૅર ૨૧૫૦નો ઇશ્યુભાવ રાખ્યો એ બાબતે અમુક નિષ્ણાતોનું કહેવું છે કે નફા વગરની આ કંપનીનું મૂલ્ય વધુપડતું છે. આઇપીઓમાં માત્ર ૧.૮૯ ગણી અરજીઓ આવી હોવાથી લિસ્ટિંગ ઘટાડે થશે એવી ધારણા હતી, પરંતુ સ્ટૉકને નીચલી સર્કિટ લાગશે એવું કોઈએ ધાર્યું નહોતું.
મેક્વાયર રિસર્ચના વિશ્લેષકોએ કહ્યું હતું કે પેટીએમના બિઝનેસ મૉડલમાં દિશા અને લક્ષ્યનો અભાવ છે. 

business news